Gujarat

બેટ દ્વારકામાં એક દિવસમાં નાના-મોટા ૪૫ દબાણો દૂર કરાયા

દ્વારકા
દેવભૂમિ દ્વારકા જિલ્લાના બેટ દ્વારકામાં આ માસના પ્રારંભથી શરૂ થયેલા અનધિકૃત દબાણ હટાવ ઝુંબેશના હાલ ચાલી રહેલા બીજા રાઉન્ડમાં બે દિવસ પૂર્વે બેટ દ્વારકામાં રૂપિયા ૧.૦૯ કરોડ જેટલી કિંમતના એકવીસ દબાણો દૂર કરી અને પચાસ હજાર ફૂટ જેટલી જગ્યાઓ ખુલ્લી કરવામાં આવી હતી. આ કામગીરી ગુરૂવારે પણ રાબેતા મુજબ ચાલી હતી. દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ અધિક્ષક નિતેશ પાંડેયના વડપણ હેઠળ અહીંના ડીવાયએસપી હિરેન્દ્ર ચૌધરી તથા સમીર સારડા દ્વારા બેટ દ્વારકામાં પ્રાંત અધિકારી પાર્થ તલસાણીયા, ચીફ ઓફિસર તેમજ ટીમને સાથે રાખીને કરવામાં આવેલી કાર્યવાહીમાં બેટ નગરપાલિકા કચેરીની પાછળના વિસ્તારમાં, હનુમાન દાંડી જતા રસ્તા પર તેમજ અન્ય સ્થળોએ બુલડોઝર ફેરવવામાં આવ્યા હતા. અનધિકૃત દબાણ હટાવવાની આ કામગીરીમાં એક દિવસમાં ૪૫ દબાણો દૂર કરવામાં આવ્યા હતા. જેમાં આશરે ૫૪ હજાર ફૂટ જમીન ખુલ્લી કરવામાં આવી હતી. આ જગ્યાની બજાર કિંમત રૂપિયા ૧.૧૮ કરોડ જેટલી ગણવામાં આવી છે. આ દબાણ હટાવ ઝુંબેશમાં એક આસામી દ્વારા વિશાળ અને બોટ આકારનું બાંધકામ કરવામાં આવ્યું હતું, જે તોડી પાડવામાં આવ્યું હતું. આ ઉપરાંત કોમર્શિયલ દબાણો તેમજ ધાર્મિક જગ્યા રૂપે થયેલા દબાણો પણ તંત્ર દ્વારા ચુસ્ત બંદોબસ્ત વચ્ચે તોડી પાડવામાં આવ્યા હતા. આ સાથે ઉલ્લેખનીય છે કે હાલ દિવાળીના તહેવારો વચ્ચે અગિયારસ હોય, બેટ દ્વારકામાં યાત્રાળુઓ તેમજ મુસાફરોની અવરજવર પણ વધી છે. ત્યારે મજબૂત પોલીસ બંદોબસ્ત વચ્ચે ચાલતી દબાણ દૂર કરવાની આ ઝુંબેશ હવે અંતિમ ચરણમાં હોય તેવું માનવામાં આવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *