Gujarat

બોડેલી ખેતીવાડી ઉત્પાદન બજાર સમિતિ ખાતે “આદિ વનધન સંમેલન” કાર્યક્રમનું આયોજન ટ્રાયફેડ દ્વારા કરવામાં આવ્યું હતું.

(જીગ્નેશ પટેલ દ્વારા)
આ આદિ વનધન સંમેલનમાં ઝારખંડ રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી અને આદિજાતિ બાબતોના કેબિનેટ મંત્રી શ્રી અર્જુન મુંડા સાહેબ, આદિજાતિ મંત્રાલયના ચેરમેનશ્રી રામસિંહ રાઠવા, છોટાઉદેપુર જિલ્લાના સાંસદશ્રી ગીતાબેન રાઠવા, સંખેડાના ધારાસભ્ય અભેસિંહ તડવી, જિલ્લા પંચાયત પ્રમુખ મલકાબેન પટેલ, ગુજરાત આદિજાતિ વિકાસના સચિવ શ્રી ડો. મુરલી ક્રિષ્ના, નિયામકશ્રી દિલીપસિંહ રાણા , ટ્રાયફેડ હેડ ઓફિસ દિલ્હીથી પધારેલા મહેમાનો શ્રી અમિત ભટનાગર, શ્રી મમતાબેન શર્મા, શ્રી કે. કે કોલ, શ્રી ઓમ પ્રકાશ તથા ટ્રાયફેડ ગુજરાતના રિયોજનલ મેનેજરશ્રી અજીતભાઈ વાછાણી સહિતના વરિષ્ઠ અધિકારીઓ અને પદાધિકારી ઉપસ્થિત રહ્યા હતા. આ સંમેલનમાં બાર થી પંદર હજાર જેટલા આદિવાસીઓ દ્વારા ભાગ લેવામાં આવ્યો હતો.
આ સંમેલનમાં માનનીય શ્રી અર્જુનભાઈ મુંડાજીનું સ્વાગત અને સન્માન મંચસ્થ મહાનુભાવો તથા પદાધિકારીઓ દ્વારા પાઘડી પહેરાવીને મોમેન્ટ તેમજ તીર કામઠું ભેટ સ્વરૂપે આપ્યું હતું.
આ કાર્યક્રમને સંબોધતા શ્રી અર્જુન મુંડાએ જણાવ્યું હતું કે ભગવાન બિરસા મુંડાની ભૂમિથી આવેલો હું ગુરુ ગોવિંદસિંહની ભૂમિને વંદન કરું છું. દેશના સાડા દસ કરોડ આદિવાસીઓનો સર્વાંગી વિકાસ થાય તે માટે તેઓ પ્રતિબદ્ધ છે.
ભારત સરકારના આદિજાતિ બાબતોના મંત્રાલય હેઠળ ચાલતા ટ્રાઇબલ કો-ઓપરેટીવ માર્કેટિંગ ડેવલપમેન્ટ ફેડરેશન ઓફ ઇન્ડિયા લિમિટેડ (ટ્રાયફેડ) અંગે મંત્રીએ કહ્યું કે, જંગલ વિસ્તારમાં રહેલા આદિજાતિ સમાજના લોકો જંગલમાંથી ગૌણપેદાશો એકઠી કરીને તેનું વેચાણ કરી આવક મેળવે છે અને તે પેદાશોના વેચાણ પર તેમને પૂરતી કિંમત મળતી નથી. ટ્રાયફેડ દ્વારા આ ગૌણપેદાશોને મહત્તમ મૂલ્યવર્ધન કરીને ખરીદવામાં આવે છે અને તેમની વસ્તુઓનું આખા દેશભરમાં વેચાણ કરીને એક માર્કેટિંગ પ્લેટફોર્મ પૂરું પાડવામાં આવે છે. જેથી દરેક આદિવાસીઓને રોજગાર મળી રહે અને કોઈ વંચિત ના રહી જાય તેનું ખાસ ધ્યાન ટ્રાયફ્રેડના પ્લેટફોર્મના માધ્યમથી રાખવામાં આવે છે. આ ઉપરાંત આદિવાસી સમાજના બાળકોને સારું અને ગુણવત્તાપૂર્ણ શિક્ષણ મળી રહે તે માટે સરકાર દ્વારા એકલવ્ય મોડેલ રેસીડેન્સીયલ સ્કૂલો શરૂ કરવામાં આવી છે.
ટ્રાઇફેડના ચેરમેન અને પૂર્વ સાંસદશ્રી રામસિંહભાઈ રાઠવા એ ટ્રાયફેડના માધ્યમથી આદિવાસી લોકોને વેપાર કરીને વેપારી બની રહે એવી સુવિધા સરકાર આપી રહી છે. છોટાઉદેપુર જિલ્લાના ૫ વનધન કેન્દ્રોમાં સમાવેશ થતા ૧૫૦૦ જેટલા વનધન લાભાર્થીઓને વન પેદાશોમાં સહાય થતી “ટૂલકીટ” જે દરેક વનધન લાભાર્થીને પ્રદાન કરવામાં આવી હતી. આ પ્રસંગે પ્રાસંગિક ઉદબોધન સાંસદશ્રી ગીતાબેન રાઠવા, સંખેડાના ધારાસભ્યશ્રી અભેસિંહ તડવી,  પૂર્વ ધારાસભ્યશ્રી શંકરભાઈ રાઠવા, પૂર્વ ધારાસભ્યશ્રી જેન્તીભાઈ રાઠવા અને પૂર્વ ધારાસભ્યશ્રી વેચાતભાઈ બારીયાએ જણાવ્યું હતું કે વનધન કેન્દ્રોથી મળતી રોજગારી પૂરી પાડવા બાબતે ટ્રાયફેડ અને ભારત સરકારનો ખૂબ ખૂબ આભાર માન્યો હતો.
ટ્રાયફેડના રિયોજનલ મેનેજર શ્રી અજીતભાઈ વાછાણીએ સભા પૂરી થતા અને આભાર વ્યક્ત કરતા જણાવ્યું હતું કે અમને ટ્રાયફેડ જેવી સંસ્થામાં કામ કરતા ગર્વ થાય છે. આ સંસ્થા દ્વારા આદિવાસી સમાજના ભાઈઓ બહેનોને પૂરતી મદદ મળી રહે અને તેમના ઉત્થાન માટે અમે તત્પર રહીને કામ કરીશું. આ ઉપરાંત આદિવાસીઓના જોડાણ અર્થે ટ્રાયફેડ દ્વારા નવા આદિવાસીની ઓળખ કરીને તેમનું સ્ટેજ પર સન્માન કરીને રજીસ્ટ્રેશન સર્ટિફિકેટ આપવામાં આવ્યું હતું. આમ ઉલ્લાસપૂર્વક આ કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી હતી અને કાર્યક્રમને પૂર્ણ વિરામ આપવામાં આવ્યો હતો.
તસવીર અહેવાલ
જીગ્નેશ પટેલ માણાવદર

IMG-20221013-WA0001.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *