એક રાજાના દરબારમાં એક અજાણ્યો માણસ નોકરી માટે આવે છે.રાજાએ તેની યોગ્યતા વિશે પુછ્યું ત્યારે તેને કહ્યું કે હું માણસ હોય કે જાનવર તેને જોઇએ તેના વિશેની વાસ્તવિકતા બતાવી શકું છું.રાજાએ તેને ખાસ બનાવેલ ઘોડાસરનો ઇન્ચાર્જ બનાવવામાં આવે છે.
કેટલાક દિવસો બાદબાદ રાજાએ તેને બોલાવીને પોતાના સૌથી મોંઘા અને મનપસંદ ઘોડા વિશે પુછે છે ત્યારે તેમને કહ્યું કે હજૂર..આપનો ખાસ ઘોડો અસલ નસ્લનો નથી.રાજાને ઘણી જ નવાઇ લાગે છે અને જેની પાસેથી આ ઘોડો ખરીદ્યો હતો તેને બોલાવવામાં આવે છે ત્યારે તે કહે છે કે ઘોડાની નસ્લ તો અસલ છે પરંતુ તેના જન્મ પછી તેની ર્માં મરી ગઇ હતી તેથી ગાયનું દૂધ પીવડાવીને આ ઘોડાને મોટો કર્યો હતો.
રાજાએ નોકરને બોલાવીને પુછ્યું કે તમોને કેવી રીતે ખબર પડી કે ઘોડાની નસ્લ અસલ નથી? ત્યારે નોકર કહે છે કે ઘોડો જ્યારે ઘાસ ખાય છે ત્યારે ઘાસ મોંઢામાં લઇને માથું ઉંચુ રાખીને ખાતો હોય છે જ્યારે આ ઘોડો માથું નીચું રાખીને ખાય છે.રાજા તેની ગુણશક્તિ અને નિપુણતાથી બહું ખુશ થાય છે અને અનાજ,ઘી,મુરઘીઓ અને ઇંડા ઇનામના રૂપમાં આપે છે.
ફરીથી કેટલાક દિવસો બાદ રાજા તેને પોતાની રાણીના વિશે પુછે છે ત્યારે નોકર કહે છે કે ચાલ-ચલણ તો રાણી જેવી છે પરંતુ તે જન્મજાત રાજકુંવરી નથી.રાજાના તો પગ નીચેથી ધરતી ખસી જાય છે. રાજા પોતાની સાસુને બોલાવે છે અને તમામ હકીકતની જાણ કરે છે ત્યારે રાજાની સાસુ કહે છે કે આપના પિતાજી અને મારા પતિ પરમમિત્ર હતા.જ્યારે અમારા ઘેર પૂત્રીનો જન્મ થયો ત્યારે આપના માટે અમારી દિકરીની માંગણી કરી લીધી હતી પરંતુ છ મહિનામાં જ અમારી દિકરીનું અવસાન થાય છે.આપણા બંનેના પરીવારના સબંધો કાયમ રહે તે ભાવથી અમે બીજા મિત્રની દિકરીને ગોદ લીધી હતી.
ત્યારે રાજા નોકરને પુછે છે કે તમોને કેવી રીતે ખબર પડી? ત્યારે નોકર કહે છે કે એક ખાનદાન માણસનો અન્ય લોકો સાથેનો વ્યવહાર સુંદર મીઠો મધુર હોય છે જે રાણી સાહેબમાં જોવા મળતો નથી. રાણી સાહેબનો નોકરોની સાથેનો વ્યવહાર નીચના જેવો છે.
રાજાએ નોકરની પારખું નજરથી પ્રભાવિત થઇને અનાજ,ઘેંટા-બકરા ઇનામના રૂપમાં આપીને રાજ દરબારમાં નોકરીમાં રાખી લે છે અને એક દિવસ રાજા પોતાના વિશે પુછે છે ત્યારે નોકર કહે છે કે મારા જાનની સલામતીનું વચન આપો તો આપની વાસ્તવિકતા કહું. રાજા વચન આપે છે ત્યારે નોકર કહે છે કે આપ રાજાના પૂત્ર રાજકુંવર નથી અને તમારી ચાલ-ચલન અને વ્યવહાર પણ રાજા જેવો નથી.
રાજાને ઘણો જ ગુસ્સો આવે છે પરંતુ નોકરને જાનની સલામતીનું વચન આપેલું હોવાથી કશું જ કરી શકતા નથી તેથી સીધા પોતાની માતાના મહેલમાં જાય છે અને પોતાના જન્મ વિશે પુછે છે ત્યારે માતા કહે છે કે સત્ય એ છે કે તૂં એક ઘેંટા બકરા ચરાવનાર ભરવાડનો છોકરો છે.અમારે કોઇ સંતાન ન હતું એટલે એક ભરવાડ પાસેથી તને દત્તક લીધો હતો.
રાજા નોકરને બોલાવે છે અને પુછે છે કે તમોને કેવી રીતે ખબર પડી કે હું રાજકુમાર નથી? ત્યારે નોકર કહે છે કે રાજા કોઇના ઉપર પ્રસન્ન થાય છે ત્યારે ઇનામના રૂપમાં હીરા-મોતી ઝવેરાત આપતા હોય છે પરંતુ આપ જ્યારે જ્યારે મારી પારખું નજરથી પ્રભાવિત થયા ત્યારે ત્યારે મને ઘેંટા-બકરા અને ખાવા-પીવાની ચીજવસ્તુઓ જ આપી છે.આવો વ્યવહાર કોઇ રાજાનો ના હોઇ શકે..! રાજાને ઘણી જ નવાઇ લાગે છે.
આ બોધકથામાંથી આપણે એ બોધ મળે છે કે..કોઇપણ વ્યક્તિ પાસે ગમે તેટલી ધન-દૌલત,સુખ-સમૃદ્ધિ,પદ-પ્રતિષ્ઠા મળી જાય..આ બધા બાહ્ય દેખાવ છે.માનવીની વાસ્તવિક ઓળખાણ તેનો વ્યવહાર અને તેની નિયતથી થાય છે.
જેને સત્ય બ્રહ્મની પ્રાપ્તિ કરી એવા સંતોની સાથે દુર્જનો સહજ સ્વાભાવિક યુગોથી વૈર કરતા આવ્યા છે.સંસારના લોકોના કાર્યો આશ્ચર્યજનક છે કેમકે તે અવતારો,પીરોનો તેમના જીવનકાળ દરમ્યાન સન્માન કરતા નથી પરંતુ તેમના દેહાંત બાદ તેમની પૂજા કરે છે.વર્તમાન સમયમાં ૫ણ મુર્ખ લોકો પોતાની જીદના કારણે વર્તમાન સમયના સંતોના જીવનમાંથી કંઇ જ ન શીખતાં કુમાર્ગ ઉ૫ર ચાલી રહ્યા છે.સંતો પાસેથી બ્રહ્માનુભૂતિનો લાભ ઉઠાવવાના બદલે તેમની સાથે વેર કરી રહ્યા છે.સંતો ક્યારેય દુર્જનોની સાથે વૈરભાવ રાખતા નથી,તે તો તેમને પોતાનું જ સ્વરૂ૫ માનીને પ્રેમપૂર્વક વ્યવહાર કરે છે.
જે વ્યક્તિ પોતાના વ્યવહારથી કે પોતાની વાણીની કડવાશથી બીજાનું દિલ દુભાવે છે તેના જીવનમાં અંધકાર ભરાઇ જાય છે.જેનામાં અભિમાન છે,અહંકાર છે તેને મહાન માનવામાં આવતા નથી.મહાન તે છે કે જેનામાં દાસ ભાવના છે,વિનમ્રતા છે,જેના હ્રદયમાં મિઠાસ છે,જેને શુધ્ધ વ્યવહાર કર્યો છે.જીવનના દરેક પ્રસંગોએ વિનયપૂર્વક વ્યવહાર કરવો જોઇએ.
ભક્તના અંતઃકરણમાં પ્રાણીમાત્ર સાથે મૈત્રી તથા દયાનો ભાવ હોય છે.તે બીજા માટે જે કંઇ કરે છે તે કર્તવ્ય તરીકે નહી પરંતુ સ્નેહથી કરે છે.પોતાનું અનિષ્ટ કરવાવાળા પ્રત્યે ૫ણ ભક્ત મિત્રતાનો વ્યવહાર કરે છે.ભક્ત માને છે કે મારૂં અનિષ્ટ કરવાવાળો..અનિષ્ટમાં નિમિત્ત બનીને મારા પૂર્વમાં કરેલા પા૫કર્મોનો નાશ કરી રહ્યા છે તેથી તે વિશેષરૂપે આદરને પાત્ર છે.
કોઇની ૫ણ સાથે ક૫ટપૂર્ણ વ્યવહાર ન કરવો અને કોઇની ૫ણ આજીવિકાને નુકશાન ન ૫હોચાડવું તથા ક્યારેય કોઇના ૫ણ વિશે મનમાં અહિત ન વિચારવું.કોઇની પાસે ગમે તેટલી ધનદૌલત,સુખ સમુદ્ધિ હોય એ ફક્ત બાહ્ય દેખાવ છે.વ્યવહારમાં સામાન્ય ભૂલ થાય તો સજા થાય છે પણ પરમાર્થમાં કદાચ મોટી ભૂલ થાય તો પણ પ્રભુ ક્ષમા કરે છે.પરમાર્થ સહેલો છે,વ્યવહાર કઠણ છે.વ્યવહારમાં થોડી પણ ભૂલ થાય તો લોકો ક્ષમા આપતા નથી.વ્યવહારમાં બહુ સાવધાનીની જરૂર છે.
વિનોદભાઈ માછી નિરંકારી
નવીવાડી,તા.શહેરા,જી.પંચમહાલ
૯૭૨૬૧૬૬૦૭૫(મો)


