ભુજ
ભચાઉ-ભુજ વાયા દુધઈ રાજ્ય ધોરીમાર્ગ પર વધુ એક અકસ્માત થયો હતો જેમાં ટવેરા અને ઇનોવા કાર વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં કચ્છ સથવારા સમાજના પ્રમુખને ગંભીર ઈજાઓ પહોંચી હતી. જ્યારે ભુજ સ્વામિનારાયણ મંદિરના સંતો અને હરિભક્તોને પણ ઈજાઓ પહોંચી હતી. અકસ્માતની ઘટના બાદ સ્થાનિક લોકોએ સ્થળ પર આવી માર્ગ નિર્માણ સામે ભ્રષ્ટાચારનો આરોપ મૂકી યોગ્ય નિરાકરણની માંગ કરી હતી. ભચાઉના આંબરડી પાસે વીજ કચેરી સામેની ગોળાઈ નજીક સવારે ઇનોવા અને ટવેરા કાર સામસામે ધડાકાભેર અથડાઈ પડી હતી. જેમાં બંન્ને કારમાં સવાર ૫થી ૬ લોકો ઇજાગ્રસ્ત થયા હતા. જેમાં મુંબઈથી વતન આવવા નીકળેલા જિલ્લા સથવારા સમાજના પ્રમુખ વસંતભાઈ સથવારા દુધઈના નવાગામ પોતાના ઘરે જતા હતા. ત્યારે આંબરડી નજીક સામેથી આવતી કાર સાથે તેમની કારનો અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં વસંતભાઈને અસ્થિભંગ સહિતની ઈજાઓ પહોંચતા ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે પ્રથમ ભચાઉની વાગડ વેલ્ફેર હોસ્પિટલ બાદ વધુ સારવાર માટે ગાંધીધામની ખાનગી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. જ્યારે ભુજના નૂતન સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો અને હરિભક્તોને સામાન્ય ઇજા પહોંચી હતી. જેમને ભુજ લેઉવા પટેલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.