ભરૂચ
ભરૂચની શેરપુરા ચોકડી ખાતે આવેલા અમીના પાર્કમાં ૨૬ વર્ષીય આરીફ મુસાભાઈ નાર્બન રહેતા હતા. જેઓ નર્મદા ચોકડી ખાતે આવેલી મીઠાના અગરની ઓફિસમાં એકાઉન્ટન્ટ તરીકે ફરજ બજાવતા હતા. રજા હોય તેઓ પોતાની એક્ટિવા લઈ પત્ની રૂબીના અને ૧૧ મહિનાના પુત્ર અયાન સાથે કેબલ બ્રિજની મુલાકાતે નીકળ્યા હતા. તેમણે ભરૂચ ઝાડેશ્વર સર્કિટ હાઉસ ખાતે પોતાનું મોપેડ પાર્ક કર્યું હતું અને ચાલતા ચાલતા કેબલ બ્રિજ ઉપર ગયા હતા. પરિવાર કેબલબ્રિજના રસ્તા પરથી ઘરે પરત ફરવા એક્ટિવા તરફ આગળ વધી રહ્યો હતો. આરીફભાઈના હાથમાં તેનો પુત્ર અયાન હતો. આ દરિમયાન પાછળથી આવતી કાળમુખી ટ્રકે તેમને ટક્કર મારી હતી. જેથી હાથમાં રહેલો ૧૧ માસનો પુત્ર ફંગોળાઈને રસ્તા ઉપર પટકાયો હતો અને પત્ની રૂબીનાબેનની નજર સમક્ષ જ પળ ભરમાં ટ્રક આરીફભાઈ ઉપર ફરી વળ્યો હતો. જેથી લોહીલુહાણ હાલતમાં તેઓ ત્યાં જ મૃત્યુ પામ્યા હતા. પત્નીએ પોતાના જેઠને ઘટનાથી વાકેફ કરતા તેઓ દોડી આવ્યાં હતા. લોકોની ભીડ, વાહનોના ટ્રાફિકજામ વચ્ચે ૧૦૮ અને પોલીસ દોડી આવી હતી. મૃતદેહ અને ૧૧ માસના ઇજાગ્રસ્ત અયાનને ભરૂચ સિવિલ હોસ્પિટલમાં લઈ જવાયો હતો. સી ડિવિઝન પોલીસ મથકે અકસ્માત મોતની ફરિયાદ નોંધી ટ્રક ચાલકની ભાળ મેળવવામાં આવી રહી છે.ભરૂચની શાન અને રજાના દિવસે લટાર મરાવાનું સ્થળ બનેલા કેબલ બ્રિજ ઉપર ૫ વર્ષમાં પ્રથમ વખત હિટ એન્ડ રનનો બનાવ સામે આવ્યો છે. કેબલ બ્રિજ પર ફરવા આવેલા એક પરિવારને અકસ્માત નડ્યો હતો. પતિ-પત્ની અને બાળક સાથે કેબલ બ્રિજ પર લટાર મારી રહેલા એક પરિવારને ટ્રકે અડફેટે લીધો હતો. જેમાં પત્નીની નજર સામે જ પતિ પર ટ્રક ફરી વળ્યો હતો. જેથી તેનું મોત થયું છે. તેમજ પતિના હાથમાં રહેલો બાળક પર ઉછળીને રોડ પર પટકાયો હતો. જેથી તેને ગંભીર ઈજા પહોંચી હતી.
