ભરૂચમાં રાજયનો બીજા નંબરના સૌથી લાંબા એલીવેટેડ કોરીડોરનું નિર્માણ થવા જઇ રહયું છે. એબીસી સર્કલથી શેરપુરા સુધી 3.5 કીમીને આવરી લેતાં કોરીડોરના નિર્માણ માટે 420 કરોડ રૂપિયાનું ટેન્ડર બહાર પાડવામાં આવ્યું છે.
દહેજ જીઆઇડીસીમાં હાલ 300થી વધારે ઉદ્યોગો કાર્યરત છે અને નવા ઉદ્યોગો આવી રહયાં છે. દહેજ જીઆઇડીસીમાં કર્મચારીઓની અવરજવર તથા મટીરીયલની હેરાફેરી માટે વાહનોનો ઉપયોગ થાય છે. એક અંદાજ મુજબ ભરૂચ- દહેજ બાયપાસ રોડ પર રોજના 60 હજાર વાહનોની અવરજવર રહેતી હોય છે.
આ માર્ગ ભરૂચ શહેરને અડીને પસાર થતો હોવાથી તેના પરથી શહેરી વાહનોની પણ અવરજવર રહે છે. વાહનોની સંખ્યામાં થયેલાં વધારાથી શ્રવણ ચોકડી, નર્મદા ચોકડી અને એબીસી ચોકડીએ ટ્રાફિકની સમસ્યા વિકટ બની છે. આ સમસ્યાના નિવારણ માટે એબીસી ચોકડીથી શેરપુરા સુધી 3.5 કીમી લંબાઇનો એલીવેટેડ કોરીડોર બનાવવા માટે 420 કરોડ રૂપિયાનું ટેન્ડર બહાર પાડવામાં આવ્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે રાજયનો સૌથી લાંબો એલીવેટેડ કોરીડોર ડીસામાં નિર્માણ પામ્યો છે.
દહેજ જીઆઇડીસીમાં વધી રહેલાં ઉદ્યોગોના કારણે વાહનોની સંખ્યામાં વધારો થયો છે. શ્રવણ ચોકડી તથા આસપાસના વિસ્તારોમાં રહેણાંક વિસ્તારની સાથે સાથે શાળાઓ પણ આવેલી હોવાથી અકસ્માતો વધ્યાં છે. ભારદારી વાહનો અને લકઝરી બસના કારણે વધેલા અકસ્માતોના કારણે લોકોમાં પણ રોષ હોવાથી એલિવેટેડ કોરીડોર ઝડપથી બને તે જરૂરી છે.

