રાજકોટ
પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોર, ઉપરાંત અગ્રણી નેતાઓ હાર્દિક પટેલ, ઇન્દ્રનીલ રાજ્યગુરુ, ધોરાજીના એમએલએ લલિત વસોયા સહિતનાએ ઉગ્ર પ્રતિક્રિયા વ્યક્ત કરી છે. જગદીશ ઠાકોરે તો ત્યાં સુધી કહ્યું છે કે ભાજપની સરકારમાં પોલીસને કલેક્શન માટે ટાર્ગેટ અપાયો છે, જ્યારે ઈન્દ્રનીલે સણસણતો આક્ષેપ કર્યો છે કે અગાઉ આ જ પોલીસ કમિશનર અગ્રવાલ નીતિન ભારદ્વાજના ઘરે જઇ પગે પડતા હતા. ભાજપના જ એમએલએ ગોવિંદ પટેલના લેટરબોમ્બ પર કોંગ્રેસ હવે આક્રમક બની છે. રાજકોટના પોલીસ કમિશનર કમિશન લેતા હોવાના ગંભીર આક્ષેપ ખુદ ભાજપના જ ધારાસભ્ય અને રાજ્યસભાના સાંસદ રામ મોકરિયા દ્વારા કરવામાં આવી રહ્યા છે. બીજી તરફ, કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોરે જણાવ્યું હતું કે ભાજપે પોલીસને ટાર્ગેટ આપ્યો છે. આ કેસમાં ભાજપના ધારાસભ્યએ જ પાર્ટીની પોલ ખોલી છે. તમને બધાં કનેક્શન તાત્કાલિક મળી જાય છે તો પૈસા ઉઘરાવવામાં કેમ કોઈ કનેક્શન નીકળતું નથી. રાજકોટ પૂર્વ વિધાનસભા બેઠકના કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય ઇન્દ્રનીલ રાજ્યગુરુએ જણાવ્યું હતું કે હાલમાં ભાજપ સરકાર સામે ભાજપના જ રાજકોટના બે ધારાસભ્ય એમાં પણ એક મંત્રી અને રાજ્યસભાના સાંસદ ખૂલીને ભ્રસ્ટાચારનો આક્ષેપ કરી રહ્યા છે તેમ છતાં સરકાર એક્શનમાં આવતી નથી અને એના નીચલા અધિકારીને તપાસ સોંપી ભીનું સંકેલવા માગે છે. વિજય રૂપાણી મુખ્યમંત્રી હતા એ સમયે આ કમિશનરની રાજકોટમાં નિમણુક કરવામાં આવી હતી, આ સમયે કમિશનર નીતિન ભારદ્વાજના પગ પકડવા તેમના ઘરે જતા હતા. હાર્દિક પટેલે પત્ર લખીને કહ્યું છે કે રાજકોટમાં અમુક અધિકારીઓનું આગમન થયા બાદ કંઈક અલગ જ સ્થિતિનું નિર્માણ પામ્યું છે. ગૃહમંત્રીની દાનત સાચી હોય તો રાજકોટમાં લોકદરબારનું આયોજન કરીને બતાવે. આ લોકદરબારમાં તેમની જ પોલીસ સામે ફરિયાદોના રાફડો ફાટશે અને પોલીસની પોલ છતી થશે. રાજકોટના ભ્રષ્ટ પોલીસ અધિકારીઓ ખુલ્લા પડી જશે. ક્રાઈમરેટ ઘટાડવાના ચક્કરમાં સામાન્ય લોકોને ફરિયાદ નોંધાવવા માટે ભલામણો લાવવી પડે છે અને ધક્કા ખાવા પડે છે. અંતે તો ફરિયાદીને અરજીથી સંતોષ માણવો પડે છે. જ્યારે કોંગ્રેસના ધોરાજીના ધારાસભ્ય લલિત વસોયાએ પણ ખુલ્લો આક્ષેપ કરતાં કહ્યું હતું કે ભાજપના ધારાસભ્ય પોલીસ કમિશનર પર આક્ષેપ કરે અને તેમના જ સાંસદ સમર્થન આપે છે. જ્યારે કોંગ્રેસ પાર્ટી પ્રજાને જાગ્રત કરવા ધરણાં પર બેસે એ પહેલાં આ પ્રકરણ દબાવવા કાર્યકર્તાની ધરપકડ કરે તો કેટલું યોગ્ય કહેવાય. મેં અગાઉ વિધાનસભામાં પણ રજૂઆત કરી છે કે આખા રાજ્યમાં પોલીસ બેફામ ભ્રષ્ટાચાર કરે છે.
