Gujarat

ભારતની આઝાદીના ઈતિહાસમાં જૂનાગઢની આઝાદીનું વિશિષ્ટ પ્રકરણ

પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીએ દેશની આન,બાન, અને શાન સમા તિરંગાના સન્માન અને દેશ બાંધવોમાં રાષ્ટ્રપ્રેમ વધુ બળવતર બને તેવા સુભાશય સાથે હર ઘર તિરંગા અભિયાન છેડ્યું છે. આ માટે લોકોનો અપ્રતિમ ઉત્સાહ પણ જોવા મળી રહ્યો છે, પરંતુ જૂનાગઢના સંદર્ભમાં તિરંગો લહેરાવવાની વાત જરા જુદી છે. ભારતની આઝાદીનો ૧૫ ઓગસ્ટ ૧૯૪૭ના રોજ સૂરજ ઉગ્યો. ત્યારે જૂનાગઢ રાજ્યમાં ચહલ-પહલ જુદી હતી.

   આ સંદર્ભે નરસિંહ મહેતા યુનિવર્સિટીના પ્રોફેસર-ઈતિહાસકાર ડો. વિશાલ જોશી કહે છે કે, તે સમયના નવાબ મહોબતખાન ત્રીજાના ભોપાલના બેગમ અને નવનિયુક્ત દિવાન શાહનવાજ ભુટ્ટો ઉપરાંત અન્ય કેટલાક કોમી તત્વોની ચઢામણીના લીધે જૂનાગઢની પ્રજાની ભાવનાને અવહેલના કરી નવાબ પાકિસ્તાન સાથે જોડાણ કરવા માટે રાજી થઈ ગયા હતા.

    આમ, ભારતને આઝાદી મળી ગઈ, પરંતુ જૂનાગઢની પ્રજા એક અસમંજસની સ્થિતિમાં જોવા મળી રહી હતી. જૂનાગઢ રાજ્યે પાકિસ્તાન સાથેના જોડાણની જાહેરાત કરી ત્યારથી જૂનાગઢ રાજ્યમાં નાગરિકોમાં ભય અને દ્વિધા અનુભવતા હતા. તો કેટલાક નાગરિકો તો જૂનાગઢ રાજ્યના સીમાડા છોડી રહ્યા હતા. તેવી સ્થિતિમાં સોરઠના સંતો આગળ આવ્યા હતા. મૈયારામ આશ્રમના મૈયારામ બાપુ, આલિધ્રાના બ્રહ્મચારી બાપુ અને મહંત વિજયદાસજી બાપુએ હિજરત કરી રહેલા લોકોને જીવના જોખમે આશરો આપવાની સાથે રક્ષણ અને પોષણ આપ્યું હતું.

        ડો.જોશી કહે છે કે, જૂનાગઢ રાજ્યમાં ઉથલપાથલ ભરેલી ઘટનાઓનો મજેવડી દરવાજો સાક્ષી રહ્યો છે, જૂનાગઢ હવેલીના મુખ્ય પુરુષોત્તમ લાલજી મહારાજ છુપા વેશે મજેવડી દરવાજેથી રાજકોટ પહોંચતા હતા અને જૂનાગઢની દયનીય સ્થિતિ અંગે શામળદાસ ગાંધી, જામ સાહેબ વગેરે નેતાઓને વાકેફ કરતા હતા.

ડો. જોશી કહે છે કે, જૂનાગઢની આઝાદીનો ઘટનાક્રમ તો બહુ મોટો છે, મુંબઈમાં ૨૫ સપ્ટેમ્બર, ૧૯૪૭ના રોજ માધવબાગમાં મળેલી સભામાં આરઝી હકૂમતની રચના થઈ. તેનું પ્રમુખપદ શામળદાસ ગાંધીને સોંપવામાં આવ્યું.

   આરઝી હકૂમતના અન્ય મંત્રીઓમાં દુર્લભજી ખેતાણી, ભવાનીશંકર ઓઝા, સૂરગભાઈ,  મણિલાલ દોશી અને નરેન્દ્ર નથવાણીનો સમાવેશ કરવામાં આવ્યો. પાછળથી આ મંત્રીમંડળમાં પુષ્પાબેન મહેતાને પણ સમાવવામાં આવ્યા.

    આ લડતમાં લોક સેનાના સર સેનાપતિ રતુભાઈ અદાણી, ઉપરાંત ઢેબરભાઈ દરબાર ગોપાલદાસ દેસાઈ, રસિકલાલ પરીખ, જેઠાલાલ જોશી, મોહનલાલ મહેતા, ચીમનલાલ શાહ, ગોકુળદાસ ગગલાણી સહિત અન્ય નામી અનામી લોકો આગેવાનોનું ખૂબ મહત્વનું પ્રદાન રહ્યું છે.

    આરઝી હકૂમતે રાજકોટમાં જૂનાગઢ રાજ્યની સત્તાનું સુકાન સંભાળ્યું. સૌ પ્રથમ જૂનાગઢ રાજ્યનું રાજકોટ ખાતેનું જૂનાગઢ હાઉસ કબજે કર્યું. ત્યારબાદ તબક્કાવાર કુંકાવાવ નજીકના અમરાપુર, ગાધકડા, નવાગઢ,  કુતિયાણા સહિતના આરઝી હકુમતે ગામડાઓ સર કર્યા અને ગામે ગામ આરજી હકૂમતનો ઢંઢેરો પીટાવવા લાગ્યો. જેથી નવાબ જૂનાગઢ છોડી પાકિસ્તાન નાસ્યાં.

    અંતે ૮ નવેમ્બર ૧૯૪૭ના રોજ દિવાન ભુટ્ટોએ હાર માની જુનાગઢ છોડી, જૂનાગઢનો કબજો લેવા ભારત સરકારને અરજ કરી, આ સંદર્ભેનુ રાજકોટના પ્રાદેશિક કમિશનર નિલમ બુચને પણ પત્ર લખ્યો. શામળદાસ ગાંધીને પણ જાણ કરવામાં આવી. ૯મી નવેમ્બરના પ્રાદેશિક કમિશનર નીલમભાઈ બુચ અને ડિફેન્સ ફોર્સના કમાન્ડર ગુરુ દયાલસિંગ પોતાના જવાનો સાથે જૂનાગઢ આવી પહોંચ્યા. આમ, કેપ્ટન હાર્વે જોન્સ અને જૂનાગઢના સેક્રેટરી પાસેથી નિલમભાઈ બુચે જૂનાગઢનો ચાર્જ સંભાળ્યો.

    આરઝી હકૂમતના વડાપ્રધાન શામળદાસ ગાંધી સહિતના નેતાઓનું જૂનાગઢમાં ભવ્ય સ્વાગત કરાયું. શામળદાસ ગાંધીએ ઐતિહાસિક ઉપરકોટના કિલ્લા પર આરઝી હકૂમતના આગેવાનો અને લોકસેનાની ઉપસ્થિતિમાં રાષ્ટ્ર ધ્વજ -તિરંગો લહેરાવવામાં આવ્યો….

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *