અમદાવાદ
ગુજરાતની એકમાત્ર સરકારી ઓકયુપેશનલ થેરાપી કોલેજ અને વિભાગમાં ઓટીઝમ ધરાવતા બાળકોની ઘનિષ્ઠ સારવાર સંસ્થાના એક્સ્પર્ટ ઓકયુપેશનલ થેરાપિસ્ટ દ્વારા છેલ્લા દસ વર્ષથી કરવામાં આવી રહી છે. અને હવે અહીંયા સેન્સરી ગાર્ડનનો આરંભ કરાયો છે. દર વર્ષે બીજી એપ્રિલના દિવસે આંતરરાષ્ટ્રીય ઓટીઝમ દિવસની આખા વિશ્વમાં ઉજવણી કરવામાં આવે છે. આખા વિશ્વમાં કુલ વસ્તીમાંથી લગભગ ૬૨ લાખ બાળકો ઓટીજમ સાથે જીવે છે. જ્યારે ભારતમાં આ આકંડો અંદાજીત ૧૦ લાખ જેટલો છે. જેમાં દર વર્ષે ઉત્તરોઉત્તર વધારો થઇ રહ્યો છે. આ બીમારીના લક્ષણોમાં બાળકો એકની એક ક્રિયા વારંવાર કરે છે. ભાષા અને ઇશારાથી સમજવામાં તકલીફ અનુભવે છે. સામાજીક સંપર્ક તેમણે ગમતો નથી. વ્યક્તિઓનો લગાવ હોતો નથી. શરૂઆતમાં કોઈ બાબત કહેવા શબ્દો કરતા ઈશારાથી પ્રદર્શિત વધુ કરે છે. શોખ સીમિત રાખે છે અને પોતાનામાં મસ્ત રહેતા જાેવા મળે છે. સંવેદના સમજવા તથા તેને પ્રોસેસ કરવામાં તકલીફ અનુભવે છે. આ બધા લક્ષણો કોઈ એક વ્યક્તિમાં હોવા અનિવાર્ય નથી પણ આવા લક્ષણો વાળા બાળકો ઓટીઝમની બીમારીથી પીડિત હોઈ શકે છે. મેડિસિટિ, સિવીલ હોસ્પિટલ અમદાવાદના સંકુલમાં સ્થિત સરકારી સ્પાઇન ઇન્સ્ટીટ્યુટ ખાતે આવેલી ગુજરાતની એકમાત્ર સરકારી ઓકયુપેશનલ થેરાપી કોલેજ અને વિભાગમાં ઓટીઝમ ધરાવતા બાળકોની ઘનિષ્ઠ સારવાર સંસ્થાના એક્સ્પર્ટ ઓકયુપેશનલ થેરાપીસ્ટ દ્વારા છેલ્લા દસ વર્ષથી કરવામાં આવી રહ્યી છે. ઓટીઝમ ધરાવતા બાળકોની સારવાર માટે વિશિષ્ટ પ્રકારના સેન્સરી રૂમ તથા સાધનોની જરૂર પડતી હોય છે, જેમાં વિવિધ પ્રકારની સેન્સરી સ્વિંગ્સ, બોલ પુલ, ટ્રેમ્પોલીન, ડાર્ક રૂમ,લાઇટસ તથા વેસ્ટીબ્યુલર બોલનો સમાવેશ થાય છે. સરકારી સ્પાઇન ઇન્સ્ટીટ્યુટ ખાતે આવેલ સરકારી ઓકયુપેશનલ થેરાપી કોલેજ અને વિભાગમાં આ બધુ ઉપલબ્ધ છે. જેમાં આ વર્ષથી એક નવિનત્તમ એવા સેન્સરી ગાર્ડનનો પણ ઉમેરો કરવામાં આવ્યો છે. સેન્સરી ગાર્ડન એ એક પ્રોજેક્ટ છે જે બાળકોને સેન્સરી એનરિચમેન્ટ થેરાપી (એસઇટી) આપવા માટે બનાવવામાં આવ્યો છે તથા આખા ભારતમાં સરકારી ક્ષેત્રે આ પ્રકારનું આ પ્રથમ ગાર્ડન છે. સેન્સરી એનરિચમેન્ટ થેરાપી એ બાળકોની સંવેદનાત્મક જ્ઞાનાત્મક કૌશલ્યોને વધારવા માટેનું એક સાધન છે. બાળકના સામાન્ય વિકાસ માટે એક્સ્પ્લોરેશન ખુબ જ જરૂરી છે. સેન્સરી ગાર્ડન પ્રોજેક્ટ બાળકોની વિવિધ ઇન્દ્રિયો જેવી કે મૂવમેન્ટ સેન્સ, જાેઇન્ટ સેન્સ, ટચ સેન્સ, વિઝન સેન્સ, સ્વાદ, ગંધ સહિત સાંભળવાની સેન્સ પર કામ કરે છે. સેન્સરી ગાર્ડનમાં બાળકો વિવિધ પ્રકારના સાધનો જેવા કે, આઉટડોર સ્વિંગ, જાયલોફોન, કોગનીટીવ ગેમ્સ, તથા સેન્સરી પાથ-વે અને અલગ-અલગ પ્રકારના ટેક્ષ્ચર વગેરે સાથે આયોજિત વિવિધ મનોરંજક પ્રવૃત્તિઓની મદદથી વિવિધ સંવેદનાઓનું એક્સ્પ્લોરેશન કરી શકે છે. આ ઉપરાંત સેન્સરી ગાર્ડનમાં કુલ ૩૦ જેટલા ઔષધીય અને અન્ય ફુલ-છોડ પણ ઉગાડવામાં આવેલા છે. જેમાં બ્રાહ્મી,અરડુસી, જાસુદ. ટીકોમા, મોગરો, ડમરો, તુલસી, કદમ્બ, પીપળો અને રાતરાણીનો વગેરેનો સમાવેશ થાય છે. આમ સેન્સરી ગાર્ડનમાં ઓટીઝમ ધરાવતા બાળકોની સારવારની પ્રકૃતિના ખોળે,ખુલ્લા આકાશ નીચે આઉટડોર થેરાપી દ્વારા કરવામાં આવે છે. સેન્સરી ગાર્ડનની વિવિધ પ્રવૃતિઓ ઓટીઝમ ધરાવતા બાળકોનું શૈક્ષણિક પ્રદર્શન સુધારવા અને સ્વતંત્ર બનાવવામાં મદદ કરે છે. આમ, સેન્સરી ગાર્ડન ઓટીઝમ ધરાવતા બાળકોની સારવાર માટે ખુબજ આશીર્વાદરૂપ નિવડી રહ્યું છે. અત્યાર સુધીમાં ઓટીઝમ ધરાવતા ૧૦૦થી વધુ બાળકોએ સેન્સરી ગાર્ડનમાં સારવાર લીધી છે.
