ગાંધીનગર
ગુજરાત પ્રદેશ ભારતીય મજદૂર સંઘના નેજાં હેઠળ ગાંધીનગર સત્યાગ્રહ છાવણીએ આંગણવાડી બહેનો, આશા વર્કરો, મધ્યાન ભોજન સંચાલકો અને એસ.ટી કર્મચારીઓએ મોટી સંખ્યામાં એકઠા થઈ પોતાની વિવિધ પડતર માંગણીઓ સંદર્ભે ધરણાં અને વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. આ તબક્કે મજદૂર સંઘ દ્વારા કર્મચારીઓની પડતર માંગણીઓ અંગે મુખ્યમંત્રીને આવેદન પત્ર પણ આપવામાં આવનાર છે. એક તરફ વિધાનસભા સત્ર ચાલી રહ્યું છે. એવામાં સરકારની રીતિનીતિથી નારાજ વિવિધ સંગઠનો દ્વારા સત્યાગ્રહ છાવણી ખાતે આવીને વિરોધ પ્રદર્શન કરાઈ રહ્યો છે. ત્રણ દિવસ પહેલા એલઆરડી શિક્ષિત બેરોજગાર યુવાનો દ્વારા સરકારનો વિરોધ કરાયો હતો અને ગઈકાલે કોંગ્રેસ સેવાદળની મહિલાઓએ વિરોધ પ્રદર્શન કરાયું હતું. ત્યારે ભારતીય મજદૂર સંધ દ્વારા રાજયના કર્મચારીઓનાં પડતર પ્રશ્નોનાં નિરાકરણ અને માંગણીઓ સંદર્ભે ગાંધીનગર સત્યાગ્રહ છાવણી ખાતે જાહેરસભાનું આયોજન કરવામાં આવ્યું છે. જેનાં પગલે સવારથી રાજયના વિવિધ સંગઠનના કર્મચારીઓ મોટી સંખ્યામાં સત્યાગ્રહ છાવણી ખાતે એકઠા થઈને સરકાર સામે વિરોધ પ્રદર્શન ધરણાં કરવામાં આવી રહ્યા છે. કર્મચારીઓની માંગણીઓને લઇને ભારતીય મજદૂર સંઘ દ્વારા મુખ્યમંત્રીને આવેદનપત્ર પણ આપવામાં આવશે. જેમાં ૨૩ માંગણીઓ જેવી કે વર્ષ ૨૦૧૭ થી નવી સમિતિઓ /બોર્ડની રચના કરાઈ નથી. સ્કીમ આધારિત કામ કરતા શ્રમયોગીઓ જેવા કે આંગણવાડી, આશા વર્કર, મધ્યાન ભોજન વગેરે કર્મચારીઓનો પગાર વધારો કરવો. બોર્ડ નિગમમાં સાતમા પગાર પંચનાં ૧૯ માસનું એરિયર્સ ચૂકવવું, કોન્ટ્રાક્ટ આધારિત કર્મીઓને કાયમી કરવાં, એસ.ટી કર્મચારીઓને સરકારી કર્મચારી જાહેર કરી તેઓને જુલાઈ ૨૦૧૯થી આપવામાં આવેલ ડીએ, ૫% મોંઘવારીનાં એરિયર્સની રકમ અને જુલાઈ – ૨૦૨૧ થી સરકારે જાહેર કરેલ ૧૧ ટકા મોંઘવારીની અસર આપી એરિયર્સ સાથે ચુકવણું કરવા ઉપરાંત સરકારી કર્મચારીના અવસાનના કિસ્સામાં તેનાં આશ્રિતને નોકરી પર લેવા સહિતની વિવિધ માંગણીઓ સંદર્ભે મુખ્યમંત્રી સમક્ષ માંગ કરવામાં આવી છે.


