કરજણ ડેમ ખાતે પર્યાપ્ત માત્રામાં સી.સી.ટી.વી કેમેરા તાકીદે ગોઠવવા, લોકોના તણાઇ જવાની દુર્ધટના ભવિષ્યમાં ન બને તે માટે ENTRY-EXIT POINT ઉપરાંત સુરક્ષાની દ્રષ્ટિએ જોખમી તમામ જગ્યાઓએ ફેન્સીંગ કરીને સિક્યુરીટી પોઇન્ટ સહિતની આનુસંગિક અન્ય કામગીરી માટે ધોરણસરની તાત્કાલિક જરૂરી કાર્યવાહી હાથ ધરવા જિલ્લા કલેકટરશ્રીની તાકીદ
———–
જિલ્લા કલેકટરશ્રી ડી.એ.શાહના અધ્યક્ષપદે સંકલન-સહ-ફરિયાદ નિવારણ સમિતિની યોજાયેલી બેઠક
———–
નર્મદા જિલ્લા કલેકટરશ્રી ડી.એ.શાહે આજે રાજપીપલા કલેક્ટરાલય ખાતે યોજાયેલી જિલ્લા સંકલન-સહ-ફરિયાદ નિવારણ સમિતિની બેઠકમાં ઉપસ્થિત “ટીમ નર્મદા” ના સંબંધિત વિભાગના અમલીકરણ અધિકારીશ્રીઓને જિલ્લામાં તાજેતરમાં ભારેથી અતિ ભારે વરસાદથી સર્જાયેલી પરિસ્થિતિમાં રાજપીપલા નગરપાલિકા વિસ્તાર સહિત જિલ્લાના તમામ પાંચેય તાલુકાઓના અસરગ્રસ્ત વિસ્તારોમાં પ્રભાવિત થયેલા લોકો-પરિવારો માટે થઇ રહેલી સર્વેની કામગીરી અને ચૂકવાયેલી સહાયની સમીક્ષા કરી બાકી રહેતી ચૂકવવાપાત્ર થતી વ્યક્તિઓ માટેની કામગીરી ઝડપભેર પૂર્ણ કરવા અને આવા પરિવારોને કેશડોલ્સ, ઘરવખરી, કપડાં, મકાન-ઝુંપડા, માનવ-પશુ મૃત્યુના કિસ્સામાં સંબંધિતોને સરકારી ધારાધોરણ મુજબ સહાયની ઝડપ ભેર ચૂકવણી કરી આ કામગીરી શક્ય તેટલી વહેલી તકે પૂર્ણ થાય તે જોવાની સખત સૂચનાની સાથોસાથ મુખ્યમંત્રીશ્રીના કાર્યાલય તરફથી પ્રાપ્ત થયેલા પ્રશ્નોના પણ સત્વરે સુચારું ઉકેલ સાથે જિલ્લા પ્રસાશનને અહેવાલ રજૂ કરવાની પણ તાકીદ કરી હતી.
જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી પર્યુષાબેન વસાવા, ધારાસભ્યો સર્વશ્રી પી.ડી.વસાવા અને શ્રી મહેશભાઇ વસાવા, જિલ્લા વિકાસ અધિકારીશ્રી અંકિત પન્નુ, જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી પ્રશાંત સુંબે, નિવાસી અધિક કલેક્ટરશ્રી એચ.કે.વ્યાસ, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામકશ્રી એલ.એમ.ડિંડોડ, પ્રાંત અધિકારીશ્રી પ્રિતેશ પટેલ અને શ્રી આનંદ ઉકાણી, નાયબ વન સંરક્ષકશ્રી નિરજકુમાર અને શ્રી એમ.એસ.પટેલ, નાયબ જિલ્લા વિકાસ અધિકારી શ્રીમતી સુધાબેન વસાવા અને નાયબ જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી મોદી સહિત સંબંધિત વિભાગના વિભાગીય અધિકારીશ્રીઓની ઉપસ્થિતિમાં યોજાયેલી ઉક્ત બેઠકને સંબોધતા જિલ્લા કલેકટરશ્રી ડી.એ.શાહે સરદાર સરોવર ડેમની જેમ કરજણ ડેમ ખાતે પણ પર્યાપ્ત માત્રામાં સી.સી.ટી.વી કેમેરા તાકીદે ગોઠવવા, લોકોના તણાઇ જવાની દુર્ધટના ભવિષ્યમાં ન બને તે માટે ENTRY-EXIT POINT ઉપરાંત સુરક્ષાની દ્રષ્ટિએ જોખમી તમામ જગ્યાઓએ ફેન્સીંગ કરીને સિક્યુરીટી પોઇન્ટ માટે ધોરણસરની તાત્કાલિક જરૂરી કાર્યવાહી કરવા, કરજણ ડેમ ખાતે કમાન્ડ એન્ડ કંટ્રોલ રૂમને અદ્યતન કરવા, વિવિધ સૂચનો-માહિતી દર્શાવતા બોર્ડનું નવેસરથી પેઇન્ટીંગ કરવા, રાજપીપલા ખાતેનું કરજણ યોજના હસ્તકનું રેસ્ટ હાઉસ અદ્યતન કરવા, કરજણ ડેમના નિર્માણ બાદ નિયમાનુસારની ડીસીલ્ટીંગની કામગીરી તાકીદના ધોરણે હાથ ધરવા, ડેમમાંથી વધુ પાણી છોડવામાં આવે ત્યારે વળાંકના વિસ્તારમાં થતાં ધોવાણને અટકાવી રાજપીપલા શહેરના વિસ્તારને કોઇ નુકશાન ન થાય તે માટેની સત્વરે જરૂરી કાર્યવાહી અગ્રતા ધોરણે હાથ ધરવા પણ કરજણ જળાશય યોજનાના ઇજનેરશ્રીને સખત તાકીદ કરી હતી.
જિલ્લા કલેકટરશ્રી ડી.એ.શાહે આ બેઠકમાં ચર્ચા દરમિયાન બેઠકમાં ઉપસ્થિત જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી પર્યુષાબેન વસાવા, ધારાસભ્યો સર્વશ્રી પી.ડી.વસાવા અને શ્રી મહેશભાઇ વસાવા પાસેથી ભારેથી અતિ ભારે વરસાદને લીધે જિલ્લામાં સર્જાયેલી પરિસ્થિતિમાં માર્ગ-મકાન, ડીજીવીસીએલ, પાણી પુરવઠો ઉપરાંત અસરગ્રસ્તો માટે જરૂરી સહાય ચૂકવણી વગેરે જેવી બાબતો અંગેના સૂચનો આમંત્રીને તેને આવકાર્યા હતા અને જિલ્લામાં લોકોનું જનજીવન ઝડપથી રાબેતા મુજબ અને પૂર્વવત બને તે દિશામાં તમામ પ્રકારની કામગીરી યુધ્ધના ધોરણે પૂર્ણ કરવાની અને પ્રજાજનોને જરૂરી પ્રાથમિક સુવિધાઓ ઝડપથી ઉપલબ્ધ થાય તે જોવાની પણ તેમણે ખાસ સૂચના આપી હતી.
આ બેઠકમાં જિલ્લાના ધારાસભ્યશ્રીઓ સહિતના વરિષ્ઠ પદાધિકારીશ્રીઓના વિવિધ વિભાગોને લગતા પ્રશ્નો અંગે પણ વિસ્તૃત ચર્ચા-વિચારણા સાથે જરૂરી છણાવટ કરાઇ હતી અને બાકી નિકાલના પ્રશ્નો અંગે સંબંધિત અમલીકરણ અધિકારીશ્રીઓને જે તે પ્રશ્નોના સુચારૂ અને ઝડપી ઉકેલ માટે જિલ્લા કલેકટરશ્રી ડી.એ.શાહે જરૂરી માર્ગદર્શન પુરૂં પાડ્યું હતું.

