ભાવનગર
ભાવનગર લોકલ ક્રાઈમબ્રાન્ચની ટીમે તળાજા પંથકના ગ્રામ્ય વિસ્તારોમાં પેટ્રોલીંગ દરમ્યાન ખંઢેરા ગામની સીમમાં થી અઢી લાખની કિંમતનો દારૂ-બિયરનો જથ્થો ઝડપી ખંઢેરા ગામનાં બુટલેગર બંધુઓ વિરુદ્ધ દાઠા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસ જવાનોને પેટ્રોલીંગ દરમ્યાન બાતમી મળી હતી કે, ખંઢેરા ગામની સીમમાં શરાબ-બિયરનુ વેચાણ થાય છે. જે હકીકત આધારે ટીમે તળાજા તાલુકાના ખંઢેરા ગામની સીમમાં પ્રેમજી મોહન વળીયાની વાડી પાસે આવેલ અને સ્થાનિક લોકોમાં “આહુલીયા” વિસ્તાર તરીકે ઓળખાતા ગૌચરની જમીન પર બાવળની કાંટમા છુપાવેલ મોટી માત્રામાં ઈંગ્લીશ દારૂ-બિયરનો જથ્થો ઝડપી લીધો હતો. પોલીસે ઈંગ્લીશ દારૂની ૭૦૮ બોટલ અને ૮૮૮ બિયરના ટીન કબજે કર્યા હતા. આ અંગે તપાસ કરતાં આ દારૂ-બિયરનો જથ્થો ખંઢેરા ગામનાં વિજય મહિપત રાઠોડ તથા યુવરાજ મહિપત રાઠોડ ની માલિકી નો હોવાનું ખુલ્યું હતું, જેમાં બુટલેગરોની તપાસ કરતાં બંને ભાઈઓ ફરાર થઈ જતાં એલસીબી એ કુલ રૂ.૨,૫૩,૨૦૦ની કિંમત નો વિદેશી દારૂ-બિયરનો જથ્થો કબ્જે કરી મુદ્દામાલ દાઠા પોલીસને સોંપી બંને બુટલેગર બંધુઓ વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો દાખલ કરાવી વધુ તપાસ હાથ ધરી હતી.


