Gujarat

ભાવનગરના પોલીસકર્મીઓનાં મૃત્યુ અંગે ગુજરાત અને રાજસ્થાનના મુખ્યમંત્રીએ દુઃખ વ્યક્ત કર્યું

ભાવનગર
ભાવનગર પોલીસના ચાર કર્મચારી શક્તિસિંહ ગોહિલ, ભીખુભાઇ બુકેરા, ઇરફાન આગવાન અને મનુભાઈ આરોપીને પકડવા માટે હરિયાણા ગયા હતા. હરિયાણાથી આરોપીને પકડીને ચારેય પોલીસકર્મી ભાવનગર પરત ફરી રહ્યા હતા. પોલીસકર્મી જયપુર-દિલ્હી નેશનલ હાઈવે પર પહોંચ્યા ત્યારે કાર પરનો કાબૂ ગુમાવતાં કાર ઝાડ સાથે ધડાકાભેર અથડાઈ હતી, જેમાં કારનો કચ્ચરઘાણ બોલી ગયો હતો અને ચાર પોલીસ જવાન શહીદ થયા છે. અકસ્માતની જાણ થતાં ત્યાંથી પસાર થતા વાહનચાલકો બચાવકાર્ય કરવા માટે ઊભા રહ્યા હતા અને સ્થાનિક પોલીસને બનાવ અંગે જાણ કરી હતી. બનાવની જાણ થતાં પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી, જેમાં સ્થાનિક પોલીસને મૃતકો ગુજરાતના ભાવનગરના અને પોલીસ વિભાગના કર્મચારી હોવાનું માલૂમ થતાં ભાવનગર પોલીસને બનાવ અંગે જાણ કરવામાં આવી હતી. જયપુર પાસે અકસ્માતમાં ભાવનગરના પોલીસકર્મીઓનાં મૃત્યુ અંગે ગુજરાત અને રાજસ્થાનના મુખ્યમંત્રીએ દુઃખ વ્યક્ત કર્યું છે. ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે ટ્‌વીટ કરીને જણાવ્યું છેકે, દિલ્હીથી પરત આવી રહેલા, જયપુર નજીક બનેલી દુર્ઘટનામાં ૪ પોલીસકર્મી તેમજ ૧ આરોપી સહિતના લોકોની માર્ગ અકસ્માતની જાણકારી મળી છે એ અત્યંત દુઃખદ છે. ઈશ્વર સદગતના આત્માને શાંતિ અર્પે તથા પરિવારજનોને આઘાત સહન કરવાની શક્તિ પ્રદાન કરે એવી ઈશ્વરને પ્રાર્થના. રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે જણાવ્યું હતું કે દિલ્હીથી પરત ફરતી વખતે જયપુર ભાબરુ નજીક બનેલી દુર્ઘટનામાં ૪ પોલીસકર્મી સહિત ૫ લોકોનાં મોતની જાણકારી મળી છે. શોકાતુર પરિવારને મારી સંવેદના, ઇશ્વર મૃતકોની આત્માને શાંતિ પ્રદાન કરે.જયુપર જિલ્લાના શાહપુરામાં ભાબરુ નજીક ઝાડ સાથે કાર અથડાતાં ભાવનગરના ચાર પોલીસ જવાન શહીદ થયા છે જ્યારે એક આરોપીનું મોત નીપજ્યું છે. મળતી માહિતી પ્રમાણે, ભાવનગર પોલીસના ૪ જવાન હરિયાણાથી આરોપીને લઇને પરત ફરી રહ્યા હતા એ સમયે જયપુર-દિલ્હી નેશનલ હાઈવે પર આ દુર્ઘટના ઘટી હતી. બનાવની જાણ થતાં સ્થાનિક પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. ૪ પોલીસ જવાન શહીદ થયાની જાણ થતાં ગુજરાત પોલીસમાં શોકનું મોજું ફરી વળ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *