ભાવનગર
ભાવનગર મહાનગરપાલિકામાં પાવરધા અધિકારીઓ હોવા છતાં લાખો રૂપિયાના આંકડાકીય ગડબડ ગોટાળા થઈ રહ્યા છે. જાહેર શૌચાલય અને યુરીનલની સફાઈ માટે ગત ૨૯મી ડીસેમ્બરના રોજ મળેલી સ્ટેન્ડિંગ કમિટીમાં રૂ. ૯૫.૦૪ લાખ મંજૂર કર્યા બાદ હવે ખબર પડી કે ખરેખર રૂ. ૫૪.૩૪ લાખનો જ ખર્ચો થનાર છે. સફાઈના ખર્ચમાં રૂ. ૪૦.૬૯ લાખ જેટલા તફાવત બહાર આવતા શાસકો પણ ચોંકી ઉઠયા છે. ત્યારે તંત્ર દ્વારા લાખો રૂપિયાની ગંભીર ક્ષતિઓ થતા તેની તપાસ કરવી પણ આવશ્યક છે. મહાનગરપાલિકાના રોડ સહિતના કામો માટે વાર્ષિક ભાવોની સમયમર્યાદા ૩૧મી માર્ચના રોજ પૂર્ણ થતી હોવાની સહજ બાબત હોવા છતાં સમય મર્યાદા પૂર્ણ થયા પૂર્વે નવા વાર્ષિક ભાવો મંજૂર કરાતા નથી અને માર્ચ મહિનામાં નવા ભાવ મંજૂર થઇ ને ન આવે ત્યાં સુધી જૂના ભાવે સમયમર્યાદા વધારવાની વર્ષોથી પ્રણાલી બની ગઈ છે. આગામી ૧૪મી માર્ચના રોજ મળનારી સ્ટેન્ડિંગ કમિટીમાં પણ રોડ વિભાગના વર્ષ ૨૦૨૧- ૨૨ ના વાર્ષિક ભાવોની ૩૧મી માર્ચના રોજ સમય મર્યાદા પૂર્ણ થનાર હોવાથી નવા વાર્ષિક ખાવા માટે ટેન્ડર પ્રક્રિયા શરૂ કરેલ છે નવા વાર્ષિક ભાવ મંજૂર થઇ ને ન આવે ત્યાં સુધી મેન્ટેનન્સ, ગ્રાન્ટના કામો, પેવર રોડ રીપેરીંગ, રિકાર્પેટીંગ અને પેચ વર્ક સહિતના કામો જુના વાર્ષિક ભાવે કરવા માટે પરામર્શ કરવામાં આવશે. આગામી સ્ટેન્ડિંગ કમિટીમાં એક સાથે ૫૬ કાર્યોની ચર્ચા વિચારણા કરી ર્નિણય કરાશે. પરંતુ આગામી સ્ટેન્ડિંગના કાર્યોમાં તંત્ર વાહકો દ્વારા ગંભીર આંકડાકીય ભુલો બહાર આવી છે. જવાબદાર અધિકારીઓ દ્વારા આર્થિક બેજવાબદારી આ બાબતે સ્ટેન્ડિંગ કમિટીમાં પણ ગંભીર નોંધ લેવાય છે. શિક્ષણ સમિતિની શાળાના વિદ્યાર્થીઓનું મૃત્યુ નિપજતા તેને ૧૦ હજાર રૂપિયાની આર્થિક સહાય ચૂકવવાની ગત ૨૯મી ડીસેમ્બરના રોજ મંજૂરી આપવામાં આવી હતી. પરંતુ તત્કાલીન સમયે બાળકનું મૃત્યુ ૩જી નવેમ્બર ૨૦૨૧ ના રોજ થયો હતું. ખરેખર બાળકનું મૃત્યુ ૩જી ઓક્ટોબર ૨૦૨૧ ના રોજ થયું છે. તેવી જ રીતે ડ્રેનેજ વિભાગ દ્વારા જાહેર શૌચાલય અને યુરીનલની સફાઈ કરવાના કામ માટે ૨૯મી ડીસેમ્બરના રોજ મળેલી સ્ટેન્ડિંગ કમિટીમાં રૂ. ૯૫,૦૪,૭૬૮ના ખર્ચની મંજૂરી અપાયેલી હતી. પરંતુ તંત્ર દ્વારા ગંભીર શરતચૂક થતા ખરેખર સાફ સફાઈ માટે રૂ.૫૪,૩૪,૯૪૪નો જ ખર્ચ થવા જાય છે. જેથી તંત્ર દ્વારા રૂ. ૪૦.૬૯ લાખની રકમનો તફાવત આવ્યો છે. જેને પણ આગામી સ્ટેન્ડિંગ કમિટીમાં મંજૂર કરાશે. તદુપરાંત કોર્પોરેશનના નિયમો મુજબ વાર્ષિક ભાવના ટેન્ડરમાં જે કોન્ટ્રાક્ટરે ભાગ લીધો ન હોય તેને કામ મળી શકે નહીં. પરંતુ સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ દ્વારા લેબર અને વાહનો સપ્લાય કરવાના કામ માટે ટેન્ડરમાં ભાવો ભરેલા નહીં હોવા છતાં વ્યક્તિગત કોન્ટ્રાક્ટરની ભલામણ કરવામાં આવી છે. જે આશ્ચર્ય પમાડે તેવી બાબત છે.


