ભિલોડા
ભિલોડાના ઝીંઝુડીની સીમમાં બેકાબૂ કારે રોંગ સાઈડ ધસી એક્ટિવાને અડફેટે લેતાં ચોરીમાલાના આશાસ્પદ યુવકનું ઘટનાસ્થળે મોત થતાં ફરિયાદ નોંધાવા પામી હતી.ભિલોડા પીએસ આઈ રાઠોડના જણાવ્યા મુજબ ચોરીમાલનો તુષાર નવજીભાઈ નિનામા પોતાનું એક્ટિવા નંબર જીજે૩૧ એમ ૦૮૮૨ લઇ કામકાજ અર્થે બહાર ગયા પછી ઘરે રાત્રિના સુમારે પરત ફરતા સમયે વિજયનગર રોડ પર આવેલ ઝીંઝુડી નજીક પસાર થતો હતો. તે વખતે રોંગ સાઈડમાં ધસી આવી કાર નં. જીજે૨૩ એએન ૫૪૪૪ ના ચાલકે એક્ટિવાને ધડાકાભેર ટક્કર મારતાં તુષારભાઈના શરીરે ગંભીર ઈજાઓ થતાં મોતને ભેટતા પરિવારજનો દોડી આવી આક્રંદ કરતા શોક છવાયો હતો. ભિલોડા પોલીસે અજાણ્યા કારચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધી પકડવા ચક્રો ગતિમાન કર્યા હતા.બનાવ અંગે ચોરીમાલાના નવજીભાઈ વેલાજી અસારીએ અજાણ્યા કારચાલક વિરુદ્ધ ભિલોડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
