સરકારની નલ સે જલ યોજનામાં રાજ્યોમાં ગુજરાત અગ્રેસર છે. દરેક ઘરોમાં નલ સે જલ યોજના અંતર્ગત નળ જોડાણ આપવામાં સફળતા મળી રહી છે. રાજ્ય સરકાર દ્વારા દૂર-સૂદૂર અને દૂર્ગમ વિસ્તારો સહિતના સ્થળોએ ડુંગરાળ પ્રદેશો તેમજ છૂટા છવાયા ધરોમાં પણ નળનું જોડાણ આપીને નળ થી જળ પહોંચાડવાની કામગીરી સુપેરે પૂર્ણ કરવામાં આવી રહી છે. ત્યારે જૂનાગઢ જિલ્લામાં નલ સે જલ યોજનાની ૧૦૦ ટકા કામગીરી પૂર્ણ થઇ છે. જેમાં પ્રભાતપુર ગામમાં ઘેર-ઘેર નળ કનેક્શન અપાયા છે. બહેનોને પહેલા બેડા લઇને પાણી ભરવા જવું પડતું હતું. પરંતુ હવે ઘેર-ઘેર નળ કનેક્શનથી પાણી ઘેર મળી રહે છે.
જૂનાગઢ તાલુકાના પ્રભાતપુર ગામના સરપંચ રાકેશભાઇ સાવલિયાએ જણાવ્યું હતું કે, અમારા ગામમાં ૧૬૦૦ની વસ્તી છે. ગામના લોકોને સરકારી યોજનાનો પુરતો લાભ મળી રહ્યો છે. સરકારની યોજના હેઠળ અમારા ગામમાં ૧૦૦ ટકા નળ કનેક્શન અપયા છે. પહેલા બહેનોને બેડા લઇને પાણી ભરવા જવું પડતું હતું પરંતુ સરકારીની નલ સે જલ યોજના હેઠળ દરેક ઘરને નળ કનેક્શન મળતા હવે બહેનોને દુર-દુર સુધી પાણી ભરવા જવું પડતું નથી અને ઘેર-ઘેર નળ કનેક્શનથી શુદ્વ પીવાનું પાણી મળતું થયું છે.
તેમણે વધુમાં કહ્યું કે, ગામના લોકોને સરકારી સહાયનો મહત્તમ લાભ મળી રહે તેવા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. ગામના ૨૫ જેટલા ખેડૂતોએ સરકારની બુલેટ ગ્રાસ(ઘાસ)ની યોજના સહિતની અનેક યોજનાઓનો લાભ લીધો છે. પ્રભાતપુર ગામને આદર્શ ગામ બનાવવા માટે લોકભાગીદારીથી ગામમાં ૪૦૦ જેટલા વૃક્ષોનું વાવેતર કરી, તેનું ફેશીંગ કરી, તેનું જતન કરવામાં આવી રહ્યું છે. તેમજ ગામના યુવાનો, વડીલો અને બાળકોમાં વાંચન વધે તે માટે લાઇબ્રેરી પણ બનાવવામાં આવી છે. આવી રીતે સરકારની યોજનાઓ થકી ગામને આદર્શ બનાવવાનું સપનું છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી ૧૫મી ઓગસ્ટ ૨૦૧૯ના રોજ સમગ્ર દેશમાં જલ જીવન મિશનનો પ્રારંભ કરાવ્યો હતો. જેના અંતર્ગત વર્ષ ૨૦૨૪ સુધીમાં દેશના પ્રત્યેક ઘરમાં નળથી શુધ્ધ પીવાનું જળ પહોંચે તે પ્રકારનું આયોજન હાથ ધરાયું છે. ગુજરાત સરકારના આયોજનબદ્ધ માળખાના પરિણામે આ લક્ષ્યાંકને વર્ષ ૨૦૨૨ સુધીમાં જ પૂર્ણ કરવાની દિશામાં કામગીરી હાથ ધરાઇ છે. જે હવે પૂર્ણતાના આરે છે. જલ જીવન મિશન અંતર્ગતના નલ થી જલ અભિયાનના પરિણામે આજે રાજ્યના ૧૬ જિલ્લાઓ સંપૂર્ણપણે ૧૦૦ ટકા નલ થી જલ અંતર્ગત શુદ્ધ પીવાનું પાણી મેળવતા થયા છે.

