ખાણ ખનીજના નિયમોના લીરે લીરા છતાં તંત્રનું શંકાસ્પદ મૌન
જુનાગઢ જિલ્લાના માંગરોળ ખાતે કરાળ-પા વિસ્તારમાં ખેડૂતોની જીવાદોરી સમાન જમીનો નજીક જ બેફામ રીતે ખાણ ખનનની કામગીરી કરતા ખેડૂતો ભારે નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. આ બાબતે ભૂતકાળમાં પણ કરાળ વિસ્તારના ખેડુતોએ પોતાના પરીવાર નું ભવિષ્ય બચાવવા લાંબાગાળાની લડત ચલાવી હતી. પરંતુ તંત્રએ ખેડૂતોની પાયમાલી વિશે કોઈ તસ્દી પણ લિધી નહોતી. હાલમાં પણ આ વિસ્તારમાં ખાણ ખનિજના નિયમોની પરવા કર્યા વિના ખાણમા ખોદકામ કરાતા ખેડૂતોના ઉભા પાક અને બગીચાઓને મોટુ નુકસાન થઈ રહ્યું હોવાની બૂમરાણ ઉઠી છે. નિયમ મુજબ ખાણની ફરતે વાડાબંધી તેમજ ફરતે પડદા મારી પાણીનો મારો ચલાવી રજ કે ડસ્ટ ના ઉડે તેવી કોઇ પણ જાતની વ્યવસ્થા કર્યા વિના ખાણ ખનન કરી રહ્યા છે. એટલું જ નહીં અગાઉ માટી અને પથ્થરો ની જે અડસ બનાવી હતી તે પણ હટાવી લેતા ભારે તબાહી થવાની દહેશત ઉભી થઈ છે. અને જાણે અહીં કોઈ નિતિ નિયમ લાગુ પડતા ના હોય તેમ ખેડૂતોની જમીનને લગોલગ ખોદકામ શરૂ કરી દેતા ખેડૂતોના નાળિયેરીના બગીચાઓ પણ ખાણમા ઢસવા ચાલુ થઈ ગયા હોવાની ફરિયાદો ઉઠી રહી છે. તેમજ જાહેર રસ્તાની લગોલગ માટીના ઉંચા ઢગલાઓ ખડકી દેવાતાં આ ઢગલાઓ ની માટી ધીમેધીમે રસ્તા પર ઢસતા ભવિષ્યમાં જાહેર રસ્તો પણ બંધ થવાની શક્યતા સેવાઇ રહી છે. આ તબાહી નો ભોગ બનેલા એક ખેડૂતે ખાણ ખનીજ વિભાગ અને જીલ્લા કલેકટર સુધ્ધાંને લેખિતમાં ફરિયાદ કરી છે.
ફરિયાદમા જણાવ્યા મુજબ ખેડૂતની માલિકની જમીનમાં ઘૂસીને વર્ષો જૂના નાળિયેરીના ઝાડની એક આખી હારના મુળ સુધી ખાણીયાઓ એ માટી અને ડસ્ટ કાઢી ઊંડે સુધી ખોદકામ કરી નાખતા નાળિયેરીના કેટલાક ઝાડ પણ ખાણના ખાડામાં પડી ગયા છે. અને હજુ બીજા ઝાડ પણ ખાણમાં ઢસી જશે. આ બાબતે ફરિયાદીએ એવો પણ આક્ષેપ કર્યો છે કે, તેમણે લીઝ હોલ્ડરને રજૂઆત કરવા છતાં તેમણે ધ્યાન આપવા ના બદલે નાળિયેરીના વૃક્ષોને મોટાપાયે નુકસાન પહોંચાડયું છે. ફરીયાદમાં એવો પણ આક્ષેપ કર્યો છે કે, તેઓની આજીવિકા સમાન માલિકીની જમીનમાંથી ગેરકાયદેસર રીતે માટી અને ડસ્ટ કાઢી તેઓને ડરાવી ધમકાવીને ખોદકામ કરી રહ્યા છે. હાલમાં જ અમારી જમીનમાંથી માટી અને નાળિયેરના ઝાડો ઢસી રહ્યા છે અને જો અમે અમારા બગીચામા પાણી વળીએ તો આખું ખેતર ધોવાઈને ખાણમાં ઢસી જાય તેમ છે. અને મોટી તારાજી સર્જાઈ તેમ છે. આ બાબતના ફરિયાદી યુસુફભાઈ રાઠોડે તેમના બગીચામાં થયેલા નુકસાન ના ફોટાઓ સાથે જીલ્લા કલેકટર, ભૂસ્તરશાસ્ત્રી અને મામલતદાર સહિત સાત ડીપાર્ટમેન્ટમા લેખિતમાં ફરિયાદ કરી છે. અને ત્વરિતપણે આ ખોદકામ અટકાવવા માંગ કરી છે. જેને આજે બે અઠવાડિયા થઈ જવા છતાં તંત્ર દ્વારા કોઈ તકેદારી લેવામાં આવી નથી. આ ગંભીર સમસ્યા સામે તંત્રની નિરસતા સામે બેબસ ખેડૂતો બરબાદી ના આરે આવી ને ઉભો છે,,
