માંગરોળ.
માંગરોળ ન.પા.માં ચિફ ઓફીસર અને સત્તાધારી બોડી વચ્ચે ચાલતા ઘર્ષણનો ભોગ કર્મચારી બની રહ્યા છે. અધિકારી અને પદાધિકારીની આંતરીક અંટસને પરિણામે એક જ કર્મચારીને અલગ અલગ શાખામાં કામગીરી માટે અપાતા લેખિત આદેશ અને છેલ્લા વીસ દિવસથી થઈ રહેલી માનસિક કનડગત અંગે પ્રા.ક.(ભાવનગર)ને રજૂઆત કરવામાં આવી છે.
એન.યુ.એલ.એમ. શાખા અંતર્ગત સરકારની વિવિધ યોજનાઓનો લોકોને લાભ મળે તે માટે ફોર્મ ભરવા સહિતની કામગીરી કરવામાં આવે છે. આ શાખામાં ફરજ બજાવતા કર્મચારીઓની ૩૧ માર્ચે મુદત પુરી થતા તેઓને મુક્ત કરવામાં આવ્યા હતા. દરમ્યાન સરકારમાંથી બીજો નિમણૂંક ઓર્ડર ન થાય અને લાભાર્થીઓની કામગીરી ન અટકે તે માટે વૈકલ્પિક વ્યવસ્થાના ભાગરૂપે ગત તા.૪ના ચિફ ઓફીસરે સેનિટેશન શાખામાં ફરજ બજાવતા રામાભાઈ રૂડાભાઈ કરમટાને એન.યુ.એલ.એમ. શાખાની કામગીરી કરવા આદેશ કર્યો હતો. દરમ્યાન એક જ દિવસ બાદ વસુલાત શાખામાં કર્મચારી ઓછા હોવાના બહાના હેઠળ પ્રમુખે તેઓને હાઉસ ટેક્ષ શાખામાં વસુલાત કામગીરીનો ઓર્ડર કર્યો હતો. ત્યારે કર્મચારી માટે કોનો આદેશ ગ્રાહ્ય રાખવો તેવી અસમંજસ વચ્ચે “સૂડી વચ્ચે સોપારી” જેવી સ્થિતિ ઊભી થઈ હતી.
જો કે ન.પા.ના વહીવટી અને કારોબારી અધિકારી ચિફ ઓફીસર હોય, તેઓના આદેશ પ્રમાણે જ રામાભાઈ ફરજ બજાવતા હતા. પરંતુ ચિફ ઓફીસર દ્વારા સોંપાયેલ કામગીરી ન કરવા આટલા દિવસોમાં યેનકેન પ્રકારે અવારનવાર દબાણ કરવામાં આવ્યું હતું. હદ તો એ વાતની છે કે કર્મચારીને કામ કરતા રોકવા ન.પા. કચેરી ઘરની પેઢી હોય તેમ બે વાર તો ઓફીસને તાળાં મારી દેવાયા હતા !!. દરમ્યાન ચિફે ફરી તાજેતરમાં ૨૬ એપ્રિલે સેનિટેશન શાખામાં ઓર્ડર કર્યો હતો. પરંતુ સેનિટેશન એસ.આઈ. તેઓને હાજર ન લેતા રામાભાઈએ આજે ફરી ચિફને ફરજ અંગે ચોક્કસ સ્પષ્ટતા કરવા જણાવ્યું છે. કર્મચારીએ તમામ બાબતોથી પ્રાદેશિક કમિશ્નર, કલેકટર સહિતનાને પત્ર લખી માહિતગાર કર્યા છે. આ ઉપરાંત કનડગતથી કંટાળી કોઈ નિર્ણય નહીં આવે તો આત્મહત્યાની ચિમકી આપતો કર્મચારીનો પ્રા.કમિશ્નર સાથે થયેલી ટેલિફોનિક વાતચીતનો ઓડીયો પણ સોશ્યલ મિડીયામાં વાયરલ થયો છે.
રીપોર્ટર, વિનુભાઈ મેસવાણિયા માંગરોળ


