રાજય સરકાર દ્વારા તારીખ ૦૧/૦૯/૨૦૨૨ થી તા- ૩૦/૦૯/૨૦૨૨ સુધી ” પોષણ માહ” ની ઉજવણી થનાર છે. જે આયોજનના સુચારુ આયોજન અંગે જિલ્લા પંચાયત સભાખંડમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી મિહીર પટેલના અઘ્યક્ષસ્થાને બેઠક યોજાઈ હતી.
વડાપ્રધાનશ્રી દ્વારા તા.૦૮, માર્ચ ૨૦૧૮ ના રોજ પોષણ અભિયાનનો રાષ્ટ્રવ્યાપી શુભારંભ કરવામાં આવ્યો હતો. પૌષણ અભિયાન અંતર્ગત ભારત સરકારના મહિલા અને બાળવિકાસ મંત્રાલય દ્વારા દર વર્ષે સપ્ટેમ્બર માસમાં જનઆંદોલન માટે “રાષ્ટ્રીય પોષણ માસ”ની અને માર્ચ માસમાં પોષણ પખવાડીયા”ની ઉજવણી કરવામાં આવે છે.
આ પોષણ માહના સુચારુ આયોજન માટે ગ્રામ્ય સ્તરે સરપંચ અને ગ્રામ પંચાયતોને મુખ્ય આધાર રાખી “પોષણ પંચાયત” બનાવવા ઉપરાંત કાર્યક્રમ અંતર્ગત વિવિધ થીમ પર ભાર મુકી વિવિધ પ્રવૃત્તિઓ સપ્ટેમ્બર મહીનામ યોજાનાર છે. આ કાર્યક્રમ અંર્તગત મહિલા અને સ્વાસ્થય, બચ્ચા અને શિક્ષા, જાતીગત સંવેદનશીલ (જેન્ડર સેન્સીટીવ), જળ સંરક્ષણ અને વ્યવસ્થાપન, આદીવાસી વિસ્તારમાં મહિલાઓ અને બાળકો માટે પરંપરાગત ખોરાક જેવી થીમ પર સરકારના જુદા-જુદા વિભાગો સાથેના જોડાણ થકી પોષણ માસનો શુભારંભ થવા જઈ રહ્યો છે.
આ બેઠક દરમ્યાન જિલ્લા વિકાસ અધિકારીશ્રી મિહીર પટેલે જિલ્લામાં મહિલાઓ અને બાળકોમાં પોષણનું સ્તર સુધરે તે દિશામાં સૌ સાથે મળી કામગીરી કરીએ તેમ જણાવી માત્ર ફરજ નહીં પરંતુ નૈતિક જવાબદારીના ભાગરૂપે આ પોષણ અભિયાનમાં સહભાગી થવા ઉપસ્થિત સૌ અધિકારીઓને આહવાન કર્યું હતું.બાળકો, કિશોરીઓ, સગર્ભા તથા ધાત્રી બહેનોમાં કુપોષણ દૂર થાય અને તેઓ પોષિત થાય એવા નીર્ધાર સાથે યોજાનાર પોષણ માહમાં દરેકને સહભાગી થવા અનુરોધ કર્યો હતો અને નક્કી કરાયેલ થીમ પર ભાર મુકી વિવિધ પ્રવૃત્તિઓ હાથ ધરવાની થાય તે માટે લાયઝન અધિકારીઓને સુચનો કરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.
“પોષણ માહ”ની ઉજવણી સંદર્ભેં મળેલી આ બેઠકમાં સંકલિત બાળ વિકાસ યોજનાના પ્રોગ્રામ ઓફિસર શ્રી બીનલબેન સુથાર દ્વારા પ્રેઝન્ટેશનના માધ્યમથી ઉપસ્થિત વિભાગોના અધિકારીઓને જરૂરી વિગતો પુરી પડાઈ હતી. બેઠકમાં જિલ્લાના જુદાં જુદાં વિભાગોના લાઈઝન અધિકારીઓ, પંચાયત, આરોગ્ય, શિક્ષણ, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી, વન વિભાગ તથા મહિલા અને બાળ વિકાસ વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
