ભરૂચ
અંકલેશ્વર તાલુકાના નૌગામા ગામે માલિકીની જમીનમાં માટી ખનન અટકાવતા કાકા સસરાના પુત્ર સહિત ગામના સરપંચે મહિલાને માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપતાં પોલીસ ફરિયાદ નોંધાવા પામી છે. અંકલેશ્વરના નૌગામા ગામની નવી વસાહત ખાતે રહેતી આશાબેન શૈલેષ વસાવાની માંડવા રોડ ઉપર રોકડીયા હનુમાન મંદિર પાસે ચા નાસ્તાની લારી ચલાવી પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે. જેમના પતિની વડીલોપાર્જીત જમીન પર માટી ખોદકામ ચાલતું હતું. જે કામ શૈલેષ વસાવા અને તેના ભાઈએ અટકાવતાં તેની રીસ રાખી મહિલાના કાકા સસરાના દીકરા પ્રદીપ ફતેસિંગ વસાવા અને ગામના સરપંચ સહદેવ ગણપત વસાવા આશાબેન વસાવાની નાસ્તાની દુકાને આવ્યા હતા. મહિલાને સરપંચે જમીનમાં કઈ તમે વારસદાર છો તેમ કહી અપશબ્દો ઉચ્ચાર્યા હતા. આવેશમાં આવી ગયેલા સરપંચે મહિલાને ખુરશીમાંથી ખેંચી પાડી ઝપાઝપી કરી માર માર્યો હતો અને મહિલા અને તેના પતિને જાનથી મારી નાખવાની ધમકી આપી ફરાર થઇ ગયો હતો. આ મારામારી અંગે શહેર પોલીસે સરપંચ અને અન્ય ઇસમ વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
