રાજસ્થાન
મુંબઈના અંબરનાથમાં નોકરાણી સાથે ૮ લાખ રૂપિયાની છેતરપિંડી કરવાના કેસમાં પોલીસે દિલ્હીના ૨૮ વર્ષીય અરવિંદ કુમાર અને તેની લિવ-ઈન પાર્ટનર નેપાલી સિંગર રબિના બદીની ધરપકડ કરી લીધી છે. અંબરનાથમાં રહેતી ૩૦ વર્ષીય કલ્પના મગરને રબિના બદીએ કિડની વેચીને ૪ કરોડ રૂપિયા કમાવવાની લાલચ આપી હતી. પણ આ માટે રબિનાએ નોકરાણી સમક્ષ એ શરત મુકી હતી કે એક કિડની ડોનર બનવા માટે તેને પહેલાં ૮ લાખ રૂપિયા ચૂકવવા પડશે. અંબરનાથમાં મહિલા તેના પતિ કે જે સિક્યુરિટી ગાર્ડ છે, તેને ચાર બાળકો છે અને તેનો ઉછેર નેપાળમાં થયો છે. પોલીસે જણાવ્યું કે, નેપાળમાં નોકરાણી સિંગર બદિનાને મળી હતી અને બાદમાં બંને ફેસબુક ઉપર ફ્રેન્ડ બની ગયા હતા. પોલીસ અધિકારીએ જણાવ્યું કે, મહિલા થોડું ભણેલી છે. પણ તેને વોટ્સએપ અને ફેસબુકનો ઉપયોગ કરવાનું શીખી લીધું હતું. નેપાળમાં મુલાકાત બાદ ૨૦૨૦માં જ્યારે મહિલા ફરીથી અંબરનાથ રહેવા માટે આવી ત્યારે ફેસબુક ઉપર તે રબિના સાથે ચેટિંગ કરતી હતી. આ દરમિયાન નોકરાણીએ બદિનાને જણાવ્યું હતું કે, તેની આર્થિક સ્થિતિ સારી નથી. જે બાદ સિંગરે કલ્પનાને કહ્યું હતું કે, તે હવે દિલ્હીમાં રહે છે અને એક કિડની વેચીને તેણે ૪ કરોડ રૂપિયા કમાયા છે. અને સાથે કહ્યું હતું કે, એક કિડની સાથે પણ વ્યક્તિ નોર્મલ જીવન જીવી શકે છે. રબિનાએ બાદમાં કલ્પનાને પણ કિડની વેચીને પૈસા કમાવવાની લાલચ આપી હતી. પણ સાથે કહ્યું હતું કે પહેલાં તેને થોડા લાખ રૂપિયા જમા કરાવવા પડશે. જે બાદ તેને વિદેશ લઈ જવામાં આવશે અને તેની કિડની કાઢી લેવામાં આવશે. પોલીસે જણાવ્યું કે, પૈસાનો બંદોબસ્ત કરવા માટે કલ્પનાએ નેપાળમાં રહેલી પોતાની જમીન વેચી દીધી હતી. અને બાદમાં ૪ કરોડ રૂપિયાની લાલચમાં આવીને તેણે રબિનાના લીવ ઈન પાર્ટનર અરવિંદ કુમારના ખાતામાં ૮ લાખ રૂપિયા જમા કરાવી દીધા હતા. પૈસા મળી ગયા બાદ રબિનાએ કલ્પનાના ફોન ઉપાડવાનું બંધ કરી દીધું હતું. એટલું જ નહીં રબિનાએ કલ્પનાને ફેસબુક અને વોટ્સએપ ઉપર બ્લોક કરી દીધી હતી. જે બાદ કલ્પનાએ નેપાળ જઈને સ્થાનિક નેતાઓ પાસેથી મદદ માગી હતી પણ તેઓએ કોઈપણ મદદ કરી ન હતી. જાે કે અંબરનાથમાં રહેતાં એક સામાજિક કાર્યકરે કલ્પનાની મદદ કરી હતી અને તેને પોલીસનો સંપર્ક કરવા માટે કહ્યું હતું. પોલીસે આ મામલે ફરિયાદ નોંધી છે અને રબિના બદીને ઝડપી લેવા માટે એક ટીમને નેપાળ મોકલી છે.