સુખ વ્યક્તિના અહંકારની અને દુઃખ વ્યક્તિની ધીરજની પરીક્ષા લે છે.આ બંન્ને પરીક્ષામાં પાસ થનાર વ્યક્તિનું જીવન સફળ કહેવાય છે.જીવનનો સામાન્ય નિયમ છે કે સુખ આવે છે તો સાથે અહંકારને લઇને જ આવે છે.રાવણ,કંસ,દુર્યોધન વગેરે કૌરવોના જીવન જોઇએ તો તેમના જીવનમાં જેટલું સુખ અને વિલાસ આવ્યો એટલું જ તેમનામાં અભિમાન વધતું ગયું.
રામચરીત માનસમાં કહ્યું છે કે “નહિં કોઉં અસ જનમા જગ માંહી,પ્રભુતા પાઇ જાહિ મદ નાહી.” આ જગતમાં એવો કોઇ જન્મ્યો નથી કે જેને પ્રભુતા (પદ-પ્રતિષ્ઠા અને પૈસો) મળ્યા પછી અભિમાન ના આવ્યું હોય.સુખ ઘી સમાન છે જેને માનવી ખાઇ તો શકે છે પરંતુ પચાવી શકતો નથી તેવી જ રીતે દુઃખના સમયે ધીરજ રાખવી બધા માટે શક્ય નથી.દુઃખમાં મોટા મોટા મહારથીઓ પણ ધીરજ ગુમાવી દે છે.
સુખના સમયે અહંકાર જીતનાર અને દુઃખના સમયે ધીરજ ધારણ કરનાર જ વાસ્તવમાં આ જીવનરૂપી મહાસંગ્રામમાં સફળ યોદ્ધો કહેવાય છે.દુઃખને સહન કરવુ અને સુખને પણ સહન કરવું એ એક મહાન કળા છે.
જીવનું મુક્તિમાર્ગનું મોટામાં મોટું વિઘ્ન અહંકાર છે.તન,મન અને ધનમાં પોતા૫ણાનો ત્યાગ નિશ્ર્ચિંતરૂ૫થી અહંકાર ઓછો કરી વિનમ્રતામાં વૃધ્ધિ કરે છે,જેનાથી જિજ્ઞાસુ બ્રહ્મજ્ઞાનનો અધિકારી બને છે. આપણા અહંકારનું કારણ જીવભાવ છે,જે પ્રભુદર્શનથી દૂર થાય છે.જીવભાવ દૂર થતાં જ તમામ દુઃખ દુર થાય છે.જ્યાં સુધી મનુષ્યમાં અહંકારની હાજરી છે ત્યાં સુધી સદગુરૂ દ્વારા પ્રદત્ત તત્વજ્ઞાન તેનામાં ઉતરતું નથી.સદગુરૂ પ્રદત્ત જ્ઞાનને માનવાથી,જીવનમાં ઉતારવાથી જ અહંકારમાંથી મુક્તિ મળે છે.
જેનામાં અભિમાન છે,અહંકાર છે તેને મહાન માનવામાં આવતા નથી.મહાન તે છે કે જેનામાં દાસ ભાવના છે, વિનમ્રતા છે, જેના હ્રદયમાં મિઠાસ છે,જેને શુધ્ધ વ્યવહાર કર્યો છે.માનવ જેટલો નમ્ર બને છે એટલો તેનો અહંકાર ઓછો થાય છે.
જેમ વૃદ્ધાવસ્થા માનવીના રૂ૫ રંગનો નાશ કરે છે તેમ અહંકાર લક્ષ્મીનો વિનાશ કરી નાખે છે.દેહને આત્મા માનવો એ અહંકાર છે.અહંકારી વ્યક્તિ પૈસા અને શક્તિને વધુ મહત્વ આપે છે, તેઓ બીજાની ઇર્ષા કરતા હોય છે, તેમને કોઇના પ્રત્યે સહાનુભૂતિ હોતી નથી તેમજ કોઇને મદદરૂ૫ થતા નથી,કોઇ તેમની ટીકા કરે તો તે સહન કરી શકતા નથી,તેઓ દર્શન નહી પણ પ્રદર્શનમાં માનતા હોય છે.
હરિ મિલન રૂપી મુક્તિ તો અહંકારનો ત્યાગ કરવાથી જ મળે છે.હરિ પરમાત્માની ભક્તિ કરી લઇએ, જેના ફળ સ્વરૂપે આપણા દિલનું દર્પણ સાફ થશે અને મન પણ અહંકાર વગેરે વિકારોથી મુક્ત થઇ પવિત્ર થશે.મન સંકલ્પ-વિકલ્પ કરે છે.એક સંકલ્પની સમાપ્તિ અને બીજાનો આરંભ.તે બેની વચ્ચે ભગવાનને રાખો તો અહંકાર મરે છે.સતત ભક્તિ કરવાની ટેવ પડે તો દેહભાવ જાય છે અને દેહભાવ જાય તો અહંકાર જાય છે.
સાંસારીક ચીજોના સબંધથી,ત્યાગ-વૈરાગ્ય અને જ્ઞાનથી પોતાનામાં વિશેષતા દેખાવવાથી તથા શરીરને જ પોતાનું સ્વરૂપ માનવાથી અહંકાર પેદા થાય છે.અહંકારને દૂર કરવા માટે બીજાઓની ખામીઓ તરફ જોવું નહી પરંતુ પોતાની ખામીઓ જોઇને તેને દૂર કરવી.
ગુણોના લીધે પોતાનામાં જે વિશેષતા દેખાય છે તેને અહંકાર કહે છે.શ્રેષ્ઠ મનુષ્ય પરનિંદા,આત્મ પ્રશંસા,અહંકાર,વેરની ભાવના,ઈર્ષ્યા વગેરે અવગુણોથી દૂર રહે છે.તે શત્રુ,પાપી,દુષ્ટો પ્રત્યે પણ ભાવુક બની તેમના કલ્યાણની કામના કરે છે.
શરીરમાં જે આંખ વગેરે ઈંદ્રિયો છે તેમાં અંતઃકરણ ચિદાત્માના તેજ સાથે ‘હું છું’ એવા અભિમાનથી રહે છે એને જ અહંકાર જાણવો,એ જ કરનાર,ભોગવનાર અને અભિમાન કરનાર છે અને એ જ સત્વ રજ અને તમ એ ત્રણ ગુણોના સંબંધથી જુદી જુદી ત્રણ અવસ્થા( જાગ્રત,સ્વપ્ન અને સુષુપ્તિ)ને પામે છે. વિષયોની અનુકૂળતા હોય તો તે અહંકાર પોતાને સુખી માને છે અને વિષયોની પ્રતિકૂળતા હોય તો દુઃખી થાય છે આ રીતે સુખ અને દુઃખ એ નિત્ય આનંદરૂપ આત્માના નહિ પરંતુ અહંકારના ધર્મો છે.
એક સત્સંગી પ્રભુ પરમાત્માના ધ્યાનમાં એટલો મસ્ત રહેતો હતો કે તેને પ્રભુ સિવાય બીજો કોઇ વિચાર જ ન હતો.એકવાર તે પ્રભુના ધ્યાનમાં મગ્ન હતો ત્યારે આકાશવાણી થાય છે કે બેટા તારી શું ઇચ્છા છે? ત્યારે તે કહે છે કે મને પ્રભુ સિવાય બીજું કંઇ જ જોઇતું નથી ફરીથી અવાજ સંભળાય છે કે નવાઇની વાત છે..! મારી પાસે તૂં મને જ માંગે છે.હું તારી ઉપર પ્રસન્ન છું બીજું કંઇક માંગ ત્યારે સત્સંગી કહે છે કે મારે દાત નહી દાતા જોઇએ છે હું દાતા પ્રભુનો આશિક છું.જેમ વૃક્ષના મૂળને પાણી સિંચવાથી તેની ડાળીઓ અને પત્તાઓને પોષણ મળે છે અને ફળફુલની પ્રાપ્તિ થાય છે તેવી જ રીતે સંતો અને સદગુરૂને ખુશ કરવાથી અમોને પરમાત્માની પ્રાપ્તિ થાય છે.કહ્યું છે કે “સદગુરૂ રાજી તો કર્તા રાજી,કાલ કર્મકી ચલે ના બાજી..” જીંદગીમાં બે શબ્દોનું ઘણું જ મહત્વ છેઃપ્રેમ અને ધ્યાન.પ્રભુ પરમાત્માના મંદિરના આ બે વિરાટ દરવાજામાં પ્રેમ અને ધ્યાનથી પ્રવેશ થઇ શકે છે અને આના માટે અહંકાર છોડવો પડે છે.
તન,મન અને ધનમાં પોતા૫ણાનો ત્યાગ નિશ્ચિંતરૂ૫થી અહંકાર ઓછો કરી વિનમ્રતામાં વૃધ્ધિ કરે છે,જેનાથી જિજ્ઞાસુ બ્રહ્મજ્ઞાનનો અધિકારી બને છે.હરિ પરમાત્માની ભક્તિ કરી લઇએ,જેના ફળ સ્વરૂપે આપણા દિલનું દર્પણ સાફ થશે અને મન પણ અહંકાર વગેરે વિકારોથી મુક્ત થઇ પવિત્ર થશે.જ્યાં સુધી મનુષ્યમાં અહંકારની હાજરી છે ત્યાં સુધી સદગુરૂ દ્વારા પ્રદત્ત તત્વજ્ઞાન તેનામાં ઉતરતું નથી.સદગુરૂ પ્રદત્ત જ્ઞાનને માનવાથી,જીવનમાં ઉતારવાથી જ અહંકારમાંથી મુક્તિ મળે છે.અહંકાર નમવાનું નહી ૫રંતુ અક્કડ રહેવાનું જાણે છે.અમારા હ્દયમાં આવી ભાવના હોય તો તેને દૂર કરવી જોઇએ.અહંકાર ના આવે તેના માટે નિરંતર સંતોના ચરણોમાં ઝુકતા રહેવું જોઇએ.
વિનોદભાઇ માછી નિરંકારી
નવીવાડી,જી.પંચમહાલ
૯૭૨૬૧૬૬૦૭૫(મો)


