મોરબી
મોરબી શહેરના શક્તિ પ્લોટ વિસ્તારમાં રહેતા અશ્વિનભાઈ હર્ષદભાઈ કલૈયા ( ઉ.વર્ષ ૩૦ ) નામના યુવાને પોતાના ઘેર કોઇ અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ લીધો હતો. જયારે રફાળેશ્વર પાનેલી રોડ ઉપર આવેલી સીમોરા સિરામીકની ઓરડીમા રહેતા સુમતભાઇ બીનધરભાઇ ( ઉ.વર્ષ ૧૫ ) નામના સગીરે ઓરડીમા કોઇ કારણોસર ગળેફાસો ખાઇ લેતા એનું પણ અકાળે મૃત્યુ નીપજ્યું હતું. આ ઉપરાંત ભડીયાદ નજીક મીલેનિયમ ટાઇલ્સ કારખાનાની ઓરડીમાં રહેતા લક્ષ્મીબેન દોબાભાઇ બારડે (ઉ. વર્ષ ૨૦) નામની પરિણીતાના પ્રેમ સંબંધ અંગે તેના પતિને જાણ થઈ જતા પરિણીતાએ ગળેફાંસો ખાઈ મોત વ્હાલું કરી લીધુ હતું. નોંધનીય છે કે, પરિણીતાના પાંચ વર્ષ પૂર્વે લગ્ન થયા હોવાનું અને સંતાનમાં બે પુત્રી હોય માતાના આ પગલાંથી બન્ને દીકરીઓએ માતાની છત્રછાયા ગુમાવી છે. અપમૃત્યુના ત્રણેય બનાવમાં પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.મોરબીમાં છેલ્લા દિવસોમાં આત્મહત્યાના બનાવોમાં ચિંતાજનક રીતે વધારો નોંધાયો છે. ખાસ કરીને યુવાનો અને યુવતી તેમજ પરિણીતાઓ કોઈને કોઈ અગમ્ય કારણોસર જિંદગી ટૂંકાવી રહ્યા છે. ત્યારે મોરબીમાં ત્રણ લોકોએ ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી. એક સગીર તેમજ યુવાન અને પરિણીતાએ જીવાદોરી ટૂંકાવી લીધી હોવાની ત્રણ ઘટનાઓ સામે આવી છે.