મોરબી
મોરબીના જસમતગઢ ગામના વાડી વિસ્તારમાં રહીને મજુરી કરતી પરિણીતાએ પતિએ રક્ષાબંધનમાં સાથે આવવાની ના પાડતાં ઝેરી દવા પીધી હતી, જેનું સારવાર દરમિયાન મોત થયું છે. બનાવની પ્રાપ્ત વિગતો મુજબ જસમતગઢ ગામની સીમમાં રહેતા ગીતાબેન લલીતભાઈ માવી (ઉ.વ.૧૯) નામની પરિણીતા તા. ૧૧ ઓગસ્ટના રોજ ઘાસમાં છાંટવાની જંતુનાશક દવા પી લેતા સારવાર દરમિયાન પરિણીતાનું મોત થયું છે. આ બનાવ મામલે મોરબી તાલુકા પોલીસે નોંધ કરી તપાસ ચલાવી હતી. જેમાં મૃતક પરિણીતાના પતિને રક્ષાબંધનમાં પોતાના ભાઈને રાખડી બાંધવા સાથે આવવાનું કહ્યું હતું અને પતિની તબિયત બરાબર ના હોવાથી સાથે આવવાની ના પાડી હતી. જેથી લાગી આવતાં પરિણીતાએ દવા પી લીધી હતી, જેનું સારવાર દરમિયાન મોત થયું છે. મૃતક પરિણીતાનો લગ્નગાળો સાત માસનો છે, જે બનાવ મામલે મોરબી તાલુકા પોલીસે નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
