મોરબી
મોરબીના મકનસર ગામે સ્વામિનારાયણ મંદિર પાછળ રહેતા ચેતનાબેન ધર્મેશભાઇ કરકટા ટંકારાના કોયલી ગામે પોતાના ભત્રીજા સંજયભાઈ તથા ભત્રીજી પ્રિયાબેનના લગ્નમાં ગયા હતા. તેમજ ત્યાંથી ટંકારાના વીરપર ગામે સંજયભાઈની જાનમાં ગયા હતા. જ્યાંથી લગ્ન પ્રસંગ પૂર્ણ થતા છોટા હાથીમાં બેસી રાજપર ચોકડી શનાળા પહોંચી તેમના જેઠાણી સાથે ચાલીને જતા હતા. ત્યારે જ અચાનક અંદાજે પચીસેક વર્ષની ઉંમરનો યુવાન ચેતનાબેનની નજીક ધસી આવી ગળામાંથી આશરે નવ તોલા વજનનો સોનાનો પયહાર અને પાટીપારો ઝૂંટવીને નાસી ગયો હતો. તેમના ગળામાંથી સોનાનો હાર અને પાટીપારો ઝૂંટવીને આ અજાણ્યો શખ્સ નાસવા જતા તેઓ તેની પાછળ દોડતાં ચીલઝડપ કરનાર અજાણ્યા બાઇક ચાલકે તેમને પછાડી દેતાં તેમને ઈજાઓ પહોંચી હતી. વધુમાં આ સોનાનો હાર અને પાટીપારો ચેતનાબેનના ટંકારા ખાતે રહેતા તેમના ભાભીનો હોવાનું અને નવ તોલા વજનના હાર અને પાટીપારો અંદાજે ૨.૭૦ લાખની કિંમતનો હોવાનું જાહેર કર્યું છે. હાલ મોરબી પોલીસે ચેતનાબેન ધર્મેશભાઇ કરકટાની ફરિયાદને આધારે આશરે પચીસ વર્ષની ઉંમરના મોટર સાયકલ સાથે આવેલા અજાણ્યા શખ્સ વિરૂદ્ધ ગુનો નોંધી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.મોરબીના શકત શનાળા ગામે લગ્ન પ્રસંગ પતાવી જેઠાણીના ઘરે ચાલીને જઈ રહેલા પરિણીતાના ગળામાંથી નવ તોલાનો સોનાનો હાર અને પાટીપારો ઝૂંટવી અજાણ્યા બાઇક ચાલકે ચીલઝડપને અંજામ આપી પાછળ દોડેલા મહિલાને પછાડી દેતાં તેણીને ઈજાઓ પહોંચી હતી. હાલમાં મોરબી પોલીસે રૂ. ૨.૭૦ લાખના હાર અને પાટીપારાની ચીલઝડપ મામલે અજાણ્યા બાઈક ચાલક યુવાન વિરૂદ્ધ ગુનો દાખલ કર્યો છે.
