મોરબી
મોરબીમાં ધી કો-ઓપરેટીવ બેંક ઓફ રાજકોટની મોરબી ખાતેની બ્રાંચમા લોન ધારકોએ સિક્યુરિટી માટે આપેલી મશીનરીને ગાયબ કરીને છેતરપિંડી આચરી હોવાની ઘટના સામે આવી છે. સમગ્ર મામલે બેન્કના ઇન્ચાર્જ પ્રતિક દિનેશ ગુજરાતીએ મોરબી સીટી એ-ડિવિઝન પોલીસ મથકમાં પોલીસ ફરિયાદ નોંધાવી છે. બનાવની મળતી વિગત મુજબ ફરિયાદી પ્રતિક ગુજરાતીએ આજથી ચાર મહીના પહેલા મોરબી કાલીકા પ્લોટ રવાપર રોડ પર આવેલી ધી કો-ઓપરેટીવ બેંક ઓફ રાજકોટની મોરબી ખાતેની બ્રાંચમા ઇન્ચાર્જ તરીકે નોકરી કરતાં હતાં. તે સમયે તા.૩૧/૦૧/૨૦૨૦ના રોજ અંકલ સીરામીક પ્રાઇવેટ લીમીટેડ સર્વે નં-૨૯૪/૧ રંગપર ગામ જેતપર રોડ મોરબી ડાયરેક્ટર અને નિરવ રિતલાલ ભોરણીયા તથા ઓધવજી વેલજી ભોરણીયાએ મશીનરી લોન, ઇન્ડ્રસ્ટ્રીયલની લોન, કેશ ક્રેડીટ લોન માટે અલગ અલગ અરજીઓ આપી હતી. જે અરજીઓ આધારે તેમની બેંક દ્વારા ત્રણેય લોન જેમા (૧) ઇન્ડસ્ટ્રીયલ લોન રૂ.૨,૨૮,૦૦,૦૦૦ (૨) કેશ ક્રેડીટ લોન રૂ.૫૦,૦૦,૦૦૦ અને મશીનરી લોન રૂ.૩,૧૦,૦૦,૦૦૦ એમ ત્રણેય લોન મળી કુલ રૂ.૫,૮૮,૦૦,૦૦૦ની લોન તા.૦૭/૦૨/૨૦૨૦ના રોજ મંજુર કરવામા આવી હતી. આ લોનના જામીનદાર તરીકે અમરશી નાંજી અમૃતીયા, જગદીશ પ્રેમજી અમૃતીયા, રતિલાલ પ્રાગજી ભોરણીયા, જયંતિ પ્રાગજી ભોરણીયા, ભાવના જયંતીલાલ ભોરણીયા અને ધનશ્યામસિંહ લખુભા ઝાલા રહ્યાં હતાં. જે બાદ ગઇ તારીખ ૩૧/૦૭/૨૦૨૧ના રોજ બેંકની રાજકોટ હેડ ઑફિસના લોન અધિકારી જગદીશ ડોબરીયા, ધર્મેન્દ્ર પુજારા, રસીક જાગાણી દ્વારા બેંકની તરફેણમા જંગમ મિલ્કતો એટલે કે, મશીનરી જે ગીરો/હાઇપોથીકેશન તા.૨૯/૦૨/૨૦૨૦ના રોજ બેંક તરફે કરી આપવામાં આવી હતી. મશીનરી જંગમ મિલ્કતની તપાસણી કરતા મશીનરી લોન પેટે રૂ.૩,૧૦,૦૦,૦૦૦ વાળી લોનમા જે મશીનરી ઉપર ધીરાણ અંગે સિક્યુરીટી તરીકે લખી આપવા આવી હતી. મશીનરી સ્થળ ઉપરથી બેંકને કોઇ પણ પ્રકારની જાણ કર્યા વગર લોન લેનાર અંકલ સીરામીક પ્રાઇવેટ લીમીટેડ તેના ડાયરેક્ટર અને નિરવ ૨તિલાલ ભોરણીયા તથા ઓધવજી વેલજી ભોરણીયાએ ભેગા મળી સગેવગે કરી બેંક સાથે વિશ્વાસઘાત કર્યો હતો. આ ફરિયાદના આધારે પોલીસે ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.


