રાજકોટ
હાલ ગુજરાતમાં ઠેર-ઠેર કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યા છે ત્યારે આસામ પોલીસે ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણીની ધરપકડ કરવાના મામલે રાજકોટ કોંગ્રેસે વિરોધ કર્યો હતો. કોંગ્રેસના કાર્યકરોએ કાળા માસ્ક પહેરી વિરોધ નોંધાવ્યો હતો. તેમજ કલેક્ટર કચેરીએ મૌન ધરણાના કાર્યક્રમ યોજવાના હતા. પરંતુ આ કાર્યક્રમ યોજે એ પહેલા જ પ્રદ્યુમનનગર પોલીસે ૧૫થી વધુ કાર્યકરોની અટકાયત કરી હતી. જીજ્ઞેશ મેવાણીની ધરપકડને લઇને રાજકોટ કોંગ્રેસ આજે આક્રમક જાેવા મળી હતી. રાજય સરકારે વિરોધ વ્યક્ત કરનારાઓ સામે પણ પ્રતિબંધક કાનૂની જાેગવાઇઓના બેફામ દુરુપયોગ કરવાનું વલણ અપનાવ્યું હોવાથી પ્રજામાં ભય અને દહેશતનું વાતાવરણ પેદા થયું છે. આવી જ કાનૂની જાેગવાઈનો દુરુપયોગ કરીને વડગામના ધારાસભ્ય જીગ્નેશ મેવાણીની તદન વાહિયાત કારણોસર ધરપકડ કરીને ભાજપ સરકારે બ્રિટિશ રાજયની યાદ તાજી કરી છે. આ વિરોધ તેની સામે છે. પોલીસ દ્વારા જ્યારે અટકાયત કરવામાં આવી રહી હતી ત્યારે કોંગ્રેસના કાર્યકરોએ ‘હાય રે ભાજપ હાય હાય’ના સુત્રોચ્ચાર કર્યા હતા. પોલીસે કોંગ્રેસના કાર્યકરોની એક બાક એક ટીંગાટોળી કરી અટકાયત કરી હતી. થોડીવાર માટે કોંગ્રેસ અને પોલીસ વચ્ચે ગરમાગરમીનો માહોલ જાેવા મળ્યો હતો. તેમજ કોંગ્રેસના કાર્યકરોએ ‘નહીં ચલેગી નહીં ચલેગી દાદાગીરી નહીં ચલેગી’, ‘સંવિધાન બચાવો દેશ બચાવો’ના સુત્રોચ્ચાર કર્યા હતા. કોંગ્રેસના કાર્યકરોએ ‘ન્યાય અપાવો ન્યાય અપાવો જીજ્ઞેશભાઈને ન્યાય અપાવો’ના પણ સુત્રોચ્ચાર કર્યા હતા. આ વિરોધમાં મોટી સંખ્યામાં મહિલા આગેવાનો પણ જાેડાઇ હતી. ઉલ્લેખનીય છે કે, ચાર દિવસ પહેલા વડગામના એમએલએ જીજ્ઞેશ મેવાણીની આસામ પોલીસે ધરપકડ કરી હતી. મેવાણીની પાલનપુર સર્કિટ હાઉસમાંથી ધરપકડ કરવામાં આવી હોવાનું મેવાણીની ટીમે જણાવ્યું હતું. આસામમાં જિજ્ઞેશ મેવાણી વિરુદ્ધ કેસ દાખલ કરવામાં આવ્યાં છે.