રાજકોટ
રાજકોટમાં લોખંડની પાઇપ ભરીને જતી ટ્રક અચાનક પલટી મારી જતાં ડિવાઇડર સાથે ધડાકભેર અથડાઈ હતી, જેને પગલે લોખંડની પાઇપ રસ્તા પર ફેલાઈ ગઈ હતી અને ટ્રાફિકજામનાં દૃશ્યો સર્જાયાં હતાં. બનાવ બાદ ટ્રાફિક-પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસ તપાસમાં સામે આવ્યું હતું કે ટ્રક-ડ્રાઈવરે સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવી દેતાં અકસ્માત સર્જાયો હતો અને આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી. રાજકોટના શહેરના કાલાવડ રોડ પર એમટીવી હોટલ નજીક એક ટ્રક પૂરપાટ વેગે પસાર થતી હતી. એ ટ્રકમાં મોટા પ્રમાણમાં લોખંડની પાઇપ પણ ભરેલી હતી. અચાનક ટ્રક-ડ્રાઈવર સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવે છે, જેથી ટ્રક સીધી ડિવાઈડર પર લાગેલા વીજપોલ સાથે અથડાઈ હતી અને ત્યાર બાદ રસ્તા પર પલટી મારે છે. એને પગલે ઠેર-ઠેર ધુમાડાના ગોટેગોટા છવાઈ જાય છે અને ટ્રકમાં લોડ કરેલી લોખંડની પાઇપ રસ્તા પર ફેલાઈ જાય છે. બનાવ અંગેની પ્રાથમિક માહિતી અનુસાર, અકસ્માત બાદ ટ્રાફિકજામ સર્જાયો હતો અને ટ્રાફિક-પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને ટ્રકને રસ્તા પરથી હટાવી ટ્રાફિકજામ હળવો કરવા કાર્યવાહી હાથ ધરી હતી. ઉલ્લેખનીય છે કે અકસ્માતમાં ટ્રક-ડ્રાઈવરને ઇજા પહોંચી હતી, જેને પણ સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.
