રાજકોટ
રાજકોટ સહીત સમગ્ર રાજ્યમાં આગામી ૨૮ માર્ચથી ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક ધોરણ ૧૦ અને ૧૨ ની પરીક્ષા શરૂ થઇ રહી છે ત્યારે આ પરીક્ષાને લઇ તમામ તૈયારીઓ આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. પરીક્ષા પૂર્વે પ્રશ્નપત્ર રાજકોટ આવી પહોંચતા રાજકોટ કરણસિંહજી હાઇસ્કૂલ ખાતે સીસીટીવી અને પોલીસ બંદોબસ્ત વચ્ચે સ્ટ્રોંગરૂમમાં સીલ કરી દેવામાં આવ્યા છે. આ સાથે આગામી ૨૭ માર્ચ એટલે કે રવિવારના રોજ આ માટે ખાસ કંટ્રોલરૂમ પણ શરૂ કરવામાં આવશે જે આગામી ૧૨ એપ્રિલ સુધી કાર્યરત રહેશે. રાજકોટ શહેરમાં ધોરણ ૧૦ની પરીક્ષા માટે ૫ ઝોન ફાળવવામાં આવ્યા છે જયારે જિલ્લામાં જસદણ ખાતે ઝોનની ફાળવણી કરવામાં આવી છે. જયારે રાજકોટ શહેરમાં ૧૨ વિજ્ઞાન પ્રવાહમાં એક અને જિલ્લામાં જસદણ અને ધોરાજી ઝોન ફાળવવામાં આવ્યા છે તેમજ ૧૨ સામાન્ય પ્રવાહ માટે રાજકોટ શહેરમાં એક તેમજ ધોરાજી જસદણમાં ઝોનની ફાળવણી કરવામાં આવી છે. આમ ધોરણ ૧૦ અને ૧૨ માં ૨૮૪ બિલ્ડિંગના કુલ ૨૬૮૨ બ્લોક પર ૭૬,૮૭૦ વિદ્યાર્થીઓ પરીક્ષા આપનાર છે. ૨૮ માર્ચથી શરુ થતી બોર્ડ પરીક્ષામાં રાજકોટ જિલ્લામાં ધો.૧૦માં ૧૭૫ બિલ્ડીંગના ૧૫૯૨ બ્લોક પરથી ૪૭૭૬૦ વિદ્યાર્થીઓ, ધો.૧૨ સામાન્ય પ્રવાહમાં ૭૯ બિલ્ડીંગના ૭૩૧ બ્લોક પરથી ૨૧૯૩૦ અને વિજ્ઞાન પ્રવાહમાં ૩૦ બિલ્ડીંગના ૩૫૯ બ્લોક પરથી ૭૧૮૦ વિદ્યાર્થીઓ પરીક્ષા આપવાના છે જે તમામ પરીક્ષા કેન્દ્રો પર સીસીટીવી હોવાથી ટેબલેટની જરૂર નહિ રહે. ઉલ્લેખનીય છે કે આ વર્ષે રાજકોટ જેલના ૧૨૦ જેટલા કેદીઓ બોર્ડની પરીક્ષા આપનાર છે જેમાં ધોરણ ૧૦ માં ૯૦ અને ધોરણ ૧૨ સામાન્ય પ્રવાહમાં ૩૦ જેટલા કેદી પરીક્ષા આપનાર છે. જે માટે પણ વ્યવસ્થા જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા ગોઠવવામાં આવી છે.રાજકોટ સહીત રાજ્યમાં આગામી ૨૮ માર્ચથી ધોરણ ૧૦ અને ૧૨ની પરીક્ષા શરુ થઇ રહી છે ત્યારે પરીક્ષા પૂર્વે રાજકોટમાં તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. જ્યાં સીસીટીવી અને પોલીસ બંદોબસ્ત વચ્ચે પ્રશ્નપત્રોને સ્ટ્રોંગરૂમમાં સીલ કરી દેવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે આ સાથે કરણસિંહજી હાઈસ્કૂલ ખાતે આગામી ૨૭ માર્ચ એટલે કે રવિવારથી ખાસ કંટ્રોલરૂમ પણ તૈયાર કરવામાં આવશે જે ૧૨ એપ્રિલ સુધી કાર્યરત રહેશે.
