Gujarat

રાજકોટ આરટીઓમાં ‘ફોલ્ડરો’ના ખુલ્લેઆમ ઉઘરાણા

આરટીઓ અધિકારીની ચેમ્બર બહાર કબાટની આડશોમાં બે ઉચ્ચ અધિકારીઓના ફોલ્ડરો ખુલ્લેઆમ બેનંબરી વહીવટ કરી રહ્યાનો વિડિયો વાઈરલ
ઉપરી અધિકારીઓના ખાનગી માણસો એવા આ બંને ફોલ્ડરો સરકારી કર્મચારી ન હોવા છતાં તેમને પંખા નીચે ટેબલ-ખુરશીની સુવિધા પણ આપવામાં આવ્યાનો ખુલાસો
રાજ્યનું આરટીઓ તંત્ર દાયકાઓથી ખુલ્લેઆમ થતી વિવિધ પ્રકારની ગેરરીતિઓ માટે કુખ્યાત છે. એક સમયે આરટીઓ તંત્રમાં બેફામ બનેલી એજન્ટ પ્રથાને નાબુદ કરવાનો કેશુભાઈ પટેલની ભાજપ સરકારે નિર્ણય લીધો હતો. તેમ છતાં આજે પણ આરટીઓ કચેરીમાં એજન્ટ વગર કોઈપણ કામ થતું નથી તે જગજાહેર છે. આ એજન્ટો પાસેથી વિવિધ પ્રકારના કામ માટે કર્મચારીઓથી માંડીને અધિકારીઓ નિશ્ચિત કરેલી બે નંબરી રકમ વસુલે છે. ઈન્સ્પેકટરની ઉપરની કક્ષાના અધિકારીઓ આ બેનંબરી રકમ વસુલવા પોતાના ખાનગી માણસો રાખે છે જેને એજન્ટની ભાષામાં ફોલ્ડર કહેવામાં આવે છે. રાજકોટ આરટીઓ કચેરીમાં બે ફોલ્ડરો દ્વારા ખુલ્લેઆમ ઉઘરાણા થતો હોવાનો વિડીયો વાઇરલ થવા પામ્યો છે.
ભૂતકાળમાં રાજકોટ આરટીઓ કચેરીમાં ઈન્સ્પેકટર અને તેની ઉપરની કક્ષાના અધિકારીઓ દ્વારા છાનેખુણે બેનંબરી વહીવટ કરવામાં આવતા હતાં. પરંતુ તાજેતરમાં બદલી પામીને આવેલા આરટીઓ કેતન ખાપેટના કાર્યકાળમાં ફોલ્ડરોને લીલીઝંડી આપી દેવામાં આપી હોવાનું ખુલવા પામ્યું છે. આ આરટીઓ અધિકારીની ચેમ્બર બહાર કબાટની આડશો કરીને બે ઉચ્ચ અધિકારીઓના ફોલ્ડરો ખુલ્લેઆમ બેનંબરી વહીવટ કરી રહ્યાનું વાઈરલ વિડિયોમાં ખુલવા પામ્યું છે.
ઉપરી અધિકારીઓના ખાનગી માણસો એવા આ બંને ફોલ્ડરો સરકારી કર્મચારી હોય તેમ તેમને ટેબલ-ખુરશીની સુવિધા પણ આપવામાં આવી છે. આ ફોલ્ડરો પંખા નીચે સરકારી ટેબલ-ખુરશી પર બેસીને કચેરીના સમય દરમ્યાન એજન્ટો પાસેથી ખુલ્લેઆમ ફોર્મ દીઠ નિશ્ચિત કરેલી બેનંબરી રકમ એજન્ટો પાસેથી વસુલતા જોવા મળે છે.એજન્ટોએ પોતાના વિવિધ કામો માટે ફોર્મ આ ફોલ્ડરોને આપવાના હોય છે. જેના પર ફોલ્ડરો બે નંબરી રકમ વસુલીને તેઓ જે અધિકારીઓનું કામ કરતા હોય તેના સિકકા મારી દેતા હોય છે.
સિકકા મારેલા આ ફોર્મ અધિકારી પાસેથી સહી માટે પહોંચે એટલે તેને તે કામ માટે વહીવટ થઈ ગયાનો ખ્યાલ આવી જતો હોય સહી કરી આપતા હોય છે. એસીબી કે વાહન વ્યવહાર કચેરીની વિજીલન્સનું ચેકીંગ આવે તો અધિકારીઓ ફોલ્ડર પોતાના માણસો નહીં એજન્ટ હોવાનું ખપાવીને પોતાની જાતને કાનૂની પ્રક્રિયામાંથી બચાવી લેતા હોય છે. આમા સુવ્યવસ્થિત રીતે ચાલતા આ ફોલ્ડર એજન્ટો સુવ્યવસ્થિત રીતે ચાલતા આ ફોલ્ડર રાજનો વાઈરલ વિડિયોમાં ખુલાસો થવા પામ્યો છે.
ચેમ્બર બહાર ટેબલ-ખુરશી નાંખીને કોણ બેઠું તેનો કશો ખ્યાલ નથી-આરટીઓ ખાપેટનો આશ્ચર્યજનક ખુલાસો
આ વાઈરલ વિડિયો અંગે રાજકોટના આરટીઓ અધિકારી કેતન ખાપેટે આશ્ચર્યજનક ખુલાસો કરતા જણાવ્યું હતું કે આ ખાનગી માણસો તેમની ચેમ્બર સામે ટેબલ-ખુરશી નાંખીને કોણ કામ કરી રહ્યા છે તે અંગે તેમનો કશો ખ્યાલ નથી. આવા માણસો અંગેના પુરાવા આપવામાં આવશે તો કાર્યવાહી કરવામાં આવશે.તેઓ કોના ફોલ્ડર છે તે અંગે તપાસ કરીને કાર્યવાહી કરશે અને ભવિષ્યમાં આવા માણસો કચેરીમાં પ્રવેશે નહીં તેની કાળજી રાખશે.
બોક્સ : આરટીઓ અધિકારીનો લૂલો બચાવ ?        પોતાની કચેરીમાં બેઠેલા ફોલ્ડરો બેરોકટોક પૈસા ઉઘરાવતા હોવાના વાયરલ થયેલા વીડિયો પછી પણ આરટીઓ અધિકારી ખાપટે નશીલો ખુલાસો કર્યો છે કે આ બાબતે પુરાવા અપાય તો કાર્યવાહી કરાશે. હકીકતમાં અધિકારીનો આવો જવાબ લૂલો છે અને કોઈને ગળે ઉતરે તેવો નથી. કારણકે વીડિયોમાં જગજાહેર જોવા મળે છે કે ફોલ્ડરો આરટીઓ કચેરીમાં જ બેઠા છે, બગીચામાં નથી બેઠા ! છતાં અધિકારીનો આવો ઉડાવ જવાબ તેમની ફોલ્ડરો સાથે ખૂલ્લી સંડોવણી સાબિત કરતી હોવાનો પ્રજા આક્ષેપ જો તપાસાય તો કૈકના હાંડલા અભડાઈ જવાની શક્યતાને નકારી શકાતી નથી..
રાજકોટ આરટીઓ કચેરીના તમામ ભ્રષ્ટાચારને ખુલ્લા કરવા તૈયારી…..
 રાજકોટની આરટીઓ કચેરીમાં અનેક પ્રકારે ભ્રષ્ટાચાર આચરાઈ રહ્યો છે. સ્ટેપ બાય સ્ટેપ અમારા પ્રતિનિધિ આરટીઓ કચેરીના પ્રત્યેક ભ્રષ્ટાચારને પ્રજા સમક્ષ લાવવા માટે તૈયારી કરી રહ્યો છે. આરટીઓ કચેરીની ટોપ ટુ બોટમ ગેરરિતિ બાબતે અમોએ થોકબંધ પુરાવા એકત્ર કરી લીધા છે. હવે સ્ટેપ બાય સ્ટેપ તે તમામ ભ્રષ્ટાચારની વિગતો પ્રજા વચ્ચે લાવવા માટે અમારા પ્રતિનિધિઓ મક્કમ છે.
હરેશ ભાલીયા જેતપુર

Picsart_22-12-15_14-42-02-086.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *