Gujarat

રાજકોટ આરટીઓ કચેરીમાં ‘ફોલ્ડરો’ ફરી સક્રિય

અધિકારીઓને બેનંબરી ‘જી’ વગર ચાલતુ ન હોય મીડિયાના સ્ટીંગ ઓપરેશન બાદ બંધ કરેલો વહીવટનો ખેલ થોડા દિવસ બાદ ફરીથી ધમધમતો કર્યો: આરટીઓ અધિકારીઓના ‘વર મરો, કન્યા મરો પરંતુ ગોરનું તરભાણુ ભરો’ જેવા વહીવટથી ફરી ફોલ્ડરોને સક્રિય બનાવી દેવાયા
દાયકાઓથી ભ્રષ્ટાચાર માટે કુખ્યાત આરટીઓ તંત્રના વહીવટને સુધારવા માટે અનેક સરકારોને પ્રયત્નો હાથ ધર્યા છે. પરંતુ ભ્રષ્ટ સ્ટાફના કારણે આ તમામ પ્રયાસો નિષ્ફળ રહ્યા હોય તેમ આજેપણ આરટીઓ કચેરીમાં બેનંબરી વહીવટ વગર પ્રજાના સાચા કામો પણ થતા ન હોવાનું જગજાહેર છે. રાજકોટની આરટીઓ કચેરીમાં ભ્રષ્ટ અધિકારીઓએ પોતાના બેનંબરી વહીવટી રકમ વસુલવા માટે ફોલ્ડરોને ખુલ્લો દોર આપી દીધાનું તાજેતરમાં એક મીડિયાએ કરેલા સ્ટીંગ ઓપરેશનમાં ખુલવા પામ્યું છે.
આ સ્ટીંગ ઓપરેશનમાં આરટીઓ કચેરીના બે ઉચ્ચ અધિકારીઓના બે ફોલ્ડરો ખુલ્લેઆમ વહીવટ કરતા કેમેરામાં કેદ થયા હતાં. આરટીઓ અધિકારીની ચેમ્બરની સામે સરકારી ટેબલ-ખુરશી પર પંખા નીચે બેસીને બેનંબરી વહીવટ કરતા આ ખાનગી માણસો એટલે કે ફોલ્ડરો કોના હતાં. તે એજન્ટોની માંડીને આરટીઓ કચેરીના નામામાં નાના કર્મચારીઓ જાણે છે છતાં આરટીઓ અધિકારી કેતન ખપેટે મીડિયાને આપેલા ઈન્ટરવ્યુમાં પોતે આ બાબતે અજાણ હોવાનો દાવો કર્યો હતો.
પરંતુ, આરટીઓ અધિકારી કેતન ખપેટ પોતાની જવાબદારીથી બચવા માટે આપેલા ઉડાઉ જવાબથી ખુદ ફસાઈ ગયા હોય તેવું ચર્ચાઈ રહ્યું છે. જાણવા મળેલી વિગતો મુજબ સ્ટીંગ ઓપરેશન કરનારા મીડિયા કર્મીઓએ આ ફોલ્ડરો કોના હતા ? અને કોની સાથે સતત રહેતા હતાં ? તેનું પણ સ્ટીંગ ઓપરેશન કર્યું છે. જેથી, આગામી સમયમાં કેમેરામાં કેદ થયેલા ફોલ્ડરો મુદ્દે બે ઉચ્ચ અધિકારીઓ ફરતો કાયદાનો ગાળીયો આવે તેવી સંભાવના વ્યકત થઈ રહી છે.
આ સ્ટીંગ ઓપરેશન બાદ આરટીઓ અધિકારીઓએ પોતાની જાતને બચાવવા આ ફોલ્ડરોને એજન્ટો ગણાવી દીધા હતાં. બાદમાં તેમણે મીડિયામાં ચમકેલા મુદ્દાને તમે સુલટાવો કહીં દીધું હતું. તેમના પર દબાણ લાવવા માટે જયાં સુધી મુદ્દો સુલટે નહીં ત્યાં સુધી તેમને કચેરીમાં પ્રવેશ નહીં કરવા અને તેમના કામ નહીં કરવાની સ્ટાફને તાકીદ કરી દીધી હતી. જેની થોડા દિવસો માટે આરટીઓ કચેરીમાં ફોલ્ડરો દેખાતા બંધ થઈ ગયા હતાં. જેની સ્ટાફ સહિત અધિકારીઓના બેનંબરી વહીવટ બંધ થઈ ગયા હતાં.
પરંતુ, જેમ માછલી પાણી વગર રહી શકતી નથી તેમ આરટીઓનો ભ્રષ્ટ સ્ટાફ બેનંબરી આવક વગર રહી શકતો ન હોય કચેરીમાં ફરીથી ફોલ્ડરો વહીવટ લઈને કામ કરતા થઈ ગયા છે. જો કે હાલમાં ફોલ્ડરો પહેલાની જેમ ટોળામાં નહીં પરંતુ, છુટાછવાયા કચેરીની બારીમાંથી કે રૂમમાં જઈને વહીવટની રકમ લઈને એજન્ટોના કામ કરતા થઈ ગયેલા જોવા મળ્યા હતાં.
જેથી આરટીઓ અધિકારી કેતન ખપેટે મીડિયામાં આપેલા ઈન્ટરવ્યુમાં કરેલા દાવાઓ અઠવાડિયામાં પોકળ સાબિત થયા હતાં. આરટીઓ કેતન ખપેટ પણ આ અંગે દુધે ધોયેલા નથી તેવું લોકમુખે ચર્ચાઈ રહ્યું છે. આગામી દિવસોમાં આરટીઓ કચેરીમાં ફરીથી બેફામ બનેલા ફોલ્ડરરાજનો મુદ્દો કોઈના રોટલા અભડાવશે જેવી સ્થિતિ નિર્માણ થવા પામી છે.
બોક્સ—-આરટીઓ કચેરીમાં બેફામ બનેલાં ભ્રષ્ટાચારના ભોરીંગનો ટુંકમાં પર્દાફાશ
રાજકોટ આરટીઓ કચેરીમાં કોઈપણ કામ ભ્રષ્ટ સ્ટાફના બેનંબરી વહીવટ વગર ન થતું હોવાનું જગજાહેર છે. જેની કચેરીમાં બેફામ બનેલા ભ્રષ્ટાચારના ભોરીંગનો આગામી સમયમાં પર્દાફાશ કરવામાં આવશે. કઈ કક્ષાના સ્ટાફનો કેટલો બેનંબરી વહીવટ કઈ પ્રકારની કામગીરી માટે વસુલવામાં આવે છે તેના આધારપુરાવા સાથેની વિગતો રજુ કરીને ભ્રષ્ટા સ્ટાફના કાળા કુકર્મો પ્રજા સમક્ષ ખુલ્લા પાડવામાં આવનારા છે.

IMG_20221220_142827.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *