રાજકોટ
રાજકોટ જિલ્લામાં ૨૦ જગ્યાએ અમૃત સરોવરો તૈયાર કરવામાં આવ્યા છે. આગામી ૧૫મી ઓગસ્ટે આ ૨૦ અમૃત સરોવરો પર ધ્વજવંદન કાર્યક્રમનું આયોજન જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવ્યું છે. આ અમૃત સરોવરોની કામગીરી અને ધ્વજવંદન કાર્યક્રમની તૈયારી અંગે જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આજે સમીક્ષા બેઠક યોજવામાં આવી હતી. જિલ્લા વિકાસ અધિકારી દેવ ચૌધરી અને નિવાસી અધિક કલેક્ટર કેતન ઠક્કરના અધ્યક્ષસ્થાને આ મિટિંગ શરૂ થઈ હતી. જેમાં વિવિધ પ્રાંત અધિકારીઓ, નાયબ જિલ્લા વિકાસ અધિકારી, તાલુકા મામલતદારો તથા તાલુકા વિકાસ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. રાજકોટ જિલ્લામાં ૨૦ અમૃત સરોવર તૈયાર કરાયા તેમાં રાજકોટ તાલુકામાં ૧૧, ધોરાજીમાં ૨, જસદણમાં ૧, પડધરીમાં ૨, ઉપલેટામાં ૧, જેતપુરમાં ૨ અને કોટડાસાંગાણીમાં ૧ અમૃત સરોવરનો સમાવેશ થાય છે. જિલ્લા વિકાસ અધિકારીશ્રી દેવ ચૌધરી અને નિવાસી અધિક કલેક્ટર કેતન ઠક્કરે સૌપ્રથમ આ તમામ સરોવરોની હાલની સ્થિતિનો ઊંડાણપૂર્વકનો તાગ મેળવ્યો હતો. આ સાથે આ સરોવરોને સંલગ્ન બાકીનાં કામો સમયસર પૂર્ણ કરવા અંગે સૌને માર્ગદર્શન આપ્યું હતું. ઉપરાંત આ સરોવર પર થનારો ધ્વજવંદન કાર્યક્રમ ખરા અર્થમાં રાષ્ટ્રભક્તિ જાગરણનું પર્વ બની રહે, તે જાેવા સૌને અપીલ કરી હતી.
