રાજકોટ
રાજકોટ શહેરમાં યુવાધનને બરબાદ કરતા માદક પદાર્થનું ધૂમ વેચાણ થઇ રહ્યું છે, રાજકોટ પોલીસે બે વર્ષમાં ૭૩ સ્થળે દરોડા પાડી ૨.૪૫ કરોડના ડ્રગ્સ સાથે ૧૩૦ લોકોને ઝડપી લીધા હતા. પરંતુ બે વર્ષમાં નશાખોરો સુધી કેટલું ડ્રગ્સ પહોંચ્યું તેની કલ્પના કરવી મુશ્કેલ છે. હજારો યુવકો નશેડી બન્યા છે પણ માત્ર ૩૪ જ ડ્રગ્સની લત છોડવા આગળ આવ્યાનું જાણવા મળ્યું છે. રાજકોટ જિલ્લામાં વીરનગરમાં શિવાનંદ મિશન ખાતે ડ્રગ્સ મુક્તિનું કામ થઇ રહ્યું છે, વિવિધ નશામાં ગરક થયેલા લોકો પોતાની રીતે અથવા તો સરકારી તંત્રની ભલામણ અને કાઉન્સેલિંગથી આ કેન્દ્રમાં આવે છે અને અહીં તેની તમામ પ્રકારની સારવાર કરી નશામુક્ત કરવાનો પ્રયાસ કરવામાં આવે છે. નશામુક્ત ભારતની વાતો થઇ રહી છે પરંતુ સ્થિતિ કંઇક અલગ છે. રાજકોટ શહેરમાં હજારો યુવકો ડ્રગ્સનું સેવન કરી રહ્યા છે. શહેરના જંગલેશ્વર, ઘાંચીવાડ, શિવાજીનગર, કાલાવડ રોડ આવાસ, રૈયાધાર વિસ્તાર, જંક્શન પ્લોટ, લક્ષ્મીનગર, સહિતના વિસ્તારોમાં માદક પદાર્થની પડીકીનું જાહેરમાં વેચાણ થતું હોય છે. રાજકોટ શહેરમાં ડ્રગ્સનો કાળો કારોબાર કરતા તત્વો શાળા-કોલેજના વિદ્યાર્થીઓને પોતાની ચૂંગાલમાં ફસાવી રહ્યા છે. શહેરની કેટલીક ખ્યાતનામ શાળા અને કોલેજના વિદ્યાર્થીઓ ડ્રગ્સની પાર્ટી કરતા હોવાની વાત જગ જાહેર છે, પોલીસે અગાઉ ડ્રગ્સ વેચતા કેટલાક શખસોને પકડ્યા હતા ત્યારે પણ તેઓ ડ્રગ્સની પડીકી વિદ્યાર્થીઓને વેચતા હોવાની કબૂલાત આપી હતી. પોલીસ કમિશનર દ્વારા પણ ડ્રગ્સથી વિદ્યાર્થીઓને બચાવવા અગાઉ શાળા-કોલેજમાં સેમિનાર યોજવામાં આવ્યા હતા.


