Gujarat

રાજકોટ રાજકારણનું એપી સેન્ટર છે ઃ સી.આર.પાટીલ

રાજકોટ
ગુજરાતના હાલના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કડવા પાટીદાર છે. નરેશ પટેલે જ એક નિવેદન આપ્યું હતું કે, ગુજરાતના મુખ્યમંત્રી પાટીદાર હોવા જાેઇએ. આના થોડા સમયમાં મુખ્યમંત્રી પદેથી વિજય રૂપાણીને હટાવી પાટીદારને મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા હતા. બીજી તરફ મુખ્યમંત્રી કડવા પાટીદાર હોવાથી રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં લેઉવા પાટીદારના મતોનું ધ્રુવીકરણ કરવા પાટીલ ખુદ પ્રયાસ કરી રહ્યા હોવાનું માનવામાં આવી રહ્યું છે.પૂર્વ સીએમ વિજ્ય રૂપાણીના રાજમાં રાજકોટનો દબદબો હતો, પરંતુ જ્યારથી વિજય રૂપાણીએ ગુજરાતના મુખ્યમંત્રીપદેથી રાજીનામું આપ્યું છે ત્યારથી તેમના હોમટાઉન રાજકોટમાં ગુજરાત પ્રદેશ ભાજપ-પ્રમુખ સી.આર. પાટીલના સૌરાષ્ટ્રમાં ધક્કા વધ્યા છે, જેનાથી વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી હોવાના સંકેતો જાેવા મળી રહ્યા છે. સૌરાષ્ટ્રના પાટનગર રાજકોટને જાણે રાજકારણનું એપી સેન્ટર બનાવ્યું હોય એમ તેઓ મહિનામાં બેથી ત્રણ ધક્કા ખાઇ રહ્યા છે. સૌરાષ્ટ્રની બેઠકો અંકે કરવા પાટીલે કાઠિયાવાડ ભણી દોટ મૂકી છે. માર્ચ મહિનાની વાત કરીએ તો અગાઉ બે વખત પાટીલ રાજકોટ આવી ચૂક્યા છે. હવે આગામી ૩ એપ્રિલે સૌરાષ્ટ્રના સિદસર મંદિર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને પાટીલની રજતતુલાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો છે. વારંવાર સૌરાષ્ટ્ર અને રાજકોટની મુલાકાતથી પાટીદાર રાજકારણમાં જ ગરમાવો આવ્યો છે. જાન્યુઆરી મહિનાની વાત કરીએ તો ખોડલધામ પાટોત્સવ સમયે પાટીલ અચાનક ખોડલધામ મંદિરે પહોંચ્યા હતા. આ સમયે પાટીદારોને રીઝવવા કાર્યક્રમમાં ન હોવા છતાં પાટીલે ખોડલધામની મુલાકાત લીધી હતી. આ સમયે તેમણે ખોડલધામના ચેરમેન નરેશ પટેલ સાથે મુલાકાત કરી હતી અને પાટોત્સવની તૈયારીઓ નીહાળી હતી. ત્યાર બાદ પાટીદારો દ્વારા આયોજિત સમૂહલગ્નમાં પણ હાજરી આપી હતી. પાટીલ પાટીદારો પર વધારે ઝુકાવ રાખી રહ્યા હોવાની ચર્ચા ઊઠી છે. પાટીલ રાજકોટ આવી પહોંચ્યા હતા. સાગર ગ્રુપ દ્વારા આયોજિત ૧૦૧ દીકરીના સમૂહલગ્નમાં પાટીલે હાજરી આપી હતી. મોટા ભાગે પાટીલ રાજકોટમાં જ વધુ આવી રહ્યા છે. આ સમૂહલગ્નમાં તેની રક્તતુલા પણ કરવામાં આવી હતી. આ સમયે પાટીદાર નેતાઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. રવિવારે પાટીલ રાજકોટ એરપોર્ટ આવ્યા ત્યારે તેમણે મીડિયાને જણાવ્યું હતું કે હવે રાજકોટ વારે વારે આવવું પડશે. આ વાત પરથી સ્પષ્ટ થાય છે કે રાજકોટના રાજકારણમાં ક્યાંક ને ક્યાંક ખૂટતી કડીઓ જાેડવા પાટીલને ધક્કા ખાવા પડી રહ્યા છે તેમજ જ્ઞાતિનાં સમીકરણો પણ જાણવા સૌરાષ્ટ્રમાં ધક્કા વધ્યા છે. છેલ્લા ચાર મહિનાથી ખોડલધામના ચેરમેન અને લેઉવા પટેલ સમાજના આગેવાન નરેશ પટેલ રાજકારણમાં જાેડાશે કે નહીં તેવી અટકળો વહેતી થઇ છે. પરંતુ સુત્રોના જણાવ્યા પ્રમાણે નરેશ પટેલ કોંગ્રેસમાં જાેડાશે અને આ અંગેની જાહેરાત એપ્રિલ મહિનામાં જ કરશે. આથી પાટીલ હવે અન્ય પાટીદારોને રીઝવવા પ્રયાસ કરવા સૌરાષ્ટ્ર, રાજકોટના ધક્કા ખાઇ રહ્યા છે. બ્રહ્મ સમાજ, ક્ષત્રિય સમાજ, કોળી સમાજમાં પ્રવર્તતી નારાજગી દૂર કરવા પ્રયાસો થઇ રહ્યા છે. લેઉવા પાટીદારના આગેવાન નરેશ પટેલ કોંગ્રેસમાં જાય તો કડવા પાટીદારોના મતો અંકે કરવા હવે પાટીલ ખુદ મેદાને ઉતર્યા હોય તેમ રાજકોટના ધક્કા ખાઇ રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *