રાજકોટ
રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ૫૦ જેટલા અધિકારીઓ તેમજ કર્મચારીઓ કોરોના સંક્રમિત થઈ ચૂક્યા છે. તમામ હાલ હોમ આઇસોલેશનમાં છે. એક પણ અધિકારી કે કર્મચારીને હોસ્પિટલાઈઝ કરવા પડ્યા હોય તે પ્રકારની પરિસ્થિતિ નિર્માણ નથી થયું. ૨ દિવસ પહેલા મુખ્ય સચિવની રીવ્યુ બેઠક બાદ સિવિલ હોસ્પિટલમાં ટેસ્ટિંગ માટેનું વધુ એક મશીન કાર્યરત કરવાનો ર્નિણય લેવામાં આવ્યો છે. આ મુદ્દે વધુમાં સિવિલ હોસ્પિટલના સુપરિન્ટેન્ડન્ટએ જણાવ્યું હતું કે, નવું મશીન આગામી એક બે દિવસમાં કાર્યરત કરવામાં આવશે. હાલ રોજના ૩૦૦૦-૩૫૦૦ લોકોના સેમ્પલનું ટેસ્ટિંગ થઈ રહ્યું છે. જેમાં રિપોર્ટ આવતા ૨૪ થી ૪૮ કલાકનો સમય લાગે છે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે, સમય ઘટાડવા અને વધુ રિપોર્ટ થાય તે માટે વધુ એક મશીન કાર્યરત કરાશે. આગામી દિવસોમાં રોજના ૫૫૦૦ થી ૬૦૦૦ સુધીના લોકોના સેમ્પલ ટેસ્ટિંગ કરી શકાશે અને ૬થી ૮ કલાકમાં રિપોર્ટ આપી શકાશે.રાજકોટ સહિત સમગ્ર વિશ્વભરમાં હાલ કોરોના મહામારી કહેર વર્તાવી રહી છે. ત્યારે પ્રથમ લહેરને દ્વિતીય લહેર ની જેમ જ હાલ ત્રીજી લહેરમાં પણ ફ્રન્ટલાઈન વોરિયર્સ કોરોના સંક્રમિત થઈ રહ્યા છે. જેમાં રાજકોટ શહેરના સિવિલ હોસ્પિટલના ૪૫ જેટલા આરોગ્ય લક્ષી સેવા બજાવતા અધિકારીઓ તેમજ કર્મચારીઓ કોરોના સંક્રમિત થયા હોવાનું સામે આવ્યું છે.આ અંગે સિવિલ હોસ્પિટલના સુપરિન્ટેન્ડન્ટ આર. એસ ત્રિવેદીએ જણાવ્યું હતું કે,તમામ હોમ આઇસોલેશનમાં સારવાર લઇ રહ્યા છે.
