અમદાવાદ
અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં એક દિવસમાં બે બ્રેઇન ડેડ વ્યક્તિઓના અંગદાન થયા છે. જેના થકી સાત વ્યક્તિઓને નવજીવન મળ્યું અને વર્ષોની પીડાનો અંત આવ્યો છે. બે અંગદાતાઓમાંથી ૨૦ વર્ષીય બ્રેઇનડેડ પુરણસિંહ પરમારના હૃદય, બે કિડની અને એક લીવરનું દાન મળ્યું છે. રાજસ્થાનના પુરણસિંહ પરમારનું હૃદય હવે જામનગરના ૧૪ વર્ષીય બાળકમાં ધબકશે. રીટ્રાઇવલ બાદ અંગદાનમાં મળેલ હૃદયને ગ્રીનકોરિડોર મારફતે ૧૧ કિ.મી. દૂર સીમ્સ હોસ્પિટલમાં ગણતરીની મીનિટોમાં પહોંચાડવામાં આવ્યું. સિમ્સના તબીબ ડૉ. ધીરેન શાહ અને તેમની ટીમ દ્વારા માત્ર ૩ કલાકમાં ૧૪ વર્ષીય બાળકમાં હૃદયનું સફળતાપૂર્વક પ્રત્યારોપણ કરીને બાળકને વર્ષોની પીડામાંથી ઉગારવામાં આવ્યો. પુરણસિંહને ૧૩મી માર્ચે માર્ગ અકસ્માતમાં ગંભીર ઇજા થતા સધન સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. સારવાર દરમિયાન તેઓ બ્રેઇનડેડ જાહેર થયા હતા. સિવિલ હોસ્પિટલ એસઓટીટીઓની ટીમના ડૉ. સંજય સોલંકી અને તેમની ટીમ દ્વારા પરિવારજનોની કાઉન્સેલીંગ પ્રક્રિયા હાથ ધરવામાં આવી. પરિવારજનોને અંગદાન અંગેની સમજ આપવામાં આવતા અને અન્ય કિસ્સાઓ તેમના સમક્ષ દર્શાવાતા પરિવારે અંગદાન માટેની સંમતિ આપી હતી. અંગોના રીટ્રાઇવલ માટે સિવિલના તબીબ ડૉ. નિલેશ અને ડૉ. પુંજીકાએ સમગ્ર પ્રક્રિયા હાથ ધરી હતી. રીટ્રાઇવલથી હૃદય પ્રત્યારોપણની ૧૨ થી ૧૪ કલાકની ભારે જહેમત બાદ આખરે ૧૪ વર્ષના બાળકની વર્ષોની પીડાનો અંત આવ્યો. હવે બાળકના શરીરમાં ખામી વાળુ નહીં પરંતુ ૨૦ વર્ષીય યુવકનું હૃદય ધબકતું થયું. અન્ય અંગદાનની વિગતોમાં ભાવનગરનાં ૫૫ વર્ષીય જીકુબેન સોલંકીને પણ માર્ગ અકસ્માતમાં માથાના ભાગમાં ગંભીર ઇજા થયા બાદ સારવાર દરમિયાન બ્રેઇનડેડ જાહેર કરાયા હતા. જીકુબેનના બે કિડની અને એક લીવરના દાન મેળવવામાં સફળતા મળી છે. જેને અમદાવાદ સિવિલ મેડિસીટીની કિડની ઇન્સ્ટીટ્યુટમાં જરૂરિયાતમંદ દર્દીનને પ્રત્યારોપણ કરવામાં આવ્યું છે. દર્દી જ્યારે બ્રેઇનડેડ થાય ત્યાંથી લઇ પ્રત્યારોપણની પ્રક્રિયા અને કામગીરી અત્યંત સંવેદનશીલ હોય છે. અંગદાન અને પ્રત્યારોપણની તબક્કાવારની આ પ્રક્રિયાની સાંકળમાં એક પણ કડી તૂટે તો સમગ્ર મહેનત એડે જવાની સંભાવનાઓ પ્રબળ રહેલી હોય છે. પરંતુ સિવિલ હોસ્પિટલની એસઓટીટીઓની ટીમ દ્વારા છેલ્લા ૧૪ મહિનાથી આથાગ પરિશ્રમ અને સખથ મહેનત કરીને શ્રેષ્ઠ કામગીરી કરવામાં આવી રહી છે. જેના પગલે જ અત્યાર સુધીમાં ૧૨૯ અંગોનું ૧૧૩ દર્દીઓમાં પ્રત્યારોપણ કરીને પીડીતોના જીવનમાં ઉજાસ પાથરવામાં સફળતા મળી છે.
