મંત્રીશ્રીએ જિલ્લામાં અમલી મહિલા અને બાળ કલ્યાણને લગતી વિવિધ યોજનાઓની સમીક્ષા કરી જરૂરી માર્ગદર્શન પુરૂં પાડ્યું
જામનગર, તા.૧, મહિલા અને બાળ વિકાસ, સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગના રાજ્યમંત્રી શ્રીમતી મનીષાબેન વકીલના અધ્યક્ષસ્થાને મહિલા અને બાળ વિકાસ, સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગની વિવિધ યોજનાઓની કામગીરીની સમીક્ષા બેઠક કલેકટર કચેરી, જામનગર ખાતે યોજાઈ હતી.
આ બેઠકમાં રાજ્યમંત્રી શ્રીમતી મનીષાબેન વકીલે જામનગર વહીવટ તંત્ર તરફથી રાજ્ય સરકાર દ્વારા ચાલતી મહિલા અને બાળ કલ્યાણને લગતી વિવિધ યોજનાઓ અને પ્રવૃતિઓ જેમ કે સગર્ભા માતાઓ અને કિશોરીઓ માટે રેગ્યુલર હિમોગ્લોબીન ચેકઅપ, મમતા દિવસની ઉજવણી, પા પા પગલી યોજના, આંગણવાડીઓમાં ૩ થી ૬ વર્ષના બાળકોને આપવામાં આવતું થીમ બેઝડ પ્રાથમિક શિક્ષણ, કુપોષિત બાળકો માટે પોષણ કીટનું વિતરણ, આંગણવાડીઓ દ્વારા ચાલતી હ્યુમન રિસોર્સ મેનેજમેન્ટ સિસ્ટમ, બેટી બચાવો બેટી પઢાવો યોજના, દીકરીના જન્મ સમયે વધામણાં, સાફલ્ય ગાથા, વહાલી દીકરી યોજના, ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના, ગંગા સ્વરૂપા પુનઃ લગ્ન યોજના જેવી વિવિધ યોજનાઓ વિશે ચર્ચા વિચારણા કરી હતી તેમજ લગત અધિકારીશ્રીઓને જરૂરી સૂચનો આપ્યા હતા.
આ સમીક્ષા બેઠકમાં મેયર શ્રીમતી બીનાબેન કોઠારી, જિલ્લા કલેકટર શ્રી ડૉ. સૌરભ પારઘી, કમિશ્નર શ્રી વિજય ખરાડી, જિલ્લા વિકાસ અધિકારી શ્રી મિહિર પટેલ, અધિક નિવાસી કલેક્ટર શ્રી મિતેશ પંડયા, મહિલા અને બાળ વિકાસ અધિકારી શ્રી ડૉ. ચંદ્રેશ ભાંભી, અનુસૂચિત જાતિ કલ્યાણ નાયબ નિયામક શ્રી ડૉ. ઘનશ્યામ વાઘેલા, આઇ.સી.ડી.એસ. પ્રાદેશિક નાયબ નિયામક શ્રી અંકુરબેન વૈદ્ય, જિલ્લા પંચાયત આઇ.સી.ડી.એસ. પ્રોગ્રામ ઓફિસર શ્રી બિનલબેન સુથાર, જામનગર મ્યુનિસિપલ કોર્પોરેશન આઇ.સી.ડી.એસ. પ્રોગ્રામ ઓફિસર શ્રી ડૉ. ગૌરીબેન, દહેજ પ્રતિબંધક અધિકારી (ગ્રામ્ય) શ્રી હંસાબેન, દહેજ પ્રતિબંધક અધિકારી (શહેર) શ્રી સોનલબેન, જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી શ્રી ડૉ. પ્રાર્થનાબેન, આંગણવાડીના બહેનો તેમજ અન્ય અધિકારીશ્રીઓ હાજર રહયા હતા.


