Gujarat

રાજ્યમાં લઠ્ઠાકાંડ બાદ વડોદરાના ગોરવામાં દારૂના અડ્ડે જનતા રેડ કરવામાં આવી

વડોદરા
સમગ્ર ગુજરાતમાં બોટાદ જિલ્લામાં સર્જાયેલા લઠ્ઠાકાંડે હાહાકાર મચાવી મુક્યો છે. ગુજરાત સરકારના દારૂબંધીના ધજાગરા ઉડી ગયા છે. લઠ્ઠાકાંડ સર્જાયા બાદ વડોદરા શહેર-જિલ્લા પોલીસ પણ એકશનમાં આવી ગયું છે. અને તેઓના પોલીસ મથક વિસ્તારમાં ચાલી રહેલા નાના-મોટા દેશી દારૂના અડ્ડાઓ ઉપર રેડ પાડવાની શરૂઆત કરી બે દિવસમાં ૨૦૦ જેટલા કેસ દાખલ કર્યા છે. અને હજુ પણ આ કામગીરી ચાલી રહી છે. ત્યારે વડોદરા શહેરના ગોરવા વિસ્તારમાં બે સ્કૂલો પાસે લઠ્ઠાકાંડ પછી પણ ખૂલ્લેઆમ દેશી દારૂ વેચી રહેલી બે મહિલા બુટલેગરોની ત્યાં સ્થાનિક લોકોએ રેડ કરતા નાસભાગ મચી ગઇ હતી. ગોરવા પોલીસ મથકની હદમાં આવેલી બે સ્કૂલો પાસે મહિલા બુટલેગરો દ્વારા વેચવામાં આવી રહેલા દેશી દારૂના અડ્ડા ઉપર લોકોએ રેડ કરી હોવાની જાણ ગોરવા પોલીસને થતાં પોલીસ એકશનમાં આવી ગઇ હતી. અને મહિલા બુટલેગરો સામે કાર્યાવાહી હાથ ધરી હોવાનું જાણવા મળ્યું હતું. બનેલા આ બનાવે વિસ્તારમાં ભારે ચકચાર જગાવી મુકી હતી. તે સાથે દેશી દારૂનું વેચાણ કરનાર બુટલેગરોમાં પણ ફફડાટ વ્યાપી ગયો હતો. ગોરવા વિસ્તારમાં દેશી દારૂના અડ્ડા ઉપર પડેલી જનતા રેડ અંગે ગોરવા પોલીસ મથકના પી.આઇ. એચ.ડી. તુવરનો સંપર્ક સાધવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. પરંતુ, થઇ શક્યો ન હતો.બોટાદ જિલ્લામાં સર્જાયેલા લઠ્ઠાકાંડ બાદ વડોદરા શહેર-જિલ્લા પોલીસે પોતાના વિસ્તારમાં ચાલતા દેશી-વિદેશી દારૂના અડ્ડાઓ ઉપર દરોડા પાડવાની કામગીરી ચાલુ કરી છે. જેમાં ખાસ કરીને નાના-મોટા દેશી દારૂના વેચાણ કેન્દ્રો તેમજ સપ્લાયરોની ત્યાં દરોડા પાડવાની કામગીરી ત્રીજા દિવસે પણ ચાલુ રાખી હતી. આમ છતાં, જ્યાં પોલીસ પહોંચી નથી શકી ત્યાં સ્થાનિક લોકોએ રેડ પાડી દેશી દારૂનો ધંધો બંધ કરાવવવાની શરૂઆત કરી છે. ગોરવા વિસ્તારમાં ચાલતા દેશી દારૂના અડ્ડા ઉપર સ્થાનિક લોકોએ રેડ પાડતા નાસભાગ મચી ગઇ હતી. મહિલા બુટલેગરો દેશી દારૂની પોટલીઓ ખૂલ્લેઆમ વેચતી હોવાનો વિડીયો સોશ્યલ મિડીયામાં વાયરલ થતા પોલીસ એકશનમાં આવી હતી.

File-01-Page-11.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *