ઊનાના સૈયદ રાજપરા શાળામાં ધો.૧થી ૮માં ૧૩૦૦ છાત્રો વચ્ચે ૩૨ શિક્ષકોના મહેકમ વચ્ચે માત્ર ૧૫ શિક્ષકો, ૧૬ ની ઘટ..
રાજ્યની પ્રા.શાળામાં ૧૯૦૦૦ થી પણ વધારે વિદ્યાસહાયકોની જગ્યા ખાલી પડી હોવા છતાં માત્ર ૩૩૦૦ની ભરતીની જાહેરાત કરી હતી.
ઊનાના સૈયદ રાજપરા ગામની પ્રા.શાળામાં ધો.૧ થથી ૮ માં ૧૩૦૦ જેટલા છાત્રો અભ્યાસ કરી રહ્યા છે. આ શાળાના મહેકમ મુજબ ૩૨ શિક્ષકો હોવા જોઇએ. તેની સામે માત્ર ૧૫ શિક્ષકો ફરજ બજાવે છે. જેની સામે ૧૬ શિક્ષકોની ઘટ હોય આ પ્રા.શાળામાં શિક્ષકોની ઘટ છેલ્લા ઘણા લાંબા સમયથી હોય જેની સીધી ગંભીર અસર છાત્રોના અભ્યાસ પર પડી રહી છે. શિક્ષકોની ઘટ હોવાથી અગાઉ અનેકવાર રજુઆતો કરી શિક્ષકોની ભરતી કરવા માંગ કરેલ પરંતુ આજસુધી શિક્ષકોની ઘટ પુરી કરવામાં આવેલ નથી. જોકે કોરોનાની મહામામરીના કારણે સૈથી મોટી અસર છાત્રોના શિક્ષણ પર પડી હોય અને વર્તમાન સમયમાં શાળાઓમાં શિક્ષકોની ઘટના લીધે બાળકોનું શિક્ષણ અધ્ધરતાલ બની ગયેલ છે.
હાલમાં તા. ૨૬ જાન્યુ.૨૦૨૨ના શિક્ષણ મંત્રી જીતુભાઇ વાઘાણી દ્રારા ૩૩૦૦ વિદ્યાસહાયકની ભરતીની જાહેરાત કરવામાં આવેલ જે કુલ ખાલી જગ્યાની ખુબજ ઓછી જગ્યા છે. રાજ્યની પ્રા.શાળામાં ૧૯૦૦૦ થી પણ વધારે વિદ્યાસહાયકોની જગ્યા ખાલી છે. ત્યારે આર ટી ઇ એક્ટના નિયમ મુજબ કુલ ખાલી જગ્યાના ૬૦ ટકા પ્રમાણે ૧૨૫૦૦ અથવા સરકારના ભરતી કેલેન્ડર મુજબ દર વર્ષની ૩૩૦૦ ની એમ ચાર વર્ષની ભરતી કરવામાં આવે તેવી યોગ્ય નિરાકરણ લાવવાની માંગ સાથે ગ્રામ પંચાયત સરપંચ ભરતભાઇ કામળીયાએ રાજ્યના મુખ્યમંત્રીને લેખિત રજુઆત કરી છે. જેથી સરકારી શાળામાં ભણતા બાળકોને ગુણવતાયુક્ત શિક્ષણ મળે અને ટેટ પાસ બેરોજગાર યુવાનોને રોજગારી મળી રહે તેવી હેતુ સાથે વિદ્યાસહાયકની ભરતીની જગ્યાઓમાં તાત્કાલીક વધારો કરવા માંગણી કરી હતી.
