વિસનગર
વિસનગર તાલુકાના તરભ ગામે આવેલ સમસ્ત માલધારી સમાજનું આસ્થાનું પ્રતીક વાળીનાથ ધામમાં મંદિરના વિકાસ માટે રાજ્ય સરકારે ગ્રાન્ટની ફાળવણી કરી છે. જેમાં ઐતિહાસિક ૯૦૦ વર્ષ જૂના રબારી સમાજની ગુરુ ગાદી વાળીનાથ ધામના નવીન મંદિરના વિકાસ અને જીણોદ્વાર માટે રૂ.૫.૩૨ કરોડની ફાળવણી કરી હોવાની જાહેરાત કરવામાં આવી છે. વિસનગર તાલુકાના તરભ ગામે આવેલ વાળીનાથ અખાડા ધામ ખાતે ભગવાન વાળીનાથના ભવ્યાતિભવ્ય મંદિરનુ નિર્માણ થવા જઈ રહ્યું છે. વાળીનાથ મંદિરનો ઇતિહાસ ૯૦૦ વર્ષ જૂનો છે. જેમાં આ મંદિરના વિકાસ માટે રાજ્ય સરકાર દ્વારા સમસ્ત રબારી માલધારી સમાજની ગુરુ ગાદી ગણાતી વાળીનાથ ધામ ગ્રાન્ટની ફાળવણી કરી છે. વાળીનાથ ધામમાં સમસ્ત રબારી માલધારી સમાજ ભગવાન વાળીનાથની પૂજા અર્ચના કરે છે. મંદિરના જીણોદ્વાર માટે રાજ્ય સરકાર દ્વારા ઐતિહાસિક ર્નિણય લઈ ૫ કરોડ ૩૨ લાખ ૧૬ હજારની ગ્રાન્ટની ફાળવણી કરવામાં આવી છે. મળતી માહિતી પ્રમાણે મંદિરના વિકાસમાં આ ગ્રાન્ટમાંથી વાળીનાથ મહાદેવ મંદિરમાં કમ્પાઉન્ડ વોલ, રોડ, યાત્રી સુવિધા શેડ, શૌચાલય, પાર્કિંગ વ્યવસ્થા જેવી વિવિધ સુવિધાઓ વિકસાવવામાં આવશે.


