Gujarat

રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમનો લાભ મળતા પાંચ વર્ષનો કાર્તિક ઈશ્ચેમીક હાર્ટ ડિસીસથી સ્વસ્થ થયો..વેરાવળના શ્રમિક પુત્રને યોગ્ય તબીબી સલાહ અને માર્ગદર્શન મળતા નવજીવન મળ્યું

   ગિરગઢડા
   ભરત ગંગદેવ..
 રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમનો લાભ મળતા વેરાવળના પાંચ વર્ષનો કાર્તિક ઈશ્ચેમીક હાર્ટ ડિસીસથી એકદમ સ્વસ્થ થયો છે. એક હજારે ૮ થી ૧૦ બાળકોમાં જોવા મળતી આ બિમારીને સરળ ભાષામાં હ્યદયમાં કાણુ હોવા તરીકે પણ ઓળખવામાં આવે છે. જેના લીધે લોહીના શુદ્ધીકરણની પ્રક્રિયામાં વિક્ષેપ ઉભો થાય છે.
વેરાવળના ભીડિયા ખાતે રહેતા અને માછીમારી સંલગ્ન મજૂર કામ કરી પોતાનુ ગુજરાન ચલાવતા કાર્તિકના પિતા જેન્તીભાઈ દારિયા કહે છે કે, સરકારશ્રી તરફથી મળેલી સારવારથી  મારા પુત્રને નવજીવન મળ્યું છે. મારા પુત્રના જન્મના પ્રારંભિક સમયમાં જ આ ગંભીર કહી શકાય તેવી બિમારનુ નિદાન થઈ શક્યું. એ પણ ઘર બેઠા ડોક્ટરની સેવાનો લાભ મળ્યો હતો. અમારા વિસ્તારની આંગણવાડીની મુલાકાતે આવેલા તબીબોએ તપાસ કરતાં સિવિલ હોસ્પિટલના બાળકોના સ્પેશ્યાલિસ્ટ ડોક્ટરને વધુ તપાસ માટે જણાવ્યું. જેથી યોગ્ય અને સમયસર નિદાન થતા અને જરૂરી પ્રક્રિયા પૂર્ણ કરીને અમદાવાદની યુ.એન. મહેતા સિવિલ હોસ્પિટલમાં ઓપરેશન કરવામાં આવ્યું. ત્યાર બાદ દોઢ વર્ષના સમયગાળા બાદ વધુ એક ઓપરેશન કરવામાં આવ્યું. આમ, બન્ને ઓપરેશન સફળતાપૂર્વક થવાથી કાર્તિક એકદમ સ્વસ્થ થઈ ગયો છે. કદાચ મજૂર કામ કરીને મારા પુત્ર ઓપરેશન ન કરાવી શક્યો હોત પરંતુ સરકાર તરફથી આ તબીબી સેવાનો લાભ મળતા મારા દિકરાને નવજીવન મળ્યું હોવાનુ જણાવ્યું હતું.
વેરાવળ તાલુકા હેલ્થ ઓફિસના આયુષ મેડિકલ ઓફિસર ડો. બ્રિજેશ સોલંકીએ જણાવ્યું કે, નિયમિતપણે રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ હેઠળ આંગણવાડીની મુલાકાત લેવામાં આવતી હોય છે. આ દરમિયાન તાજેતરમાં નવજાત શીશુ સહિતના બાળકોના સ્વાસ્થ્ય પર દેખરેખ રાખવામાં આવતી હોય છે. જે દરમિયાન જ કાર્તિકની તપાસ કરતા તેના હ્યદયના ધબકારા અનિયમિત જોવા મળ્યાં. તેને ધ્યાનમાં રાખીને વધુ તપાસ અર્થે સિવિલ હોસ્પિટલના પિડિયાટ્રીસ્યને રિફર કરવામાં આવ્યાં. આમ, તમામ તપાસના આધારે ઈશ્ચેમીક હાર્ટ ડિસીસ હોવાનુ સામે આવ્યું હતું. જેથી ઓપરેશન જરૂરી હોવાથી સંદર્ભ કાર્ડ ભરવા સહિતની પ્રક્રિયા પૂર્ણ કરી દેવામાં આવી.
સામાન્ય રીતે આ બિમારી જન્મજાત જોવા મળતી હોય છે. ગર્ભવસ્થા દરમિયાન યોગ્ય વિકાસ ન થવાના પગલે આ પ્રકારની બિમારી જોવા મળતી હોય છે. બાળકના જન્મ બાદ કાર્બન ડાયોક્સાઈડ અને ઓક્સિજન અલગ કરવાની પ્રક્રિયા હ્યદયમાં કાણુ હોવાની કારણે શક્ય બનતી નથી. સરળ ભાષામાં કહીએ તો સારૂ અને ખરાબ લોહી મિક્સ થઈ જતુ હોય છે. આ બિમારીનુ ઓપરેશન પણ ખૂબ ખર્ચાળ હોય છે. લગભગ એક ઓપરેશન માટે પાંચ લાખ રૂપિયાનો ખર્ચ થયો હોય છે. ત્યારે રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ હેઠળ ઓપરેશન વિનામૂલ્ય કરી આપવાની સાથે દવા ઉપરાંત આવવા-જવાનુ ભાડું પણ ચૂકવવામાં આવે છે. સરકારશ્રીના આ કાર્યક્રમનથી અનેક બાળકોને નવજીવન મળ્યું છે. તેમ આયુષ ઓફિસર ડો. સોલંકીએ જણાવ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *