શ્રી સોરઠિયા પ્રજાપતિ સોશિયલ ગૃપ દ્વારા છેલ્લા ૭ વર્ષથી સફળતાપૂર્વક નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવે છે. આ વર્ષે શહેરના ખલીલપુર રોડ, જીનીયસ સ્કુલની સામેના ખોડલ ફાર્મ ખાતે પ્રજાપતિ સમાજ માટે શ્રી શ્રીબાઇ નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં નવરાત્રીના ચોથા નોરતે જૂનાગઢના સાંસદ શ્રી રાજેશભાઇ ચુડાસમા, મહાનગરપાલિકાના સ્ટેડિંગ કમિટીના ચેરમેન શ્રી હરેશભાઇ પરસાણા, શહેર ભાજપ પ્રમુખ શ્રી પુનિતભાઈ શર્મા, સંજયભાઇ મણવર સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહી ખેલૈયાઓનો ઉત્સાહ વધાર્યો હતો.
આ મહાનુભાવોએ સોરઠિયા પ્રજાપતિ સોશ્યલ ગૃપના પ્રમુખશ્રી વિનોદભાઇ ચાંડેગરા, કન્વીનર શ્રી સંજયભાઇ બુહેચા, મેનેજીંગ ટ્રસ્ટીશ્રી લલિતભાઇ વરૂ, મહામંત્રી ભાવેશભાઈ ખોલિયા સહિતનાઓએ નવરાત્રી મહોત્સવના આયોજન માટે ઉઠાવેલી જહેમત અને કામગીરીને બિરદાવી હતી.
સોરઠિયા પ્રજાપતિ સોશ્યલ ગૃપના પ્રમુખ શ્રી વિનોદભાઇ ચાંડેગરાએ જણાવ્યું હતું કે, છેલ્લા ૭ વર્ષથી સોરઠિયા પ્રજાપતિ સોશિયલ ગૃપ જૂનાગઢ દ્વારા ખોડલ ફાર્મમાં પ્રજાપતિ સમાજ માટે શ્રી શ્રીબાઇ નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવે છે. આ વર્ષે પણ ઉત્સાહ અને ઉમંગથી તા.૨૬ સપ્ટેમ્બરથી ૫ ઓક્ટોબર સુધી રાત્રીના ૮ થી ૧૨ વાગ્યા સુધી નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, આ નવરાત્રીમાં પ્રજાપતિ સમાજના લોકોને વિના મૂલ્યે પ્રવેશ આપવામાં આવે છે. ખેલૈયાઓ ભાતીગળ પહેરવેશ સાથે રાસની રમઝટ બોલાવે છે. જેના માટે નિરીક્ષકો પણ રાખવામાં આવ્યા છે. અને સારૂ રમનાર ખેલૈયાઓને દરરોજ ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવે છે. તેમજ નવરાત્રી રાસ પૂર્ણ થયા બાદ દાતાઓના સહયોગથી તમામને વિના મૂલ્યે નાસ્તો આપવામાં આવે છે.
આ નવરાત્રી મહોત્સવને સફળ બનાવવા સોરઠિયા પ્રજાપતિ સોશ્યલ ગૃપના, ભગવાનજીભાઇ વાળા, સંદીપભાઇ રાઠોડ, રસિકભાઇ નૈના, રાકેશભાઇ ગાધેર, ભાર્ગવભાઇ વેગડ, મહેન્દ્રભાઇ ભરડવા, ભરતભાઇ જાદવ, રાહુલભાઇ રાવત, રાજુભાઇ જાદવ, વિપુલભાઇ માળવિયા, જયસુખભાઇ જાદવ, લલિતભાઇ ચાંડેગરા, ભાવેશભાઇ વેગડ, જશનભાઇ ચાંડેગરા, વિપુલભાઇ રાવત અને પાર્થભાઇ વાઢેર સહિતના જહેમત ઉઠાવી રહ્યા છે.


