અમદાવાદ
આજે કોંગ્રેસે ગુજરાતની ચૂંટણી માટેનું રણશિંગુ ફૂંકી દીધુ છે. આજે રાહુલ ગાંધીએ અમદાવાદના રિવરફ્રન્ટ પર પરિવર્તન સંકલ્પ સંમેલનમાં હાજરી આપી હતી. જેમાં કોંગ્રેસના કાર્યકર્તાઓને સંબોધન કરતા ભાજપ પર અનેક પ્રહારો કર્યા હતા. રાહુલ ગાંધીએ સંબોધનમાં ભાજપને આડે હાથે લેતા જણાવ્યુ કે, ભાજપે સરદાર પટેલની સૌથી મોટી મૂર્તિ બનાવી. સરદાર પટેલ માત્ર વ્યક્તિ જ નહીં પરંતુ તે ગુજરાત અને હિન્દુસ્તાનના ખેડૂતોનો અવાજ હતા. જાે તમે સરદાર પટેલજીના ભાષણો સાંભળશો કે વાંચશો તો તેમણે ખેડૂતો વિરુદ્ધ કાંઇ નથી કહ્યુ. ભાજપ એક તરફ સરદાર પટેલની દુનિયામાં સૌથી મોટી મૂર્તિ બનાવી દે છે તો બીજી બાજુ તેમને જે માટે કામ કર્યું તેમની વિરુદ્ધમાં આખો સમય કામ કરે છે. આ ઉપરાંત, સંબોધનમાં પૂર્વ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ગુજરાતની જનતાને ૮ વચનો આપ્યા છે. ટિ્વટર પર ગુજરાત કોંગ્રેસ દ્વારા આ અંગે ટિ્વટ પણ કર્યું છે. જેમાં તેમણે કહ્યું છે કે, ‘અમારા વાયદા હવે બનશે કાયદા. ગુજરાતની પ્રજાની ખુશહાલી માટે પહેલા પણ કોંગ્રેસની સરકારે જ કામ કર્યું હતું અને ૨૦૨૨માં સરકાર બન્યા પછી કોંગ્રેસની સરકાર જ કરશે.’ શું તમે વિચારી શકો કે રાહુલ ગાંધીની ગુજરાતની જનતાને આપેલા વાયદા શું આપ્યા હોય સૌપ્રથમ તો ગુજરાતના પશુપાલકોને પ્રતિ લીટર દૂધ પર ૫ રૂપિયા સબસિડી આપીશું. અને બીજાે વાયદો કોંગ્રેસની સરકાર બનતા જ ગુજરાતમાં ૫૦૦ રૂપિયામાં રાંધણ ગેસનો બાટલો આપીશું. ત્રીજાે વાયદો એ કે ભાજપે હજારો શાળાઓ બંધ કરી પરંતુ અમારી સરકાર બનતા જ ગુજરાતમાં ૩૦૦૦ જેટલી અંગ્રેજી માધ્યમની સરકારી શાળાઓ બનાવીશું. ચોથો વાયદો એ કે કોરોનાકાળમાં મૃત્યુ પામેલા લોકોના પરિવારજનોને કોંગ્રેસની સરકાર ચાર લાખ રૂપિયા વળતર આપશે. પાંચમો વાયદો એ કે ગુજરાત મોડલમાં ઉદ્યોગપતિઓને જમીનો તરત જ મળી જાય છે પરંતુ ખેડૂતોને જમીન મળતી નથી. ગુજરાત મોડેલ બે-ત્રણ ઉદ્યોગપતિઓનું મોડલ છે. અને છઠો વાયદો એ કે કોંગ્રેસની સરકાર બનતા જ ગુજરાતના બેરોજગાર યુવાનો માટે દસ લાખ સરકારી નોકરીની ભરતી કરીશું અને બેરોજગાર યુવાનોને ૩૦૦૦ રૂપિયા બેરોજગારી ભથ્થું આપીશું અને સાતમો વાયદો એ કે ગુજરાતના નાગરિકોને ૧૦ લાખ સુધી સારવાર મફત આપીશું અને છેલ્લો અને આઠમો વાયદો એ કે છેલ્લા ૨૭ વર્ષમાં થયેલા તમામ ભ્રષ્ટાચારોની તપાસ કરીને ભ્રષ્ટાચારીઓને જેલમાં ધકેલીશું આ પ્રકારે ના વાયદા આપ્યા.

