Gujarat

રિક્ષા ગેંગે એનઆરઆઇ મહિલાના પર્સમાંથી રૂ.૯.૪૦ લાખની મતા સેરવી લીધાની ફરિયાદ નોંધાઇ

રાજકોટ
શહેરમાં કળા કરતી રિક્ષા ગેંગે એનઆરઆઇ મહિલાને નિશાન બનાવી પર્સમાં રહેલી રૂ.૯.૪૦ લાખની મતા સેરવી લીધાની ફરિયાદ નોંધાઇ છે. ઇ-મેલના માધ્યથી કેનેડા રહેતી શિલ્પાબેન ભદ્રેશભાઇ માણેક નામની મહિલાએ રાજકોટ તાલુકા પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદ મુજબ, તે પતિ અને પુત્રી સાથે દિવાળીના તહેવાર પર ફરવા માટે મુંબઇ આવ્યા હતા. બાદમાં કેરળ ફરીને વીરપુર સહિતના ધાર્મિક સ્થળોએ દર્શન કરવા હોય તા.૧૬-૧૦ના રાજકોટ આવ્યા હતા અને કાલાવડ રોડ, હરિપર ગામ પાસે આવેલી નિરાલી રિસોર્ટમાં ઉતર્યા હતા. વીરપુર દર્શન કરીને પરત રાજકોટ આવ્યા બાદ અમારે તા.૧૯-૧૦ની રાતે મુંબઇ પરત જવાની ટ્રેન હોય તે દિવસે બપોરે પોતે એકલી સિટીમાં ખરીદી કરવા નીકળી હતી. હોટેલથી રોડ પર આવી એક રિક્ષાને ઊભી રાખી હતી. જે રિક્ષામાં અગાઉથી બે મહિલા મોઢે રૂમાલ બાંધેલી બેઠી હતી. રિક્ષામાં બેસ્યા બાદ ચાલકને પરાબજાર જવું હોવાની વાત કરતા તેને આગળથી બીજી રિક્ષામાં જવું પડશે તેમ કહ્યું હતું. ત્યાર બાદ બાજુમાં બેઠેલી મહિલાએ તેના હાથમાં રહેલો રૂમાલ ફેરવવા લાગી હતી. જેને કારણે તે બેશુદ્ધ જેવી થઇ ગઇ હતી. થોડી વાર પછી ચાલકે તમારું સ્ટોપ આવી ગયું તેમ સંભળાતા પોતે અર્ધ બેભાન જેવી હાલતમાં રિક્ષામાંથી ઉતરી પર્સના સાઇડના પોકેટમાંથી ભાડાના પૈસા આપ્યા હતા. બાદમાં પરાબજાર જવા માટે અન્ય રિક્ષા કરી પોતે ત્યાં પહોંચી હતી.જ્યાં ભાડાના પૈસા દેવા પર્સ ખોલતા અંદર રાખેલી ઘડિયાળ, રિયલ ડાયમંડની રિંગ, કાનની બૂટી, પેન્ડલ, મંગળસૂત્ર, બ્રેસલેટ, ચેઇન મળી કુલ રૂ.૯.૪૦ લાખની કિંમતના સોનાના ઘરેણાં જાેવા મળ્યા ન હતા. જેથી પોતે તુરંત રિક્ષા કરી તાલુકા પોલીસ મથક જઇ બનાવની લેખિતમાં જાણ કરી હતી. રાતે મુંબઇ જવાની ટ્રેન હોય પોલીસમાં જાણ કરી પોતે હોટેલ આવી બનાવની પતિને વાત કરી હતી. બાદમાં રાતે મુંબઇ જવા નીકળી ગયા હતા. અને મુંબઇથી બીજા દિવસે પરત કેનેડા ફર્યા હતા. રાજકોટમાં ઉતાવળ હોવાને કારણે માત્ર લેખિત જાણ કરી હોય કેનેડા પહોંચીને ઇ-મેલથી પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. એનઆરઆઇ મહિલાની ફરિયાદ નોંધી તાલુકા પોલીસ મથકના પીઆઇ એમ.આર.ગોંડલિયાએ તપાસ હાથ ધરી છે.

File-01-Page-26.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *