૧૭.૪૦ કી.મી. લાંબા આ માર્ગ નિર્માણથી બુટાવદરથી મોટી પાનેલી જતા રાહદારીઓની સુવિધામાં ઉમેરો થશે
જામનગર તા.૧૯ ફેબ્રુઆરી, જામજોધપુર તાલુકાના બુટાવદર-સંગ ચિરોડા-મોટી ભરડ-કલ્યાણપુર-શેઠ વડાળા રોડનું કૃષિમંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલે કલ્યાણપુર ખાતે ખાતમુર્હત કર્યું હતું. મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના અંતર્ગત ૧૭.૪૦ કિ.મી. ની લંબાઇ ધરાવતો આ માર્ગ ૧૫૭.૪૮ લાખના ખર્ચે નિર્માણ થનાર છે. આ રોડના નિર્માણ થકી બુટાવદરથી મોટી પાનેલી જતા રાહદારીઓની સુવિધામાં ઉમેરો થશે તેમજ અવર-જવરમાં થતી ટ્રાફિકની મુશ્કેલીઓ દૂર થશે.
વધુમાં આ રોડ પર આવતા મોટી ભરડ ગામે સરકાર દ્વારા ૫૫ મીટરની લંબાઈનો બ્રિજ મંજુર કરવામાં આવેલ છે જેની સાથે જરૂરી પ્રોટેક્શન દિવાલ તથા એપ્રોચ રસ્તો કે જેને સંગચિરોડા ગામને જોડતી મિસિંગ લંબાઇ સાથે કુલ ૩૬૨.૬૬ લાખની તાંત્રિક મંજૂરી મળી ગયેલ છે. તેમજ કામનું ડી.ટી.પી.પણ મંજૂર કરી દેવામાં આવેલ છે. તેમજ શેઠ વડાળા થી કલ્યાણપુર વચ્ચેના રસ્તામાં આવતા બે કોઝવેના સ્થાને પુલ બનાવવા માટે સરકાર દ્વારા મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના હેઠળ રૂ.250 લાખની વહીવટી મંજૂરી આપવામાં આવેલ છે.
આ પ્રસંગે ધારાસભ્ય શ્રી ચિરાગ કાલરીયા, જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી ધરમશીભાઈ ચનિયારા, પૂર્વ મંત્રી શ્રી ચીમનભાઈ સાપરિયા, પૂર્વ ધારાસભ્ય શ્રી બ્રિજરાજસિંહ જાડેજા, જામજોધપુર તાલુકા પંચાયત પ્રમુખ શ્રી હંસાબેન સાકરીયા, ઉપ પ્રમુખ શ્રી દેવાભાઈ પરમાર, બાંધકામ સમિતિના ચેરમેનશ્રી કે.બી.આગિયા, શ્રી હર્ષદીપભાઈ સુતરિયા, જિલ્લા પંચાયત સદસ્ય શ્રી ગીરીશભાઈ ગરસર તથા અશોકભાઈ ચોવટિયા, વાસ્મોના ડિરેક્ટર શ્રી અમુભાઈ વૈષ્નાણી, શ્રી ચેતનભાઈ કડીવાર સહિત બહોળી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
વિરેન્દ્રસિંહ પરમાર
