હાલમાં રાજ્યના અનેક જિલ્લાઓમાં પશુઓમાં લમ્પી વાઈરસનાં કારણે પશુ વિભાગ એક્શનમાં આવ્યું છે. ત્યારે છોટાઉદેપુર જિલ્લામાં તકેદારીના ભાગરૂપે નાયબ પશુપાલન નિયામક છોટાઉદેપુરના દેખરેખ હેઠળ છોટાઉદેપુર જિલ્લાના પશુધનને ઘરે ઘરે ફરીને લમ્પી વાઈરસ રોગને ફેલાતો અટકાવવા માટે લમ્પી વાઈરસ વિરોધી કુલ 87093 પશુઓનું સફળ રસીકરણ કરાયું છે અને હાલ પણ જિલ્લાના પશુ ચિકિત્સકો ખડેપગે રહીને પશુઓનું રસીકરણ સહિત સારવાર કરી રહ્યા છે.
તેમજ આ રોગને ફેલાતો અટકાવવા સાવચેતીના પગલાં રૂપે છોટાઉદેપુર જિલ્લા પશુપાલન નિયામક દ્વારા તમામ પ્રયાસો હાથ ધરાયા છે છોટાઉદેપુર જિલ્લા નાયબ પશુપાલન નિયામક ડૉ. વિક્રાંત ગરાસીયાના જણાવ્યા મુજબ હાલમાં પશુઓમાં ફેલાતા લમ્પી વાયરસ રોગચાળાનાં નિયંત્રણ માટે પશુપાલન શાખા દ્વારા પશુઓમાં રસીકરણ સાથે અસરગ્રસ્ત પશુઓની સારવાર પણ પુરજોશમાં ચાલુ છે.
જે અંતર્ગત આંકડાકીય માહિતી પ્રમાણે છોટાઉદેપુર જિલ્લામાં હાલની તારીખે 87093 પશુઓને રસીકરણ કરવામાં આવ્યું છે અત્યાર સુધીમાં છોટાઉદેપુર જિલ્લામાં 109 પશુઓમાં લમ્પી વાઈરસનાં લક્ષણો જણાતા જેની સામે 106 પશુઓ સારવાર બાદ સારા થઈ ગયેલ છે. અત્યારે એક કેસની સારવાર ચાલુ છે અને બે પશુઓનું મરણ થયું છે. આમ રાજ્યના પશુપાલન વિભાગ દ્વારા તકેદારીના ભાગરૂપે સારવાર અને રસીકરણની કામગીરીને જિલ્લાના પશુ પાલકો દ્વારા પ્રશંસા કરવામાં આવી રહી છે.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર