અમદાવાદ
અમદાવાદમાં કોરોનાનું સંક્રમણ સતત વધી રહ્યું છે. સિવિલની ૧૨૦૦ બેડની કોવિડ હોસ્પિટલમાં વધુ ૫ નવા દર્દીઓ દાખલ કરાયા હતા. આમ હવે અહીં કુલ ૨૩ કોરોના સંક્રમિત દર્દીઓ દાખલ છે. સોલા સિવિલમાં પણ કોરોના વોર્ડમાં વધુ બે દર્દી સાથે હાલમાં ૪ સંક્રમિતો સારવાર હેઠળ છે. જ્યારે ખાનગી હોસ્પિટલોમાં ૯૦ જેટલા દર્દી આઈસોલેશનમાં, ૨૧ દર્દી ૐેંડ્ઢ અને ૧૧ દર્દી ૈંઝ્રેંમાં સારવાર હેઠળ છે. ગઈકાલે નવા ઉમેરાયેલા ૧૯ માઈક્રો કન્ટેન્મેન્ટ ઝોનમાંથી ૬ નિકોલમાં આવ્યા. અમદાવાદ શહેર અને જિલ્લામાં ગઈકાલે કોરોનાના ૨૯૦૩ નવા કેસ નોંધાયા હતા. શહેરમાં ૨૮૬૧ જ્યારે જિલ્લામાં ૪૨ નવા કેસ નોંધાયા હતા. જે ૨૪૨ દિવસ બાદ સૌથી વધુ કેસ છે. આ પહેલા ૧૩ મેના રોજ અમદાવાદમાં ૨૯૦૦થી વધુ કેસ નોંધાયા હતા. જ્યારે વધુ ૧૩૧૪ દર્દી ડિસ્ચાર્જ થયા છે. તેમજ સતત ૧૭માં દિવસે એકપણ મોત થયું નહોતું. શહેરમાં છેલ્લે ૨૪ ડિસેમ્બરે એકનું મોત થયું હતું. અત્યાર સુધીમાં કુલ ૨ લાખ ૫૮ હજાર ૯૧૨ કેસ નોંધાઈ ચૂક્યા છે. જ્યારે ૨ લાખ ૩૮ હજાર ૬૦૪ દર્દી સાજા થઈ ગયા છે અને મૃત્યુઆંક ૩,૪૧૨ પર સ્થિર છે. શહેરમાં ગઈકાલે ૧૯ નવા માઈક્રો કન્ટેન્મેન્ટ ઝોન ઉમેરાયા છે, અને ૧૪ માઇક્રો કન્ટેન્મેન્ટ ઝોનને દૂર કરવામાં આવ્યા છે. જ્યારે પહેલાથી ૧૭૭ માઈક્રો કન્ટેન્મેન્ટ ઝોન અમલમાં હતા. આમ હવે શહેરમાં કુલ ૧૮૨ માઈક્રો કન્ટેન્મેન્ટ ઝોન અમલમાં છે. નવા ઉમેરાયેલા માઈક્રો કન્ટેન્મેન્ટ ઝોનની વાત કરીએ તો ૧૧૨ મકાનોના ૪૭૬ લોકોને માઈક્રો કન્ટેન્મેન્ટ ઝોનમાં મૂકવામાં આવ્યા છે. શહેરમાં નિકોલના દિવ્ય જીવન એલિગન્સના ૨૦ મકાનના ૯૮ લોકોને માઈક્રો કન્ટેન્મેન્ટ ઝોનમાં મુકવામાં આવ્યા છે. જ્યારે વસ્ત્રાપુરના સી ટાઈપ ટાવરના ૧૨ મકાનના ૩૮ લોકો અને ખોખરા ગુજરાત હાઉસિંગ બોર્ડના ૧૦ મકાનના ૪૦ લોકોને માઈક્રો કન્ટેન્મેન્ટ ઝોનમાં મુક્યા છે. પૂર્વ ઝોનમાં નિકોલની ૬ સોસાયટીઓ માઈક્રો કન્ટેન્ટમેન્ટ ઝોનમાં છે.અમદાવાદ શહેરના લાલદરવાજા ખાતેની વડી કચેરીમાં પુરવઠા વિભાગ હસ્તકના અન્ન અને નાગરિક પુરવઠા વિભાગની કચેરીમાં અન્ન નિયંત્રક સહિત અનેક ઉચ્ચ અધિકારીઓ તેમજ ઝોનલ ઓફિસરો કોરોના સંક્રમિત થયા. પુરવઠા વિભાગની કચેરીમાં ફરજ બજાવતા અધિકારીઓ અને સ્ટાફ કોરોનાથી સંક્રમિત થતા લાલદરવાજા ખાતે આવેલી મુખ્ય કચેરીમાં રેશનકાર્ડ અને તેને લગતી અન્ય કામગીરી પર અસર પડી છે. કચેરીના અન્ય કર્મચારીઓમાં પણ કોરોનાના લક્ષણો હોવાની આશંકાને લઈને તેઓ કોરોના ટેસ્ટ કરાવી રહ્યા છે. જેથી હજુ કેટલાક કર્મચારીઓ પોઝિટિવ આવવાની શક્યતા છે. બીજી તરફ શહેરના અનેક વ્યાજબી ભાવના રેશન સંચાલકો પણ કોરોના પોઝિટીવ આવ્યા છે.
