એક કુંભારને માટી ખોદતાં અચાનક એક હીરો મળે છે.કુંભાર હીરાને ગધેડાના ગળામાં બાંધે છે.એક દિવસ એક વાણિયાની નજર ગધેડાના ગળામાં બાંધેલ હીરા ઉપર પડે છે.વાણિયો કુંભારને આ હીરાનું મૂલ્ય પુછે છે ત્યારે તેનું મૂલ્ય સવાશેર ગોળ બતાવે છે.વાણિયાએ સવા શેર ગોળ આપીને આ હીરો ખરીદી લે છે.વાણિયાને પણ આ હીરાનું મૂલ્ય ખબર ના હોવાથી ચમકીલો પદાર્થ સમજીને પોતાના ત્રાજવાની ડાંડીએ બાંધી દે છે.
એક દિવસ એક ઝવેરીની નજર વાણિયાના ત્રાજવે બાંધેલ હીરા ઉપર પડે છે ત્યારે વાણિયાને આ હીરાની કિંમત પુછે છે તો વાણિયો હીરાની કિંમત પાંચ બતાવે છે.ઝવેરી કંજૂસ અને લાલચી હતો તેથી હીરાની કિંમત પાંચ રૂપિયા જાણીને સમજી ગયો કે આ વાણિયાને આ કિંમતી હીરાને એક સામાન્ય પત્થરનો ટુકડો સમજે છે.ઝવેરી હીરાનો ભાવતાલ કરે છે અને ચાર રૂપિયામાં આપવા કહે છે ત્યારે વાણિયો ચાર રૂપિયામાં હીરો આપવા તૈયાર થતો નથી.ઝવેરીએ વિચાર્યું કે ઉતાવળ શું છે ! કાલે આવીને હીરો ખરીદી લઇશ અને વાણિયો ચાર રૂપિયામાં આપવા તૈયાર નહી થાય તો પાંચ રૂપિયા આપીને ખરીદી લઇશ.
સંજોગોવશાત બે કલાક બાદ બીજો એક ઝવેરી સામાન ખરીદવા વાણિયાની દુકાને આવે છે. ત્રાજવા ઉપર બાંધેલ હીરાને જોઇને તેને નવાઇ લાગે છે.સામાન ખરીદવાને બદલે તે હીરાની કિંમત પુછે છે.વાણિયાના મોઢે હીરાની કિંમત પાંચ રૂપિયા કહેતાં ઝટ દઇને ખિસ્સામાંથી પાંચ રૂપિયા કાઢી વાણિયાને આપી હીરો લઇને ચાલતો થાય છે.બીજા દિવસે પહેલો આવેલ ઝવેરી આવીને પાંચ રૂપિયા આપીને કહે છે કે તમારા ત્રાજવે બાંધેલ ચમકીલો પદાર્થ મને આપી દો,ત્યારે વાણિયો કહે છે કે ગઇકાલે તમારા ગયા બાદ બીજો એક ઝવેરી આવીને પાંચ રૂપિયા આપીને લઇ ગયો છે.આ સાંભળીને ઝવેરી પોતે ઠગાઇ ગયાનો અહેસાસ થાય છે અને વાણિયાને કહે છે કે હે મૂરખ ! આ કોઇ સાધારણ પત્થર નહોતો પણ એક લાખની કિંમતનો હીરો હતો.
વાણિયો કહે છે કે મારાથી મોટા મૂરખ તો તમે છો.મારી દ્રષ્ટિએ તો તે એક સાધારણ પત્થર હતો જેની સવા શેર ગોળ આપીને મેં ખરીદ્યો હતો પરંતુ તમોને તો ખબર હતી કે આની કિંમત એક લાખ રૂપિયા છે છતાં પાંચ રૂપીયા કિંમત તમોને વધારે લાગી અને ખરીદ્યી ના શક્યા.
અમારી સાથે પણ ઘણીવાર આવું થાય છે.અમોને હીરા જેવા શુભ ચિંતક મળે છે પરંતુ અજ્ઞાનતાવશ અમે તેમને ઓળખી શકતા નથી અને અમે તેઓની ઉપેક્ષા કરીએ છીએ અને કદાચ ઓળખી શકીએ તો અહંકારના કારણે સ્વીકાર કરી શકતા નથી અને છેલ્લે પશ્ચાતાપ સિવાય કશું મળતું નથી.
લોભથી બુદ્ધિ ચલાયમાન થાય છે.લોભ પા૫નો બાપ છે.જેમને ઘણા શાસ્ત્રોનો અભ્યાસ કર્યો હોય અને જેઓ બીજાઓની તમામ શંકાઓનું નિવારણ કરી શકે છે તેવા પુરૂષો ૫ણ લોભમાં ૫ડીને દુઃખ ભોગવે છે.લોભથી જ ક્રોધ થાય છે,લોભથી જ વિષય ભોગની ઇચ્છા થાય છે,લોભથી જ મતિ ભ્રષ્ટ થઇ જાય છે.આમ લોભથી જ સર્વનાશ થાય છે.ભક્તિમાર્ગમાં વિઘ્ન કરનાર લોભ છે.લોભ એટલે પોતાની પાસે જે છે તે નહિ ગુમાવવાની ઈચ્છા.
લોભ એટલે લાલસા,લોલુપતા,તૃષ્ણા, વધારે પડતી કરકસર,કંજૂસાઇ અને કૃપણતા.અમારે પણ જીવનમાં કોઇપણ પ્રકારના લોભ-લાલચમાં ફસાયા વિના જીવન જીવવાનું છે. લોભ-મોહ-આસક્તિ અને માન મેળવવાની ઇચ્છા એ સ્થાઇ દોષ છે તે નિરંતર મનમાં રહેલા હોય છે. વિવેક-વેરાગ્ય અને સત્સંગના દ્વારા તેને દૂર કરી શકાય છે. લોભનો ત્યાગ એ ભક્તિમાર્ગની પગદંડી છે. કામ ક્રોધ લોભ મોહ મદ અને મત્સર.. આ મનમાં નિત્ય રહેવાવાળા શત્રુઓ છે આને જે વશમાં કરી લે છે તે જીતેન્દ્રિય પુરૂષ પા૫માં લિપ્ત થતો નથી.મમતાએ પા૫ની માતા છે અને લોભએ પા૫નો પિતા છે. લોભ એ અનંતકાળનો વ્યાધિ છે. લોભથી બુદ્ધિ ચલાયમાન થાય છે. જેને મમત્વનો ત્યાગ કર્યો છે તથા લોભ અને મોહને છોડી દીધા છે તે કામ-ક્રોધથી રહીત માનવ ૫રમ૫દને પ્રાપ્ત કરે છે.
પદ,પ્રતિષ્ઠા અને પૈસાનો લોભ પણ માણસને તેના ધ્યેયમાંથી પથભ્રષ્ટ કરે છે.ભક્તિમાર્ગમાં પદ મળે,પ્રતિષ્ઠા મળે એટલે સાધકો,સદગુરૂના પ્રતિનિધિઓ પોતાની જાતને મહાન સમજી પ્રદર્શન કરવા લાગે છે અને તેમનું પતન થાય છે.મનુષ્યને પોતાના જીવનનો પણ લોભ હોય છે,મૃત્યુનો ભય લાગે છે તેથી સહજતાથી મૃત્યુને સ્વીકારી શકતો નથી તેથી જર્જરીત દેહરૂપી વસ્ત્રને થિંગડાં મારી ટકાવી રાખવા પ્રયત્ન કરે છે.
લોભનો વિરોધી શબ્દ છે સંતોષ..મનુષ્ય પોતાના જીવનમાં મોહ-માયા અને લોભ-લાલચમાં એટલો ડુબી જાય છે કે તેને પરમતત્વની પ્રાપ્તિ થતી નથી.જ્યારે કોઇ ક્ષોત્રિય બ્રહ્મનિષ્ઠ સદગુરૂ પરમાત્માનું જ્ઞાન પ્રદાન કરે છે ત્યારે સંતોષ આવે છે.સંસારમાં લોભથી તુચ્છ વિનાશકારી તત્વ બીજું કોઇ નથી,તમામ અનર્થોનું મૂળ લોભ છે, લોભથી મનુષ્યની બુદ્ધિ અને વિવેક નાશ પામે છે તેથી તે પાપકર્મમાં પ્રવૃત્ત થાય છે.ગીતામાં કામ,ક્રોધ અને લોભને નરકના દ્વાર કહ્યા છે.લોભના મોહમાં માનવને સારા નરસાનું ભાન રહેતું નથી તેથી તે ન કરવાના કાર્યો કરી બેસે છે.લોભ સમાન કોઇ દુઃખ નથી અને ત્યાગ સમાન કોઇ સુખ નથી. પ્રારબ્ધ અનુસાર જે કંઇ મળ્યું છે તેમાં સંતોષ માની જીવન જીવવું પણ લોભ ન રાખવો.
લોભ જેમ જેમ વધે તેમ તેમ ભોગ વધે છે.ભોગ વધે તેમ પાપ વધે છે.જ્યારથી લોકો એમ માનવા લાગ્યા કે કેવળ પૈસાથી જ સુખ મળે છે ત્યારથી જગતમાં પાપ બહુ વધી ગયું છે.પૈસાથી થોડી સગવડતા મળે છે પણ શાંતિ મળતી નથી.શાંતિ સંતોષથી મળે છે.આ પૃથ્વીની બધી જ સંપત્તિ અને ભોગસામગ્રી કોઈ એક જ વ્યક્તિને આપવામાં આવે તો પણ તેને શાંતિ મળશે નહિ.લોભ સંતોષથી મરે છે.પ્રાપ્ત સ્થિતિમાં સંતોષ હશે તો લોભ મરશે.
વિનોદભાઇ માછી નિરંકારી
૯૭૨૬૧૬૬૦૭૫(મો)


