Gujarat

વડાપ્રધાનના હસ્તે ૧૦ જૂને ચીખલીમાં અનેક યોજનાઓના ખાતમુહૂર્ત, લોકાર્પણ કરાશે

નવસારી
નવસારી શહેર જિલ્લાનું મુખ્ય મથક હોય અહીંથી ઘણાં લોકોને કાર્યક્રમ સ્થળે લઈ જવાની જવાબદારી સોંપાઈ છે. આ અંગે એક મહત્ત્વની મિટીંગ સોમવારે પાલિકામાં ધારાસભ્યો આર.સી. પટેલ, પિયુષ દેસાઈ, ભાજપ પ્રમુખ ભુરાભાઈ શાહ વગેરેની ઉપસ્થિતિમાં મળી હતી અને અંદાજે ૨૦ હજાર લોકોને લઈ જવાનો ટાર્ગેટ નક્કી થયાનું જાણવા મળ્યું છે. આમ તો અઠવાડિયાથી તૈયારી શરૂ થઈ ગઈ છે, જેની કામગીરી હવે વેગ પકડી છે. માત્ર કલેકટર કચેરી જ નહીં પરંતુ પાલિકા, પંચાયત સહિત સરકારના મહત્તમ વિભાગોના કર્મચારીઓ કામે લાગી ગયા છે. દરરોજ મિટીંગો અને બેઠકો પીએમના કાર્યક્રમ સંલગ્ન શરૂ થઇ ગઇ છે. જેને લઇને અધિકારીઓ, કર્મચારીઓ હવે આ કામમાં પણ સમય આપી રહ્યા હોય રૂટિન કામો ઉપર અસર થવા લાગી છે. કાર્યક્રમ સુધી આ સ્થિતિ રહેવાની શક્યતા છે.નવસારી જિલ્લાના ખુડવેલ ગામે ૧૦ જૂનના રોજ યોજાનાર વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કાર્યક્રમમાં ૩ લાખથી વધુ લોકો ભેગા કરવાનો ટાર્ગેટ રાખવામાં આવ્યો છે.વડાપ્રધાન બીજી વખત ૨૦૧૯માં બન્યા બાદ પ્રથમ વખત નરેન્દ્ર મોદી નવસારી જિલ્લાની મુલાકાતે આવી રહ્યા છે. આ વખતે ચીખલી તાલુકાના ખુડવેલ ગામે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આમ તો હજુ સુધી સરકારી તંત્રે સત્તાવાર વિધિવત કાર્યક્રમની જાહેરાત કરી નથી અને સરકારી યાદીમાં સંભવતઃ કાર્યક્રમ જ જણાવાઈ રહ્યો છે પણ સરકારી તંત્ર અને ભાજપે તડામાર તૈયારી શરૂ કરી દીધી છે. દરરોજ બેઠકોનો દોર ચાલી રહ્યો છે. આમ તો ચોક્કસ શું કાર્યક્રમ છે તે જાહેર કરાયું નથી પણ અનેક સરકારી યોજનાઓના લોકાર્પણ, ખાતમુહૂર્ત થવાનું જાણવા મળ્યું છે,જેમાં સમગ્ર જિલ્લાનો અસર કરતી ઉકાઈ -કાકરાપાર અને દમણગંગા આધારિત કરોડોની પાણી યોજનાની શરૂઆત પણ છે. જેમાં અંદાજે ૩ લાખથી વધુ લોકો ભેગા કરવાનો ટાર્ગેટ રખાયો છે. અહીં ઉલ્લેખનીય છે કે કાર્યક્રમ નવસારી જિલ્લામાં યોજાઇ રહ્યો છે પણ દક્ષિણ ગુજરાતના અન્ય ૪ જિલ્લા વલસાડ, ડાંગ, સુરત અને તાપીના પણ લોકો મોટી સંખ્યામાં આવશે. તંત્રએ પી.એમ.ના કાર્યક્રમમાં કાચુ ન કપાય અને યોગ્ય તૈયારીઓ થાય તે માટે અનેક સમિતિઓનું ગઠન પણ કરી દીધુ છે. આ સમિતિઓમાં વાહનવ્યવહાર સમિતિ, ફૂડ વિતરણ સમિતિ, છાશ-પાણી વિતરણ સમિતિ, પાર્કિંગ સમિતિ, સ્ટેજ સમિતિ, બેઠક વ્યવસ્થા સમિતિ વગેરેનો સમાવેશ થાય છે. દરેક સમિતિઓમાં ઉચ્ચ અધિકારીઓ નિમાયા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *