વડોદરા
છાણી વિસ્તારમાં રહેતા અને ખાનગી બેંકમાં રિઝનલ મેનેજર વિપુલકુમાર મહેન્દ્રભાઇ કોઠારીએ ફરિયાદ નોંધાવી છે કે, છાણીમાં ઘણા વર્ષોથી વડતાલ સંસ્થાના તાબા હેઠળનું સ્વામીનારાયણ મંદિર આવેલું છે. આ મંદિરમાં અમારા વડીલો સેવા પૂજા કરતા આવ્યા છે. છેલ્લા ઘણા સમયથી સ્વામીનારાયણ ભગવાનની પૂજા આરતી નિયમિત થતી ન હોવાથી મંદિરના ટ્રસ્ટીઓએ વડતાલ સંસ્થાને સ્વામીની નિમણૂક થાય તે માટે પત્ર લખી જાણ કરતા વડતાલ સંસ્થા તરફથી શ્રીરંગ સ્વામી અને બાલકૃષ્ણ સ્વામીની છેલ્લા આશરે છ મહિનાથી નિમણૂક કરવામાં આવી હતી. આ બંને સ્વામીઓ છાણી સ્વામીનારાયણ મંદિરમાં ભગવાનની સેવા પૂજા આરતી કરતા હોવાથી છાણીના સ્વામીનારાયણ ફળિયામાં રહેતા દિનેશભાઇ ખુશાલભાઇ મિસ્ત્રી ખોટી રીતે વાંધો ઉઠાવી અને ફળિયાના સ્થાનિક રહીશોને ગરેમાર્ગે દોરી ખોટી ઉશ્કેરણી છેલ્લા ઘણા વખતથી કરી રહ્યા છે. વિપુલ કોઠારીએ આ અંગે આ બાબતે દિનેશભાઇને ઘણી વખત સમજાવવાનો પ્રયત્ન કર્યો કર્યો હતો છતાં દિનેશભાઇ અને તેમના મળતિયાએ મંદિરમાં જઇ અને જે રૂમમાં શ્રીરંગ સ્વામી અને બાલકૃષ્ણ સ્વામી રહે છે ત્યાં જઇ અડચણ થાય એ રીતે અસભ્ય વર્તન કરી મંદિરના પાછળના સ્વામીના આવવા જવાના પાછળના ગેટ પર તાળું મારી દેતા હતા. છેલ્લા બે દિવસથી દિનેશભાઇ અને તેમના પત્ની ચંદ્રિકાબેન અને તેમના મળતીયા મંદિરના કમ્પાઉન્ડમાં જઇ દર્શને આવતા-જતા હરિભક્તોને દર્શન કરતા રોકતા હતા. સાથે જ મંદિરનો વીજપ્રવાહ પણ બંધ કરી દીધો હતો. જેથી મંદિરના સ્વામીએ આ અંગે વિપુલ કોઠારીને જાણ કરી હતી. વિપુલ કોઠારી અને તેમની માતા રમીલાબેન સહિત ચંદ્રકાંતભાઇ મકવાણા, રંજનબેન પરમાર, લલીતાબેન પરમાર તથા જશોદાબેન પરમાર બપોરે પોણા બે વાગ્યે મંદિરે દર્શન કરવા ગયા હતા. આ દરમિયાન દિનેશભાઇ મિસ્ત્રી, તેમની પત્ની ચંદ્રિકાબેન અને રાજુભાઇ વણકર, કિશોરભાઇ મિસ્ત્રીએ મંદિરના પાછળના દરવાજે આવીને અપશબ્દો કહ્યા હતા અને હવે તમારે આ મંદિરમાં પ્રવેશ કરવો નહી તેમ કહી હુમલો કર્યો હતો. જેમાં વિપુલ કોઠારી, તેમની માતા રમીલાબેનને માર માર્યો હતો. આ મામલે છાણી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો છે. વડોદરા શહેરના છાણી વિસ્તારમાં રહેતા એકાઉન્ટન્ટ દિનેશભાઇ મિસ્ત્રીએ છાણી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે કે, તેઓ ગઇકાલે તેઓ પત્ની ચંદ્રિકાબેન તેમજ રાજુભાઇ અને કિશોરભાઇ બેઠા હતા ત્યારે મંદિરના આગળના ભાગ તરફથી વિપુલભાઇ અને ચંદ્રકાંત મકવાણા આવ્યા હતા અને તેમને અહીં કેમ બેઠા છે કહી મારામારી કરી હતી. તેમજ તેમની પત્ની ચંદ્રિકાબેનને ચોટલો પકડી નીચે પાડી દઇ હુમલો કહ્યો હતો. જેથી તેમને ઇજાઓ થઇ હતી. વડતાલ સંસ્થાના આ સ્વામિનારાયણ મંદિરમાં છેલ્લા છ મહિનાથી શ્રીરંગ સ્વામી અને બાલકૃષ્ણ સ્વામી રહે છે. પરંતુ બંને પાસે સ્વામિનાયારણ મંદિર વડતાલ સંસ્થાનું આજ્ઞાપત્ર ન હોવા છતાં ગેરકાયદે રહે છે. તેથી બંને સંતો આ મંદિર છોડી જતાં રહે તેવી અમારી માંગણી છે.વડોદરા શહેરના છાણી વિસ્તારમાં આવેલ સ્વામીનારાયણ મંદિરમાં પૂજા-દર્શન કરવા તેમજ સંતો ગેરકાયદે રહેતા હોવાના આક્ષેપ બાબતે બે જૂથ વચ્ચે મારામારી થતાં આ મામલે સામ-સામે પોલીસ ફરિયાદ નોંધાઇ છે. હુમલાની સમગ્ર ઘટના સીસીટીવીમાં પણ કેદ થઇ છે.
